સુનાક કે ટ્રસ, કૌન બનેગા વડા પ્રધાન?

Wednesday 27th July 2022 06:36 EDT
 

બ્રિટનના વડા પ્રધાન બોરિસ જ્હોન્સનનું સ્થાન હાંસલ કરવા પૂર્વ ચાન્સેલર રિશિ સુનાક અને ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસ વચ્ચે જોરદાર સ્પર્ધા ચાલી રહી છે અને બીજી સપ્ટેમ્બરે કન્ઝર્વેટિવ પાર્ટીના રજિસ્ટર્ડ સભ્યોનું મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી ચાલતું રહેશે. પરિણામ આવતા સુધીમાં તો થેમ્સ નદીમાં ઘણાં પાણી વહી જવાના છે. બંને વચ્ચે આર્થિક નીતિઓ પરત્વે આભ-જમીનનો તફાવત છે પરંતુ, વિદેશનીતિમાં તેમના મત સમાન જણાયા છે. સુનાક અને ટ્રસ બંને માટે ચીનનો વિશ્વાસ કરવો મુશ્કેલ છે અને તેને પ્રથમ નંબરનું દુશ્મન માને છે.
સોમવારની બીબીસી ડિબેટ પછી તત્કાળ લેવાયેલા પોલમાં રિશિ સુનાકને 39 ટકા અને લિઝ ટ્રસને 38 ટકા મત મળ્યા હતા. સુનાક અને ટ્રસમાંથી કોની પસંદગી કરવી તે વિશે બ્રિટિશરો અવઢવમાં છે. વિપક્ષી લેબર પાર્ટીના 41 ટકા મતદારોએ સુનાકનું પરફોર્મન્સ સારૂં ગણાવ્યું જ્યારે 30 ટકાએ ટ્રસની તરફેણ કરી હતી. આ મુદ્દો સામાન્ય ચૂંટણીમાં કોના હાથમાં ટોરી પાર્ટીની કમાન રહેવી જોઈએ તે દર્શાવે છે.
સુનાકે યોગ્ય જ જણાવ્યું છે કે લિઝ ટ્રસની ટેક્સકાપ દરખાસ્તો લાખો લોકોને આર્થિક મુશ્કેલીમાં મૂકી દેશે અને આગામી ચૂંટણીમાં ટોરી પાર્ટી માટે વિજયની કોઈ તક નહિ રહે. કોઈ ભંડોળ વિના 40 બિલિયન પાઉન્ડના ટેક્સીસ ઘટાડવા કે રાહત આપવાનો અર્થ એ છે કે વધુ 40 બિલિયન પાઉન્ડનું કરજ લેવું પડશે. કારણકે ‘કૂવામાં હોય તો જ હવાડામાં આવે’ તે ભારતવંશી સુનાક બરાબર સમજે છે. સામાન્ય વ્યક્તિ પણ સમજી શકે છે કે આવકજાવકના બે છેડાં ભેગાં કરવા કેટલા મુશ્કેલ હોય છે ત્યારે તો આ રાષ્ટ્રીય અર્થતંત્રની બાબત છે. તમે દેવાં પર ઘર નભાવી શકો નહિ. એમ કરવા જાવ તો ઘર ગિરે મૂકવું પડે કે વેચી દેવું પડે. શ્રી લંકાનું ઉદાહરણ આપણી નજર સામે જ છે.
મહત્ત્વની બાબત એ છે કે કોઈ પણ પ્રકારનો પૂર્વગ્રહ રિશિ સુનાકની આગેકૂચને અવરોધી શકે છે. બ્રિટિશ રાજકારણમાં સર્વોચ્ચ સ્થાને ભારતીય ઈમિગ્રન્ટ મૂળની વ્યક્તિ આસીન થાય તે કેટલા રૂઢિચૂસ્ત બ્રિટિશરો સ્વીકારી લેશે તેના પર મોટો આધાર રહ્યો છે. કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યોમાં શ્વેત ઉમેદવારની તરફદારી કરવાનું વલણ રહ્યું છે. ભારતીય કે અશ્વેત મૂળના ઉમેદવાર બ્રિટનના વડા પ્રધાન બની શકે તે સ્વીકારવાની માનસિકતા હજુ કેળવી શક્યા હોય તેમ જણાતું નથી.
ભારતવંશી સુનાક શક્તિસભર, વ્યવસ્થિત, સંસ્કૃતિ અને પરંપરાના ચાહક હોવાની સાથે જ સાહસિક પણ છે. ટોરી સભ્યો કદાચ તેમને નહિ સ્વીકારે તેવી આશંકા વચ્ચે પણ તેમણે મેદાને જંગમાં ઝંપલાવ્યું છે. પહેલાથી જ પરિણામ ધારી લઈને કે ડરીને પીછેહઠ કરી નથી. જો રિશિ સુનાક બ્રિટનના વડા પ્રધાન બની શકશે તો બ્રિટનની લોકશાહી હજુ જીવંત છે અને ઘરેડમાં જીવતી નથી અને લાયકાતને જ મહત્ત્વ આપે છે તેમ પુરવાર થશે.


comments powered by Disqus