ઉત્તર પ્રદેશના નોઈડામાં કુતુબમિનારથી પણ ઊંચા સુપરટેક ટ્વિન ટાવર્સને પત્તાના મહેલની માફક જમીનદોસ્ત કરી દેવાયા તેને ટેકનોલોજીની કમાલ કહીને ભલે બિરદાવાય પરંતુ, આમ કરવાની શા માટે ફરજ પડી તેના તરફ નજર નાખવી આવશ્યક છે. સુપરટેક એમરલ્ડ કોર્ટ હાઉસિંગ સોસાયટીનો મૂળ પ્લાન 9 માળના 14 ટાવરનો હતો પરંતુ, બિલ્ડર્સ અને સ્થાનિક અધિકારીઓની મિલીભગતથી આખો પ્લાન બદલાઈ ગયો અને બે ટાવરમાં 40 માળના બાંધકામને પરવાનગી આપી દેવાઈ. એમરલ્ડ કોર્ટના રહેવાસીઓએ બદલાયેલા પ્લાન સામે 2012માં અલાહાબાદ હાઈ કોર્ટનો આશરો લીધો અને લાંબી કાનૂની યુદ્ધ શરૂ થયું. 2014માં હાઈ કોર્ટના ચુકાદામાં નોઈડા ઓથોરિટીને એપેક્સ અને સિઆન ટાવર્સ તોડી નાખવા આદેશ કરાયો જેની સામે અપીલ કરાયા પછી સુપ્રીમ કોર્ટે ઓગસ્ટ 20121માં હાઈ કોર્ટના હુકમને બહાલ રાખી વૈદ-ગાંધીના સહિયારા બાબતે ભારે ટીકા કરવી પડી હતી.
બિલ્ડર્સની દાનત થોડા નાણા વેરી આખો લાડવો હડપ કરી જવાની હતી પરંતુ, જાગૃત નાગરિકોએ તેમ થવા દીધું નથી. આવી જાગૃતિ ભ્રષ્ટ અધિકારીઓએ દર્શાવી નથી. બિલ્ડર્સે ટાવર તોડવાથી પર્યાવરણને નુકસાન થશે તેવી વાહિયાત અરજી પણ કથિત પર્યાવરણવાદી સંસ્થા પાસે કરાવી પરંતુ, સુપ્રીમ કોર્ટે ઉધડો લઈ તેને ભારે દંડ ફટકારી દીધો. ટ્વિન ટાવર્સ ડિમોલીશન કેસ ભારતમાં ઐતિહાસિક છે. રાજકારણીઓ અને અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરીને નિયમોની ઐસીતૈસી કરીને લોકોને લૂંટતા બિલ્ડરોનું કોઈ કંઈ ઉખાડી શકતું નથી એવી માન્યતાને સુપ્રીમ કોર્ટે ખોટી પાડી છે. હવે ટાવરમાં એક ફ્લેટની સરેરાશ કિંમત ૧.૧૫ કરોડ રૂપિયા ચૂકવનારા લોકોને તેમની રકમ પાછી મળે ત્યારે જ પૂર્ણ ન્યાય મળ્યો કહેવાશે.
રાજકારણીઓ એકબીજા વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા વિના ભ્રષ્ટ અધિકારીઓને સાણસામાં લે તે જરૂરી ગણાશે. અગાઉ પણ નામના પ્રાપ્ત કંપનીઓ દ્વારા વિકસાવાયેલી પ્રોપર્ટીઝમાં રોકાણ કરનારાને બાવાના બેય બગડ્યાની માફક નથી પ્રોપર્ટી મળી કે નથી નાણા પરત મળ્યા. આ કેસમાં પણ તેનું પુનરાવર્તન ન થાય તે જોવું જોઈશે.
