ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પહેલી વખત રમવા ઉતરેલી ગુજરાતની ટીમ ‘ગુજરાત ટાઈટન્સે’ રમતના પંડિતોની આગાહીઓથી વિપરીત રાજસ્થાન રોયલ્સને ફાઈનલમાં પરાજિત કરી કપ પર કબજો મેળવી લીધો છે. ગુજરાતની ટીમમાં સ્ટાર કે નામાંકિત ખેલાડીઓ ન હોવા છતાં, ટીમભાવના અને સબળ વ્યૂહરચનાથી મુંબઈ, લખનૌ અને કોલકાતા કે રોયલ બેંગલોર સહિતની ટીમોને કપથી વંચિત રાખ્યા છે. ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટીમનું નેતૃત્વ કરી બધાને પ્રભાવિત કર્યા છે અને પોતાના સાથીઓ પાસેથી શ્રેષ્ઠ કક્ષાનું ક્રિકેટ બહાર લાવવામાં સફળતા હાંસલ કરી છે. ગુજરાત ટાઈચન્સના વિજયમાં હાર્દિરે બેટ અને બોલ વડે ઘણું સારું પ્રદર્શન કર્યું છે તો રાહુલ તેવટિયા, શુભમન ગિલ અને ડેવિડ મિલર કે રાશિદખાન અને મોહમ્મદ શમી જેવા સાથીઓએ કોઈ પણ પરિસ્થિતિમાં સામનો કરવાની તાકાત અને કૌશલ્ય દર્શાવવામાં પાછછીપાની કરી નથી. IPL ના લીધે હાર્દિક પંડ્યાને આત્મવિશ્વાસ પાછો મેળવવામાં ઘણી મદદ મળી છે. ભારતના ધૂરંધર કેપ્ટન, બોલર અને ઓલરાઉન્ડર કપિલ દેવ સાથે સરખામણી થતી રહીછે તેવા હાર્દિકને વારંવાર ઈજાનો સામનો કરવો પડ્યો છે. પરંતુ, તેણે બાજી પલટી નાખી ટાઈટન્સને ફાઈનલ સુધી લઈ જવામાં અને છેલ્લે આખરી મેચ જીતાડવામાં પણ ઝડપી રન્સ અને કિંમતી વિકેટ્સ ઝડપીને રંગ રાખ્યો છે. લીગની તમામ મેચોમાં ટાઈટન્સ ખેલાડીઓએ સાતત્યપૂર્ણ દેખાવ કર્યો હતો. IPLની આ સીરિઝમાં પ્રથમ વખત રમનારી બીજી ટીમ લખનૌની છે અને એક સમયે એમ લાગતું હતું કે બે નવોદિત ડીમો જ ફાઈનલમાં ટકરાશે પરંતુ, લખનૌ જાયન્ટ્સનો રુઆબ છેલ્લે સુધી ટકી શક્યો નહિ.રાજસ્થાન રોયલ્સને લાગેવળગે છે ત્યાં સુધી તેમણે IPLની પ્રથમ 2008ની ફાઈનલમાં જીત અપાવનારા મહાન સ્પીનર શેન વોર્નને અંજલિ તરીકે કપ જીતવાની મહેનત કરી હતી પરંતુ, તેમનો પનો ટુંકો પડ્યો છે. રમત કદી લાગણીઓથી ખેલાતી નથી. આમ છતાં, તેના બોલર્સે દમદાર બોલિંગ કરી હતી. જોકે, ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓએ તમામ લીગ મેચીસની માફક શાંતિ અને ધીરજ રાખીને ફાઈનલમાં જીતનો સ્વાદ માણી લીધો હતો.
