ચીનની કુટિલ દેવા જાળ શ્રીલંકાની આર્થિક બરબાદીનું મુખ્ય કારણ

ચીને 20 વર્ષમાં શ્રીલંકાને 12 અબજ અમેરિકન ડોલરના ધીરાણો આપીને ખોખલો બનાવી દીધો, ઋણ ચૂકવવામાં નિષ્ફળ ગયો તો સંસાધનો પર કબજો જમાવ્યો

Wednesday 27th July 2022 07:10 EDT
 
 

અમદાવાદ

ભયાનક આર્થિક કટોકટીમાં સપડાયેલા શ્રીલંકામાં આમ જનતા યોગ્ય સત્તાધીશો માટે સડકો પર સંઘર્ષ કરી રહી છે ત્યારે ટાપુ દેશની આ સ્થિતિ માટે ખરેખર કોણ જવાબદાર છે તે અંગે અલગ અલગ ચર્ચાઓ ચાલી રહી છે. શ્રીલંકાની આર્થિક બરબાદી માટે નાના દેશોને દેવાની જાળમાં ફસાવી તેના સંસાધનો પર કબજો કરવાની ચીનની કુટિલ કૂટનીતિ સૌથી મોટું કારણ મનાય છે. તેના સત્તાધીશોની અર્થશાસ્ત્ર અંગેની અણઆવડત કે પછી ભ્રષ્ટાચાર તો દેશની આ સ્થિતિ માટે જવાબદાર છે જ સાથે સાથે કોરોના મહામારી જેવી કુદરતી આફત અને રશિયા-યુક્રેન જેવી માનવસર્જિત આફત પણ એટલી જ જવાબદાર છે.

તાજેતરમાં શ્રીલંકાની સંસદે રાનિલ વિક્રમાસિંઘેને નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટી કાઢ્યાં છે પરંતુ દેશને દેવાના બોજામાંથી બહાર લાવવામાં તેઓ કેટલા સફળ થશે તે અંગે દેશની જનતાને આશંકાઓ છે. તેમના ભૂતકાળથી દાઝેલી જનતા રાષ્ટ્રપતિપદે તેમની નિયુક્તિનો વિરોધ કરી રહી છે.

વર્ષ 2000થી 2020 સુધીમાં ચીને શ્રીલંકાને 12 અબજ અમેરિકન ડોલર જેટલું ઋણ આપીને દેશના અર્થતંત્રને ખોખલું બનાવી દીધું હતું. શ્રીલંકાના કુલ વિદેશી દેવામાં સૌથી વધુ 10 ટકા ચીનનું દેવુ છે. ચીનની લોન પરત નહીં ચૂકવી શકવાના કારણે શ્રીલંકાને હમ્બનટોટા બંદર ચીનને સોંપી દેવું પડ્યું હતું. દેશના અન્ય કેટલાંક સંસાધનો પર પણ ચીની ડ્રેગને કબજો જમાવી દીધો હતો. સ્થિતિ એ આવી ગઇ કે વિદેશી દેવું ન ચૂકવી શકવાના કારણે શ્રીલંકાની સરકાર પોતાની જનતાને પુરતું ભોજન અને ઇંધણો ઉપલબ્ધ કરાવવામાં સદંતર નિષ્ફળ ગઇ.

હવે શ્રીલંકાની સરકારને ભાન થયું છે કે ચીનની ખંધી ચાલમાં ફસાઇને તેમણે દેશનું નખ્ખોદ વાળી દીધું છે. એપ્રિલ-મેમાં દેશના કેરટેકર નાણા પ્રધાન રહેલા અલી સાબ્રી કહે છે કે અમે અમારી પાસે ઉપલબ્ધ મર્યાદિત વિદેશી હુંડિયામણનો ઉપયોગ અને અગાઉથી દેવાની પુનઃરચના કરવાના બદલે અમારી અનામતો ખલાસ ન થઇ ગઇ ત્યાં સુધી દેવાની ચૂકવણી કરતા રહ્યાં. અમારે 12 મહિના પહેલાં આઇએમએફ સાથે મળીને દેવાની પુનઃરચના કરવાની જરૂર હતી.

શ્રીલંકાએ ચીની મૂડીરોકાણ પર મૂર્ખામીભર્યો જુગાર રમ્યો – સીઆઇએ

અમેરિકી જાસૂસી એજન્સી સીઆઇએના વડા બિલ બર્ન્સે આરોપ મૂક્યો હતો કે શ્રીલંકાની બરબાદી માટે ચીની મૂડીરોકાણ જવાબદાર છે. લંકાના સત્તાવાળાઓએ ચીની મૂડીરોકાણ પર મૂર્ખામીભર્યો જુગાર રમ્યો તેના કારણે દેશનું અર્થતંત્ર ધરાશાયી થયું છે. આ સમગ્ર મામલો અન્ય દેશો માટે પણ ગંભીર ચેતવણીસમાન છે. ચીન આર્થિક રીતે સમૃદ્ધ બન્યો છે અને તેથી તે અન્ય દેશોમાં મૂડીરોકાણો કરી રહ્યો છે પરંતુ અન્ય દેશોએ હવે લંકાનો દાખલો લેવો જોઇએ.

 

બેઇજિંગે કોલંબોને આપેલો વારસો વર્ષો સુધી પરેશાન કરતો રહેશે – આર્થિક નિષ્ણાત

સિડની મોર્નિંગ હેરાલ્ડના પીટર હાર્ટચેર લખે છે કે બેઇજિંગે કોલંબોને આપેલો દેવાનો વારસો વર્ષો સુધી પરેશાન કરતો રહેશે. ચીને મોટા પાયા પર લોન આપી હોય તેવો આ પહેલો દેશ છે જેનું અર્થતંત્ર ધરાશાયી થયું છે. ચીન પોતાની આર્થિક શક્તિઓનો નબળાં દેશો સામે કેવો ઉપયોગ કરે છે તે અંગે ગંભીર સવાલો ઊભા થયાં છે.

શ્રીલંકા ચીનની મદદ વિના દેવામાંથી બહાર પણ નહીં આવી શકે – નિષ્ણાતો

આર્થિક નિષ્ણાતો કહે છે કે ચીનના દેવાના કારણે મુશ્કેલીમાં મૂકાયેલો શ્રીલંકા ચીનની જ મદદ વિના દેવાના બોજામાંથી બહાર પણ આવી શકશે નહીં. જો ચીન શ્રીલંકાને તેના દેવાની પુનઃરચનામાં સહાય કરશે તો તે હાલની સ્થિતિમાંથી ઝડપથી બહાર આવી શકશે. કોલંબો યુનિવર્સિટીના લેક્ચરર ઉમેશ મોરામુદલી કહે છે કે શ્રીલંકા ચીનની સહાય વિના આ કટોકટીમાંથી બહાર આવી શકવાનો નથી. ચીને જ આ માટે પહેલ કરવી જોઇએ.

શ્રીલંકાની આર્થિક સ્થિતિ

-     51 અબજ ડોલરનું બાહ્ય વિદેશી દેવુ

-     સરકાર લોન પરના વ્યાજ ચૂકવવામાં પણ નિષ્ફળ

-     શ્રીલંકાના ચલણમાં 80 ટકાનું અવમૂલ્યન

-     ખાદ્યાન્નનો ફુગાવો 57 ટકા


    comments powered by Disqus