નવીદિલ્હીઃ ચીનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તે ભારત સાથેની સરહદ મુદ્દે કોઈપણ ત્રીજા પક્ષની દખલગીરીનો સખત વિરોધ કરે છે અને અપેક્ષા રાખે છે કે ભારત વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર લશ્કરી કાર્યવાહી ન કરવાના દ્વિપક્ષીય કરારોનું ચુસ્તપણે પાલન કરશે. ચીન પર પૂર્વ લદ્દાખમાં આ જ કરારોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, જેના કારણે ત્યાં મડાગાંઠની સ્થિતિ સર્જાઈ છે.
ચીનના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા વરિષ્ઠ કર્નલ તાન કેફેઈએ હિમાલયની દક્ષિણી તળેટીમાં અમેરિકા અને ભારતીય વિશેષ દળોની તાજેતરની સંયુક્ત કવાયતના સમાચાર અને ‘યુદ્ધાભ્યાસ’ નામથી સંયુક્ત લશ્કરી કવાયત માટેની તેમની યોજનાઓ અંગે કરાયેલા સવાલો પર આ ટિપ્પણી કરી હતી. તાને અહીં એક ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “અમે ચીન-ભારત સરહદ મુદ્દે કોઈપણ ત્રીજા પક્ષની દખલગીરીનો સખત વિરોધ કરીએ છીએ.”
તેમણે કહ્યું હતું કે ચીને હંમેશા એ વાત પર ભાર મૂક્યો છે કે સંબંધિત દેશોના સૈન્ય સહયોગ, ખાસ કરીને સૈન્ય કવાયત અને પ્રશિક્ષણ પ્રવૃત્તિઓમાં, કોઈપણ ત્રીજા પક્ષને નિશાન બનાવવો જોઈએ નહીં અને પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા જાળવવામાં મદદ કરવી જોઈએ. તાને વધુમાં કહ્યું હતું કે ચીન-ભારત સરહદનો મુદ્દો બંને દેશો વચ્ચેનો મુદ્દો છે. તેમણે ઉમેર્યું હતું કે બંને પક્ષોએ તમામ સ્તરે અસરકારક વાતચીત જાળવી રાખી છે અને દ્વિપક્ષીય ચર્ચા દ્વારા પરિસ્થિતિનો યોગ્ય રીતે સામનો કરવા સંમત થયા છે.

