દીક્ષિત જોશી ક્રેડિટ સુઈસના નવા CFO, 1 ઓક્ટોબરથી કાર્યભાર સંભાળશે

- મહેશ લિલોરિયા Wednesday 31st August 2022 07:42 EDT
 
 

ક્રેડિટ સુઈસે નવા ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર (CFO) તરીકે ડોઇશે બેંકના અનુભવી દીક્ષિત જોશીને પસંદ કર્યા છે. જોશી છેલ્લા પાંચ વર્ષથી ડોઇશેના ગ્રુપ ટ્રેઝરર હતા. તેઓ ડેવિડ મેથર્સની જગ્યા એક્ઝિક્યુટિવ બોર્ડમાં CFO તરીકે જોડાશે અને પહેલી ઓક્ટોબરથી કાર્યભાર સંભાળશે. તેઓ ઝુરિચમાં પદસ્થ રહેશે. ઉલ્લેખનીય છે કે દીક્ષિત જોશીનો પરિવાર મૂળ રાજકોટનો છે. એમના પરદાદા મોહન જોશી સાઉથ અફ્રિકામાં સ્થાયી થયા. તેઓ ગાંધીજીના સમર્થક હતા અને સાથીદારોમાંના એક હતા.
દીક્ષિત ઉપરાંત ક્રેડિટ સુઈસે ફ્રાન્સેસ્કા મેકડોનાઘને ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) તરીકે નિયુક્ત કર્યા છે. તે અગાઉ બેંક ઓફ આયર્લેન્ડના ચીફ એક્ઝિક્યુટિવ હતા અને 19 સપ્ટેમ્બરે COO તરીકે પદભાર સંભાળશે. દરમિયાન, કી વેલ્થ મેનેજમેંટ ડિવિઝનના ચીફ એક્ઝિક્યુટિવ ફ્રાન્સેસ્કો ડી ફેરારીને તાત્કાલિક અસરથી EMEA રીઝનના ચીફ એક્ઝિક્યુટિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ રીઝન માટે વચગાળાના સીઈઓ તરીકે સેવા આપતા હતા.
CFO દીક્ષિત જોશી વિશે જાણવા જેવી વાતો...
• 1992માં સ્ટાન્ડર્ડ બેંક ઓફ સાઉથ આફ્રિકામાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.
• 1995 અને 2003ની વચ્ચે જોશીએ ન્યૂયોર્ક અને લંડનમાં ક્રેડિટ સુઈસમાં કામ કર્યું હતું.
• જોશીએ ડોઇશે બેંકમાં ગ્રુપ ટ્રેઝરર તરીકે બેંકના પુનઃરચના અને તેની બેલેન્સ શીટના ઓવરહોલિંગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
• ત્રણ દાયકાની કારકિર્દી દરમિયાન વિવિધ વરિષ્ઠ રોકાણ બેન્કિંગ હોદ્દાઓ સંભાળ્યા છે, અનેક સ્થળોએ કામ કર્યું છે અને અસંખ્ય વ્યવસાયોના સંચાલનમાં તેમજ પડકારરૂપ પરિવર્તન પહેલમાં યોગદાન આપ્યું છે.
• સેલ્સ, ટ્રેડિંગ, રિસર્ચ અને સ્ટ્રક્ચરિંગમાં EMEA ઇક્વિટીઝ બિઝનેસનું નેતૃત્વ કરવા માટે જોશી ઓક્ટોબર 2010માં બાર્કલેઝ કેપિટલમાંથી ડોઇશે બેંકમાં જોડાયા હતા.
• જોશીએ ઘણા વર્ષો પહેલા રોકાણકારોના અવિશ્વાસ અને ક્રેડિટ રેટિંગ ડાઉનગ્રેડ સાથેના સંઘર્ષ દરમિયાન ડોઇશે બેંકને સ્થિર કરવામાં મદદ કરી હતી. આ એ જ પડકારો છે જેનો અનુભવ સ્વિસ બેંક અત્યારે કરી રહી છે.
• ડોઇશે બેંકમાં તેમની અન્ય ભૂમિકાઓમાં ફિક્સ્ડ-ઇન્કમ ઇન્સ્ટિટ્યૂશનલ ક્લાયન્ટ ગ્રૂપના વડા, લિસ્ટેડ ડેરિવેટિવ્ઝ અને માર્કેટ ક્લિયરિંગ તેમજ ગ્લોબલ પ્રાઇમ ફાઇનાન્સના વડા અને હોંગકોંગમાં APAC ઇક્વિટીઝના વડા હોવાનો સમાવેશ
થાય છે.
જોશી દક્ષિણ આફ્રિકાની યુનિવર્સિટી ઓફ વિટવોટર્સરેન્ડમાંથી આંકડાશાસ્ત્ર અને એક્ચ્યુરિયલ સાયન્સની ડિગ્રી સાથે સ્નાતક થયા છે. તેઓ ભારતમાં શિક્ષણને સમર્પિત એક પ્રખ્યાત બિન-લાભકારી સંસ્થા પ્રથમના બોર્ડમાં છે. તેઓ દક્ષિણ આફ્રિકામાં વિદ્યાર્થી સ્પોન્સરશિપ પ્રોગ્રામ માટે ટ્રસ્ટી તરીકે પણ સેવા આપે છે, જેનો ઉદ્દેશ વંચિત વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની ઍક્સેસ આપવાનો છે. તેઓ રાષ્ટ્રીય સેવા દિવસ માટેના સલાહકાર બોર્ડના પ્રમુખ હતા, જે પ્રાદેશિક સમુદાયો માટે સામાજિક કાર્ય અને સ્વયંસેવી અભિયાન છે, અને તેમણે વોશિંગ્ટન, ડી.સી.માં સ્મિથસોનિયન ઈન્સ્ટિટ્યુશન નેશનલ મ્યુઝિયમ ઑફ આફ્રિકન આર્ટના બોર્ડમાં સેવા આપી છે.

IAS અધિકારી રાજેશ વર્મા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સચિવ નિયુક્ત

ઓડિશા કેડરના IAS અધિકારી રાજેશ વર્માને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વર્મા ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકના મુખ્ય સચિવ અને ઓડિશા સરકારના ઉર્જા વિભાગના મુખ્ય સચિવ તરીકે પણ કામ કરી ચૂક્યા છે. કોર્પોરેટ અફેર્સ મંત્રાલય (MCA) સચિવ રાજેશ વર્માને જાન્યુઆરી, 2022માં નાણાકીય સેવા સચિવનો વધારાનો હવાલો આપવામાં આવ્યો હતો. DFS સચિવ તરીકેના વધારાના ચાર્જ માટે રાજેશ વર્માના નામને કેબિનેટની નિમણૂક સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.

સંતોષ ઐયર ભારતમાં મર્સિડીઝનું નેતૃત્વ કરશે

મર્સિડીઝ બેન્ઝ ઈન્ડિયાએ તેના આગામી મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ તરીકે સંતોષ ઐયરને પ્રમોટ કર્યા છે. હાલના એમડી અને સીઇઓ માર્ટિન શ્વેન્ક ભારતમાં સફળ ચાર વર્ષ પછી MD અને CEO તરીકે થાઈલેન્ડ જશે. 46 વર્ષના અય્યર ભારતમાં જર્મન કાર નિર્માતા કંપનીની કામગીરીનું નેતૃત્વ કરનાર સૌથી યુવા અને પ્રથમ ભારતીય છે. કંપનીએ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બંને એપોઇન્ટમેન્ટ 1 જાન્યુઆરી 2023થી લાગુ થશે. આ નિમણૂક સાથે, હવે પહેલી વખત તમામ 3 જર્મન લક્ઝરી કાર નિર્માતા કંપનીઓઓ મર્સિડીઝ, BMW અને Audiમાં ટોચ પર ભારતીયો છે.
મુંબઈ યુનિવર્સિટીમાંથી વાણિજ્યમાં સ્નાતક, અય્યર યુનિવર્સિટી ઓફ ઇન્ડિયાનાપોલિસમાંથી MBA છે અને યુનિવર્સિટી ઓફ લેક કોન્સ્ટન્ઝ, જર્મનીમાંથી કોર્પોરેટ ગવર્નન્સ અને કમ્પ્લાયન્સમાં માસ્ટર્સ ધરાવે છે.

ઉદય ઉમેશ લલિતે ભારતના 49મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા

ન્યાયાધીશ ઉદય ઉમેશ લલિતે ભારતના 49મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા. જોકે સીજેઆઈ તરીકે CJI લલિતનો કાર્યકાળ માત્ર 74 દિવસનો હશે. યુ યુ લલિતે સોમવારે સુપ્રીમ કોર્ટમાં સીજેઆઈ તરીકેના તેમના પ્રથમ કાર્યકારી દિવસે જણાવ્યું હતું કે, લિસ્ટિંગ માટે એક નવી પદ્ધતિ ટૂંક સમયમાં ઘડી કાઢવામાં આવશે. બીજી બાજુ ભારતના આઉટગોઇંગ ચીફ જસ્ટિસ એન વી રમનાએ વિદાય સમારંભમાં તેમના કાર્યકાળના હાઇલાઇટ્સ વિશે વાત કરી હતી.


comments powered by Disqus