આઇએફએસ અધિકારી રોહિત વઢવાણાએ 20મી જુલાઇના રોજ કેન્યામાં ભારતના ડેપ્યુટી હાઇ કમિશનર તરીકેની કામગીરી સંભાળી લીધી છે. કેન્યામાં યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામનું હેડક્વાર્ટર આવેલું છે. સંયુક્ત રાષ્ટ્રની આ સંસ્થા પર્યાવરણના મહત્વના મુદ્દા પર કામ કરે છે. યુએનઇપીમાં ભારતના ડેપ્યુટી પરમેનેન્ટ રિપ્રેઝન્ટેટિવ તરીકે વઢવાણાએ મહત્વની ભુમિકા ભજવવાની રહેશે. તેવી જ રીતે યુએન-હેબિટેટમાં પણ વઢવાણા ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ બંને કામગીરીમાં ભારતના હાઇ કમિશનર અને કાયમી પ્રતિનિધિ તેમનું માર્ગદર્શન કરશે. આફ્રિકા ખંડમાં કેન્યા ભારતના મહત્વના ભાગીદાર દેશો પૈકીનો એક છે. કેન્યા આફ્રિકા ખંડમાં ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર છે તેથી ભારત કેન્યા સાથેની ભાગીદારીને વધુ મહત્વ આપે છે. નોંધનીય છે કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઇ 2016માં કેન્યાની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ કેન્યાના પ્રમુખ જાન્યુઆરી 2017માં ભારતની મુલાકાતે આવ્યા હતા. ત્યારબાદ ભારતના વિદેશમંત્રી એસ જયશંકર અને પર્યાવરણ મંત્રી ભુપેન્દ્ર યાદવ અલગ અલગ સમયે કેન્યાની મુલાકાત લઇ ચૂક્યા છે. તેવી જ રીતે કેન્યાના સત્તાવાળાઓ પણ સમયે સમયે ભારતની મુલાકાત લેતાં રહ્યાં છે. બ્રિટનમાં વઢવાણા ઇકોનોમિક અને મીડિયા જેવા મહત્વના પોર્ટફોલિયો સંભાળતા હતા.. ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ પર હાલમાં ચાલી રહેલી મંત્રણા તેમજ બંને દેશ વચ્ચે વધેલી વેપાર ભાગીદારીએ વઢવાણાને વ્યસ્ત રાખ્યા હતા અને તેમાંથી પ્રાપ્ત થયેલો અનુભવ તેમને કેન્યામાં હાલની કામગીરીમાં મદદરૂપ થશે. બ્રિટનમાં તેઓ ભારતીય સમુદાય સાથે સક્રિય રીતે સંકળાયેલા હતા અને કેન્યામાં પણ ભારતીયો મોટા પ્રમાણમાં વસવાટ કરે છે. તેથી તેમનો કાર્યકાળ ઘણો વ્યસ્ત રહેશે. બ્રિટનમાં વસતા ભારતીય સમુદાય અને કેન્યામાં વસતા ભારતીયો સાથેના સીધા સંપર્કના કારણે તેમને રોહિત વઢવાણા પાસેથી ઘણી ઊંચી અપેક્ષાઓ રહેશે.

