લંડનઃ બ્રિટન ખાતેના ભારતના હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામીએ ગયા સપ્તાહમાં કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ સંસદમાં આયોજિત કરાયેલી ગોળમેજી બેઠકમાં કન્ઝર્વેટિવ સાંસદોને સંબોધન કર્યું હતું. યુકે અને ભારત વચ્ચે સંભવિત મુક્ત વેપાર કરારના પાસાઓ પર સાંસદોને માહિતગાર કરવા કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયાએ આ બેઠકના આયોજનમાં નેતૃત્વ લીધું હતું. આ પ્રસંગે હાઇ કમિશ્નરે યુકે અને ભારત વચ્ચેના ભાવિ સંબંધો અંગે સાંસદોને માહિતગાર કર્યાં હતાં અને હાલની ભૌગોલિક-રાજકીય સ્થિતિ, ક્લાઇમેટ ચેન્જ તેમજ આર્થિક વિકાસ જેવા મુદ્દાઓને આવરી લીધાં હતાં. સાંસદો દ્વારા ભારતના વિઝા મેળવવાની પ્રક્રિયા પર રજૂઆત કરાઇ હતી. સાંસદોએ જણાવ્યું હતું કે, ઘણા લોકોને વિઝા મેળવવામાં સંઘર્ષ કરવો પડે છે. તેમણે ઇ-વિઝાની સિસ્ટમ પુનઃલાગુ કરવાની માગ કરી હતી. હાઇકમિશ્નરે આ મામલે ઘટતું કરવાનું વચન આપ્યું હતું. આ પ્રસંગે હાઇકમિશ્નરે યુકે અને ભારત વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવામાં ભજવેલી ભુમિકા માટે કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયાને અભિનંદન પાઠવ્યાં હતાં. કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયા હાલ અમિત જોગિયા એમબીઇ અને રીના રેન્જર એમબીઇના નેતૃત્વમાં કામ કરતું ટોરી પાર્ટીનું સૌથી મોટું જૂથ છે.

