મૂળ ગુજરાતી હુમૈરા લંડનમાં સૌથી નાની વયની સ્પીકર બની

Wednesday 27th July 2022 09:51 EDT
 
 

નવી દિલ્હી: બ્રિટનના વડાપ્રધાન પદ માટે ભારતીય મૂળના રિશિ સુનકનું નામ સતત ચર્ચામાં છે. તો બીજી તરફ ભારતીય મૂળની હૂમૈરા ગરાસિયાએ બ્રિટનમાં ઇતિહાસ રચી દીધો છે. ૨૫ વર્ષીય ગરાસિયા લંડન બરો ઓફ હેકનીની સૌથી યુવા સ્પીકર બની છે.
ગરાસિયાનો પરિવાર મૂળ ગુજરાતના વલસાડનો છે અને તેના પિતા નાની ઉંમરે બ્રિટનમાં સ્થળાંતર કરી ગયા હતા. માત્ર 15 વર્ષની ઉંમર ગરાસિયાએ સક્રિય રાજકારણમાં પ્રવેશ કરી લીધો હતો. તે પોતાને ભારતીય મૂળની ગુજરાતી ગણે છે. તેણે લંડન યુનિવર્સિટીમાંથી રાજનીતિમાં બીએ કર્યું છે. એક ગોદામમાં કામ કરનાર તેના પિતા રફીક અહેમદ વલસાડના નાના તૈવાદના છે, જ્યારે તેના માતા નજમાં ભરૂચના છે. ગરાસિયા જણાવે છે કે ‘હું સમગ્ર યુકેમાં ભારતીય મૂળની સૌથી યુવા વક્તા- સિવિક મેયર છું અને લંડન બરો ઓફ હેકનીની અત્યાર સુધીના સૌથી યુવા સ્પીકર છું.’
રિપોર્ટ અનુસાર, ગરાસિયાએ કહ્યું, ‘વર્ષ 2018માં હું 21 વર્ષની ઉંમરે કાઉન્સિલર તરીકે ચૂંટાઇ આવી હતી અને ત્યાર બાદ મેં ચાર વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો હતો.તે સમયે હું કાઉન્સેલર તરીકે ચૂંટાયેલી ભારતીય મૂળની સૌથી યુવા રાજકારણી હતી. હું 2002માં ફરી એકવાર કાઉન્સિલર તરીકે ચૂંટાઇ આવી હતી. તેણીએ કહ્યું, હં અસમાનતાના મુદ્દાઓ પર ધ્યા કેન્દ્રીત કરીશ અને જાતિવાદ અને ભેદભાવ જેવા મુદ્દાઓને હલ કરવાનો પ્રયાસ કરીશ. લંડનમાં જન્મેલી અને ઉછરેલી હુમૈરા ગરાસિયાના માતા-પિતા લગભગ ૩૫ વર્ષ પહેલાં ગુજરાતમાંથી સ્થળાંતર કરીને બ્રિટન આવ્યા હતા. હુમૈરા દર વર્ષે પરિવાર સાથે વસલાડ આવે છે.


comments powered by Disqus