પાક.માં ટામેટાં રૂ. 500, ડુંગળી રૂ. 400 કિલોએ પહોંચ્યા

Tuesday 30th August 2022 16:38 EDT
 
 

નવીદિલ્હીઃ શ્રીલંકાની પછી વધુ એક પડોશી દેશ પાકિસ્તાન પણ ભયંકર મોંઘવારી સામે ઝઝૂમી રહ્યું છે. પહેલાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં અસહ્ય વધારા બાદ હવે શાકભાજી જેવી જીવનજરૂરી ચીજોમાં મોંઘવારીની આગ ભભૂકી ઊઠી છે. અહવાલો અનુસાર લાહોર, ઇસ્લામાબાદ સહિતના ઘણા મોટા શહેરોમાં સાકભાજી અને ફળોની કિંમતમાં તોતિંગ વધારા બાદ પાકિસ્તાન સરકાર ભારતમાંથી ડુંગળી અને ટામેટાંની આયાત કરવાની યોજના બનાવી રહી છે. પાકિસ્તાનમાં પૂરની સ્થિતિના કારણે પાકને ભારે નુકસાન થયું છે અને માંગની સરખામણીએ સપ્લાઈ એકદમ નીચી છે જેને પરિણામે રિટેલ માર્કેટમાં ભાવ ઊછળી ગયા છે. લાહોર જેવા મુખ્ય શહેરોમાં છૂટક બજારમાં ટામેટાંની કિંમત કિલોએ રૂ. 500 સુધી પહોંચી ગઈ છે અને ડુંગળીની કિંમત કિલોએ રૂ. 400 બોલાય છે. પૂરને લીધે આગામી દિવસોમાં કિંમતો હજુ પણ વધે તેવી આશંકા છે.

ડુંગળી-ટામેટાંની કિંમત કિલોએ રૂ. 700 થઈ શકે

જથ્થાબંધ વેપારીઓનું કહેવું છે કે પૂરની ગંભીર સ્થિતિ અને ઘટતા જતાં ઉત્પાદનને જોતાં જો સરકા ટૂંક સમયમાં કોઈ મજબૂત પગલાં નહીં ભરે તો પાકિસ્તાનમાં ટામેટાં અને ડુંગળીની કિલોદીઠ કિંમત રૂ. 700 થઈ શકે છે. હાલમાં અન્ય શાકભાજીમાં બટાટાની કિંમત પણ રૂ. 40થી ઊછળીને રૂ. 120 પર પહોંચી ગઈ છે.

પાક.ને પૂરના કારણે 5.5 અબજ ડોલરનું નુકસાન

પાકિસતાનમાં પૂરના કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછું 5.5 અબજ ડોલરનું આર્થિક નુકસાન થઈ ગયું છે. સિંધ અને પંજાબ પ્રાંતમાં શેરડી અને કપાસનો સંપૂર્ણ પાક ધોવાઈ ગયો છે. અહેવાલો અનુસાર સરકારે ટામેટાંની કિંમત કિલોદીઠ રૂ. 80 નક્કી કરી છે અને ડુંગળી માટે સરકારી કિંમત કિલોદીઠ રૂ. 61 છે.

વાઘાબોર્ડરથી આયાત કરવા તૈયારી

પાકિસ્તાન સરકાર હવે ભારતમાંથી આયાત કરવાની તૈયારીમાં છે. જે વાઘા બોર્ડર પરથી કરવામાં આવશે. લાહોર માર્કેટ કમિટીના સચિવ શહજાદ ચીમા કહે છે કે તોરખામ બોર્ડરથી 100 કન્ટેનર ટામેટાં અને 30 કન્ટેનર ડુંગળી મંગાવવામાં આવે છે.

પાક.ને બચવા માટે ભારત જ એકમાત્ર વિકલ્પ છે

પાકિસ્તાન હજુ અફઘાનિસ્તાનમાંથી ડુંગળી અને ટામેટાં મંગાવે છે. પાકિસ્તાન પાસે ઇરાનમાંથી શાકભાજીની આયાતનો વિકલ્પ છે પરંતુ આ આયાત જો તાફતાન બોર્ડર પરથી કરાય તો ઇરાન સરકારે આયાત નિકાસ પરનાં કરમાં વધારો કરી દીધો છે તેથી આ સંજોગોમાં ભારત જ એકમાત્ર સારો વિકલ્પ દેખાઈ રહ્યો છે.


comments powered by Disqus