ભારતના સૌપ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 25 જુલાઈ સોમવારે દેશના ૧૫મા રાષ્ટ્રપતિ તરીકે પદના શપથ લીધાં સાથે સ્વતંત્ર ભારતમાં વિશિષ્ટ ઈતિહાસ રચાયો છે. તેઓ સૌથી યુવાન રાષ્ટ્રપતિ હોવાની સાથે સ્વતંત્ર ભારતમાં જન્મેલા પ્રથમ રાષ્ટ્રપતિ બન્યાં છે. ઓડિશા રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં સાંથાલ આદિવાસી સમાજના 64 વર્ષીય દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ૬૪ ટકાથી વધુ મત મેળવી વિપક્ષી ઉમેદવાર યશવંત સિંહાને મોટા અંતરથી પરાજિત કર્યા છે તે પણ નોંધવું રહ્યું. એક વિશેષતા એ પણ કહેવાય કે નિવનિયુક્ત રાષ્ટ્રપતિની સાદગી પણ આંખે ઉડીને વળગે તેવી છે જે તેમના શપથગ્રહણ સમારંભમાં જોવાં મળ્યું છે.
દ્રૌપદી મુર્મુ રાજકારણમાં આવ્યાં એ પહેલાં શિક્ષિકા હતાં તેથી ઓડિશાના રાજકારણમાં સૌ તેમને પ્રેમથી 'ટીચર મેમ' તરીકે સંબોધે છે. ભાજપના પાયાના કાર્યકર દ્રૌપદી મુર્મુએ રાજકીય સફરની જેમ અંગત જીંદગીમાં પણ ભારે સંઘર્ષ કર્યો છે. પતિ અને બે પુત્રના અકાળ મોત પછી તેમના જીવનમાં હવે દીકરી અને જમાઈનો પરિવાર જ રહ્યો છે. તેમના પૈતૃક ગામ ઓડિશાના મયુરભંજ જિલ્લાના રાયરંગપુરના મહુલડીહામાં લોકોએ ઢોલ, નગારાની ધૂન પર પારંપરિક વેશભૂષામાં નાચ-ગાન કરી તેમના વિજયની ઊજવણી કરી હતી.
આંકડા સૂચવે છે તેમ પાર્લામેન્ટમાં વિપક્ષના 17 અને રાજ્ય વિધાનસભાઓમાંથી 126 વિધાયકોનો મત પણ શ્રીમતી દ્રોપદી મૂર્મુને મળ્યાં છે. હકીકત એ છે કે ભાજપ પાસે ઈલેક્ટોરલ કોલેજમાં સ્પષ્ટ બહુમતીમાં થોડાં મત ખૂટતા હતા. પરંતુ, ભાજપએ ઓડિશાના સાંથાલ આદિવાસી નેતા અને ગરીબ ઘરમાંથી આવતા દ્રોપદી મુર્મુની પસંદગી કરી બીજેડીના નવિન પટનાઈકના રાજ્યના મત અંકે કરી લીધા હતા. બીજી તરફ, ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં પણ એનડીએના કિસાનનેતા અને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડની સામે વિપક્ષી ઉમેદવાર કોંગ્રેસના શ્રીમતી માર્ગારેટ આલ્વાનો પરાજય નિશ્ચિત મનાય છે. એમ કહેવાય છે કે વિપક્ષ દ્વારા સામનો કરાયો નહિ કે તેની પાસે યોગ્ય ઉમેદવાર નથી તેવાં ટોણાં સાંભળવા ન પડે તે કારણે શ્રીમતી આલ્વાનું નામ જાહેર કરી દેવાયું છે. તેઓ સર્વાનુમત પસંદગી નથી.
વિરોધપક્ષમાં હોઈએ ત્યારે કહેવા ખાતર પણ વિરોધ કરવાની ફરજ બની જાય છે તેમ માનતા ભારતના વિરોધપક્ષો આ વખતે પણ સદ્ભાવનાની ગાડી ચૂકી ગયા છે. અગાઉ 2002માં, ભારતના ‘મિસાઈલ મેન’ તરીકેની પ્રતિષ્ઠા ધરાવતા ડો. એપીજે અબ્દુલ કલામની સામે પણ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સિવાયના વિપક્ષે કેપ્ટન લક્ષ્મી સહેગલને રાષ્ટ્રપતિપદના ઉમેદવાર બનાવ્યાં હતાં. આ વખતે પણ લાંબા સમયથી જાહેર જીવનમાં હોવા છતાં, કોઈ વિવાદો કે ભ્ષ્ટાચારમાં નહિ ખરડાયેલાં દ્રૌપદી મુર્મુનો વિરોધ કરવામાં વિપક્ષ સૌજન્ય ચૂકી ગયો છે. ગોપાલ કૃષ્ણ ગાંધી કે શરદ પવારે ઉમેદવારીનો ઈનકાર કર્યા પછી પસંદ કરાયેલા યશવંત સિંહા ખુદ સ્પર્ધામાંથી ખસી ગયા હોય તો આ પદની ગરિમાને ચાર ચાંદ લાગી ગયા હોત.
રાષ્ટ્રપતિપદે ભાજપના વડપણ ડેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સના ઉમેદવારની પસંદગી અને વિજય સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વખત પુરવાર કર્યું છે કે્ રાજકીય ચોપાટમાં તેમના દાવનો સામનો કરી શકે તેવો કોઈ નેતા વિરોધપક્ષમાં નથી અથવા ખુદ ભાજપમાં પણ નથી. 2024નું સામાન્ય ઈલેક્શન ઢુંકડુ છે ત્યારે વિરોધપક્ષોમાં કોઈ એકતા નથી અને નજીકના ભવિષ્યમાં થઈ શકે તેમ નથી તે પણ લોકોનાં દિલોદિમાગમાં ઠસી ગયું છે. ભાજપની નેતાગીરીએ વિપક્ષમાં ફાટફૂટ કે કુસંપના બીજ રોપી દીધાં છે અને તેની લણણી આગામી ચૂંટણીમાં થાય ત્યાં સુધી રાહ જોવાની રહેશે.
