સમગ્ર વિશ્વમાં અર્થતંત્રોની હાલત ડામાડોળ છે એટલું જ નહિ, સામાન્ય લોકોની હાલત પણ ખરાબ જ છે. વધેલા ફૂગાવાએ જીવનનિર્વાહની કટોકટીને વધુ ઘેરી બનાવી છે ત્યારે ઓક્ટોબરથી એનર્જી પ્રાઈસ કેપમાં કરાયેલો જંગી વધારો જનજીવનને તદ્દન ખલાસ કરી નાખશે. વધતા એનર્જી બિલ્સ અને ખાદ્યાન્નના ભાવથી ગ્રાહકોના ખિસ્સાનું ધોવાણ કરી નાખ્યું છે. હાલ 10.1 ટકાએ પહોંચેલો ફૂગાવાનો દર ઓક્ટોબરમાં 13 ટકાએ પહોંચી જશે તેવી બેન્ક ઓફ ઈંગ્લેન્ડની આગાહીની સામે યુએસની સિટી બેન્કે 18 ટકાના ફૂગાવાની આગાહી કરી છે. આ તો પડતા પર પાટું અને દાઝ્યાને ડામ જેવી જ સ્થિતિ સર્જાઈ છે.
કોમ્યુનિટીની સાથે લાગણીના સંબંધો બંધાયા હોય તેવી કોર્નર શોપ્સ અથવા સોફ્ટ ડ્રિન્ક્સ, આલ્કોહોલ અને દૂધ જેવી ઠંડી પ્રોડક્ટ્સ ઉપરાંત, પરચૂરણ ચીજવસ્તુઓ વેચતી દુકાનો પણ મરવાના વાંકે ચાલી રહી હોય તેવી સ્થિતિ છે. બ્રિટનના 48,000 કન્વિનીઅન્સ સ્ટોર્સના 70 ટકા સભ્યો ધરાવતા એસોસિયેશન ઓફ કન્વિનીઅન્સ સ્ટોર્સે પણ સરકાર સમક્ષ ધા નાખી છે કે એનર્જી કોસ્ટના જંગી વધારા સામે રક્ષણ આપો નહિ તો બરબાદ થઈ જઈશું, ગામડાં, હાઉસિંગ એસ્ટેટ્સ, નેબરહૂડ્સ અને હાઈ સ્ટ્રીટ્સમાં દુકાનો બંધ જ કરી દેવી પડશે. એસોસિયેશને પરિવાર કે ઘરેલુ એનર્જી કોસ્ટની માફક જ કોમર્શિયલ એનર્જી કોસ્ટ માટે પણ મર્યાદા બાંધવા સાથે મોટા સહાય પેકેજની માગણી કરી છે.
સાઉથ એશિયનો, ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ ઈસ્ટ આફ્રિકામાંથી ખાલી ખિસ્સે યુકેમાં આવ્યા ત્યારથી આ કોર્નર શોપ્સ અથવા કરિયાણાની દુકાનો તેમની જીવાદોરી બની હતી. આ દુકાનો ફેમિલી બિઝનેસ બની હતી. સમયાંતરે ઘણા લોકોએ મોટા ધંધા વિકસાવ્યા છતાં, આ દુકાનો ધમધમતી જ રહી હતી. આજે જીવાદોરી ટુંકાઈ જવા પર છે.
બીજી તરફ, ફૂગાવો એટલો વધ્યો છે કે પેન્શનની રકમ પણ ક્યાં ખર્ચાઈ જાય છે તેની ખબર પડતી નથી. વધતી જાવક સામે બે છેડાં ભેગાં કરવા વૃદ્ધ પેન્શનરોએ નિવૃત્તિનો આરામ ફગાવી ફરી કામે ચડવું પડ્યું છે. મહામારીના ગાળામાં વૃદ્ધોએ નોકરીઓ છોડી હતી પરંતુ, હવે પ્રવાહ ઉલટાયો છે. વેતન કે પેન્શનમાં થયેલા નહિવત વધારાની સામે એનર્જી બિલ્સ અને ખાદ્યપદાર્થોના આસમાને પહોંચેલા ભાવથી ગ્રાહકોના ખિસ્સાનું ધોવાણ થઈ ગયું છે.
માત્ર નાના બિઝનેસીસ બંધ પડવાનું જોખમ ધરાવે છે એવું નથી. વીજળીના વધી રહેલા બિલના કારણે બ્રિટનમાં હજારો કંપનીઓ બંધ થવાનું જોખમ સર્જાયું છે. વેપાર-ઉદ્યોગના મૂડીરોકાણો વીજબિલ ચૂકવવામાં જ ખર્ચાઇ રહ્યાં છે. બિઝનેસીસને બચાવવા હોય તો મહામારીના ગાળામાં કરાયું હતું તેમ મોટા પાયે નામાસહાય કરવી પડે અને તેના માટે યુકેએ ભારે કરજ કરવું પડે. આ કરજના વ્યાજના નાણા કેવી રીતે ચૂકવવા તે પણ મોટો પ્રશ્ન છે. પૂર્વ ચાન્સેલર રિશિ સુનાકના બજેટમાં જે ટેક્સ વધારો કરવો પડ્યો હતો તે પણ મહામારીના કરજનું બિલ ચૂકવવાના પ્રયાસરૂપે જ કરવો પડ્યો હતો. યુક્રેનયુદ્ધના કારણે પણ ગેસ પુરવઠાને વિપરીત અસર પહોંચી છે જેના પરિણામે એનર્જી કટોકટી સર્જાઈ છે. સમગ્રતયા આ કેસ્કેડિંગ ઈફેક્ટ અથવા વ્યાપક પ્રભાવ કહી શકાય એટલે કે, એક વિનિપાત અસંખ્ય વિનિપાત સર્જે છે.
જીવનનિર્વાહની કટોકટીએ એટલી ખરાબ હાલત કરી છે કે જાણે લોકડાઉન્સના દિવસો પાછાં આવ્યા છે. તમામ ખર્ચામાં કાપ મૂકી કરકસર કરવાની ફરજ પડતી હોય ત્યારે પબ્સ કે રેસ્ટોરાંમાં જઈ પરિવાર અને મિત્રો સાથે ક્વોલિટી સમય વીતાવવાનું વિચારી પણ કેવી રીતે શકાય? મોંઘવારીના મારથી ત્રસ્ત લોકો ઘરમાં જ ગોંધાઈ રહેતા હોઈ સામાજિક જીવન ખરાબે ચડ્યું છે. જીવન એકધારું અને એકલવાયું બની રહ્યું છે. કોવિડ મહામારીના સમયગાળામાં માનસિક આરોગ્યને ભારે નુકસાન થતું હતું તેવાં દિવસોમાંથી ફરી પસાર થવું પડે તો નવાઈ નહિ. આ સમય આર્થિક મહામારીનો છે.
આવી રહેલો શિયાળો કાતિલ નીવડશે તેવું સંપૂર્ણ જોખમ છે. એનર્જી કટોકટી તેની ચરમસીમાએ પહોંચી હશે અને લોકોએ હુંફ કેવી રીતે મેળવવી તેની ચિંતા કરવી પડશે. ટુંક સમયમાં સત્તા સંભાળનારી નવી ટોરી સરકાર કેટલી રાહત આપશે અને કેવી રીતે આપશે, ફૂગાવો કેવી રીતે ઘટાડશે તેની ગહન ચર્ચા ચાલી રહી છે. ત્રણ સાંધતા તેર તૂટે તેવી હાલત છે ત્યારે યક્ષપ્રશ્ન એ છે કે આભ ફાટ્યું હોય ત્યાં થીંગડું ક્યાં ક્યાં દેવાશે?
