કાશ્મીરના આર્થિક વિકાસનું મહત્ત્વ

Wednesday 27th April 2022 06:41 EDT
 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હવે જમ્મુ અને કાશ્મીરના વિકાસનો મુદ્દો હાથ ધર્યો હોવાનું દેખાઈ આવે છે. કાશ્મીરમાંથી 370મી કલમ હટાવ્યા પછી તેમની રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે રાજ્યની પ્રથમ અને ઐતિહાસિક મુલાકાતમાં જ 20,000 કરોડ રુપિયાથી વધુ યોજનાઓની કાશ્મીરીઓને ભેટ આપી છે. લોકશાહીની પુનઃસ્થાપના કાશ્મીર સુધી પહોંચી છે તેને વડા પ્રધાને દેશ માટે ઉદાહરણ સમાન ગણાવ્યું છે.
અત્યાર સુધીમાં જમ્મુ અને કાશ્મીરમાં આર્થિક નહિ પરંતુ, રાજકીય મુદ્દાઓને જ વધુ મહત્ત્વ અપાતું રહ્યું છે. આ પહેલી વખત જમ્મુ અને કાશ્મીરના વિકાસની વાત થઈ રહી છે. આર્થિક અભાવ અને પડોશી દેશ પાકિસ્તાનની આતંકવાદી નીતિરીતિના પરિણામે સ્વર્ગસમાન કાશ્મીરનું યુવાધન ભટકી ગયું હતું. હવે વડા પ્રધાને યુવાનોને લલકાર કર્યો છે કે તમારા બાપદાદાઓએ જેવી જિંદગી વિતાવી છે તેવું મુશ્કેલ જીવન તમારે વીતાવવું નહિ પડે.જમ્મુ-કાશ્મીરના વિકાસને નવી ગતિ આપવા માટે રાજ્યમાં ઝડપથી કામ ચાલી રહ્યું છે. આ પ્રયાસોને કારણે મોટી સંખ્યામાં જમ્મુ-કાશ્મીરના યુવાનોને રોજગારી મળશે. જમ્મુ-કાશ્મીર વિકાસનો નવો અધ્યાય લખી રહ્યું છે.
આઝાદીના અમૃત કાળમાં ગ્રામ પંચાયતની મહત્ત્વપૂર્ણ ભૂમિકાને અનુલક્ષી અમૃત સરોવર અભિયાનનો આરંભ કરાયો છે અને આગામી વર્ષની 15 ઓગસ્ટ સુધીમાં દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર તૈયાર કરવાની યોજનાનો પણ વડા પ્રધાને ઉલ્લેખ કર્યો છે.
જમ્મુ-કાશ્મીરમાં ઉદ્યોગોનો સુવર્ણ યુગ શરૂ થયો છે. આઝાદીના એક વર્ષ પહેલા સુધી 15,000 કરોડનું રોકાણ આવ્યું હતું. પરંતુ આજે 55,155 કરોડના રોકાણનાં પ્રસ્તાવ છે. આઝાદીના 7 દાયકામાં જમ્મુ-કાશ્મીરમાં માત્ર 17,000 કરોડ રૂપિયાનું ખાનગી રોકાણ થઈ શક્યું જ્યારે ગત બે વર્ષમાં આ આંકડો 38,000 કરોડ સુધી પહોંચી ગયો છે. વડા પ્રધાને દિલ્હી-કટરા એક્સપ્રેસ વેનો શિલાન્યાસ, 850 મેગાવોટના હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટના ઉદ્ઘાટન ઉપરાંત, 540 મેગાવોટના ક્વાર હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનો પણ શિલાન્યાસ કર્યો છે.
કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા પહેલાં ત્યાં બહારના લોકો માટે જમીન ખરીદવા પર પ્રતિબંધ હતો પરંતુ, હવે પરિસ્થિતિ બદલાઈ છે. વિદેશી રોકાણકારો પણ કાશ્મીરમાં ટુરિઝમ ઉદ્યોગને વેગ આપવા આગળ આવી રહ્યા મછે.વડા પ્રધાન સાથે જમ્મુ અને કાશ્મીર મુલાકાતમાં UAEના કેટલાક બિઝનેસમેન પણ જોડાયા હતા. UAEના ઉદ્યોગપતિઓ જમ્મુ અને કાશ્મીરમાં મૂડીરોકાણ કરવામાં રસ ધરાવે છે અને પ્રાથમિક ધોરણે 3,000 કરોડથી વધુનું રોકાણ કરવામાં આવે તેવી ધારણા છે. આ રોકાણોના પરિણામે રાજ્યમાં આર્થિક વિકાસ વેગ પકડશે.


comments powered by Disqus