બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સન ઘરઆંગણાના પ્રશ્નો હોવાં છતાં, ભારતના બે દિવસના પ્રવાસે આવી ગયા અને બંને દેશો વચ્ચેના સંબંધોને ગાઢ અને મજબૂત બનાવવાને ગતિ આપી છે. કોરોના મહામારીના કારણે જ્હોન્સનનો ભારતપ્રવાસ બે વખત મુલતવી રહ્યા પછી મે 2021માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વર્ચ્યુઅલ બેઠકમાં રોડમેપ 2030ને લોન્ચ કરાયો હતો તેની સમીક્ષા પણ આ મુલાકાત દરમિયાન થઈ છે. આના પરિણામ સ્વરુપ, ઓક્ટોબર સુધીમાં ભારત સાથે મુક્ત વ્યાપાર સંધિને આખરી ઓપ આપી દેવાનું લક્ષ્ય નિર્ધારિત કરાયું છે.
વિશ્વમાં કોવિડ, એનર્જી, યુક્રેન અને ક્લાઈમેટ સહિતની કટોકટી હોવાં છતાં યુકેના વડા પ્રધાને ભારત સાથે સંવાદ સાધવાનો સમય કાઢ્યો છે. બ્રેક્ઝિટ પછીના કાલખંડમાં યુકે માટે ભારતનું મહત્ત્વ વિશેષ છે. જાપાન, ઓસ્ટ્રેલિયા અને આસિયાનની સાથે તેની ઈન્ડો-પાસિફિક પોલિસી સજીવન કરાઈ છે. યુક્રેનનું મહત્ત્વ છતાં યુકેની ધરી એશિયા સાથે વધુ જોડાયેલી છે તે બાબતે જ્હોન્સન સ્પષ્ટ છે. 75 વર્ષ અગાઉ, ભારત બ્રિટિશ તાજના ચળકતા હીરા સમાન હતું અને હવે આ હીરા માટે યુકે અને અન્ય દેશો સ્પર્ધા કરી રહ્યા છે.
બ્રિટનને ભારત સાથે મુક્ત વ્યાપાર સંધિ કરવાની ઉતાવળ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જે ઝડપથી વેપારસંધિ પર હસ્તાક્ષરો થયા તેનાથી યુકે ચોંકી ગયું જણાય છે અને આથી જ દીવાળી સુધીમાં શુભસ્ય શીઘ્રમ કરી નાખવાની તાલાવેલી જ્હોન્સને દર્શાવી છે. હવે યુરોપિયન યુનિઅન પણ મેદાનમાં આવ્યું છે. ભારતના પ્રવાસે આવેલાં યુરોપિયન કમિશનના પ્રેસિડેન્ટ ઉર્સુલા વાન ડેર લેયને દાણો ચાંપી ભારતીય લોકશાહીની પ્રશંસા કરી છે. ઈયુ સ્પર્ધામાં આવે તે પહેલા જ જ્હોન્સન FTAનો આખો લાડવો ગળી જવા માગે છે. જોકે, યુકેએ ભારત સાથે સમાનતાના ધોરણે આગળ વધવું પડશે.
યુરોપિયન યુનિયન પણ ચીનની વધતી આર્થિક તાકાતને ખાળવા ભારત સાથે સંબંધો મજબૂત બનાવવા ઈચ્છે છે અને નવા ટ્રેડ અને ટેકનોલોજી કાઉન્સિલની જાહેરાત કરવા આતુર છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુરોપિયન કમિશનના પ્રેસિડેન્ટ ઉર્સુલા વોન ડેર લેયનની મંત્રણાના પગલે આ કાઉન્સિલની જાહેરાત કરી દેવાઈ છે. એટલે ઈયુ સાથેના સંબંધો પણ ઉષ્માપૂર્ણ બનશે. અને યુકે એક કાંકરે બે પક્ષી મારવા આતુર છે. ઉર્સુલા વોન ડેર લેયન ભારતને યુરોપિયન લશ્કરી શસ્ત્રસરંજામ વેચવા અને સંભવિત જોઈન્ટ વેન્ચર્સ સ્થાપવાની તૈયારી દર્શાવી રહ્યા છે. આવી જ તૈયારી જ્હોન્સને બ્રિટિશ જેટ ફાઈટર્સના ભારતમાં ઉત્પાદન અને ટેકનોલોજી ટ્રાન્સફર માટે દર્શાવી છે. બંનેનો હેતુ, રશિયન ડિફેન્સ ટેકનોલોજી પર ભારતની નિર્ભરતા ઘટે અને ભારતને પશ્ચિમની પડખે લઈ લેવાય તેનો છે.
જોકે, યુએસના બાઈડન હોય કે યુકેના જ્હોન્સન અને ઈયુના ઉર્સુલા હોય, રશિયા સાથે સંબંધોના મુદ્દે ભારત પર દબાણ લાવવાની ઈચ્છા બર આવતી નથી. વડા પ્રધાન મોદીનું આ મુદ્દે તદ્દન તટસ્થ વલણ છે. વિશ્વનેતાઓએ પણ સ્વીકારવું પડ્યું છે કે ભારત-રશિયાના સંબંધો પણ ઐતિહાસિક અને નિકટતમ છે, ભારતીય હિતસંબંધોની જરૂરિયાત અનુસારના છે. આથી, જ્હોન્સને પણ ભારતની ટીકા કર્યા વિના આર્થિક અને વેપારી સંબંધોને મહત્ત્વ આપવામાં જ શાણપણ જોયું છે. વડા પ્રધાન મોદીએ પણ તત્કાળ યુદ્ધવિરામ તેમજ મંત્રણા અને કૂટનીતિથી સમસ્યા ઉકેલવા પર ભાર મૂકતું નિવેદન આપી દીધું છે.
જ્હોન્સને નીરવ મોદી અને વિજય માલ્યાના પ્રત્યર્પણને તેમની સરકારે બહાલી આપ્યાની દલીલ કરી છે પરંતુ, દોષનો ટોપલો બ્રિટિશ જ્યુડિશિયલ સિસ્ટમ પર ઢોળી દીધો છે. જોકે, એ ભૂલવું ન જોઈએ કે કોર્ટના ચુકાદા પછી જ બોરિસ સરકારે પ્રત્યર્પણને મંજૂરી આપી હતી. યુક્રેન યુદ્ધ વેળાએ ધનવાન રશિયન સામંતોની સંપત્તિપ્ત કરી લેવામાં બ્રિટને જરા પણ પાછીપાની કરી નથી. આવું નિરવ મોદી અને માલ્યાની બાબતમાં થઈ શક્યું હોત.
ચીન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સરખામણીએ ભારત જેવી મહાન લોકશાહી સાથે કામ પાર પાડવાનું બ્રિટન માટે સરળ છે કારણકે મૂલ્યોની બાબતે સમાનતા છે. મૂલ્યોની સાથે વ્યૂહાત્મક હિતો પણ બંધબેસતાં રહે છે. મોદી અને જ્હોન્સનની શિખર પરિષદથી યોગ્ય વાતાવરણ સર્જાયું છે અને ગત વર્ષની સરખામણીએ મંત્રણા અને સંબંધોમાં ગતિની રચનાત્મક નિશાનીઓ પણ જોવાં મળી છે. આ ગતિશીલતાને જાળવી રાખવી પડશે. ભારત-યુકે પાર્ટનરશિપ ભારતના યુરોપિયન ઈનિશિયેટિવ માટે મહત્ત્વની બની રહેશે તેમાં શંકાને સ્થાન નથી.
