વલસાડઃ ઉમરગામ તાલુકાના દહાડા ગામમાં એક વિદ્યાર્થિનીની સરાજાહેર હત્યા નિપજાવાતા ચકચાર મચી છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યા પ્રમાણે એકતરફી પ્રેમમાં પાગલ યુવકે આ હત્યાને અંજામ આપ્યો છે. મૃતક સગીરા ટુવ્હીલર પર ટ્યુશન ક્લાસ જઇ રહી હતી ત્યારે જ રસ્તામાં આંતરી યુવકે તીક્ષણ હથિયારથી ગળા પર ઘા મારી હત્યા નિપજાવ્યાની વિગતો સામે આવી છે. પોલીસે હત્યા નિપજાવી ફરાર થઇ ગયેલા આરોપીની શોધખોળ હાથ ધરી છે.
વલસાડ જિલ્લા ઉમરગામ તાલુકામાં રહેતી 17 વર્ષીય વિદ્યાર્થિની તેની શાળામાં અભ્યાસ કરતી બહેનપણીના ઘરે સ્કૂલની બુક લેવા ગઇ હતી. બુક લઇને પરત ફરી રહી હતી તે દરમિયાન વિદ્યાર્થિની પાસે પંકજ પાસવાન અને તેના મિત્રો પહોંચી ગયા હતા અને ઝઘડો કરવા લાગ્યા હતા. આ પછી પંકજે ઉશ્કેરાઇને વિદ્યાર્થિની પર તિક્ષણ હથિયાર વડે હુમલો કર્યો હતો. બુમાબુમ થતાં સ્થાનિક લોકો અને રાહદારીઓ દોડી આવ્યા હતા અને પંકજને પકડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પંકજ મોપેડ લઇને ભાગી છુટ્યો હતો. સ્થાનિક લોકોને ઘટના અંગે ઉમરગામ પોલીસને જાણ કરી હતી. ઉમરગામ પોલીસે ઘટના સ્થળે પહોંચી તાલુકાના નાકાબંધી કરી હત્યા કરી ભાગી ગયેલા પંકજને ઝડપી લેવા પ્રયાસો હાથ ધાર્યા છે.
સરાજાહેર સગીર વિદ્યાર્થિનીની હત્યાના પગલે ગ્રામ્ય વિસ્તારમાં ખળભળાટ મચ્યો છે. હત્યા નિપજાવનાર યુવક તેના અન્ય બે મિત્રો સાથે મોટર સાયકલ પર આવ્યો હોવાની વિગતો સામે આવી છે. પોલીસ આ વિસ્તારના સીસીટીવીના તપાસ કરી નાશી છુટેલા આરોપીને ઝડપી પાડવા ક્વાયત હાથ ધરી છે.

