અમેરિકા ભલે જગત આખામાં જમાદારી કર્યા કરે પરંતુ, ત્યાંના સામાજિક જીવન પર કોઈની પકડ નથી. તાજેતરમાં ટેક્સાસ રાજ્યની એક શાળામાં ૧૮ વર્ષીય ટીનેજરે અંધાધૂંધ- બેફામ ગોળીબાર કરીને ૨૨ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા તે આનો જીવતોજાગતો પુરાવો છે. માર્યા ગયેલામાં 19 તો નાના નિર્દોષ બાળકો હતાં. આ કોઈ એકલદોકલ ઘટના નથી. છાસવારે શાળામાં અને શાળાની બહાર પણ આવા હત્યાકાંડ થયા જ કરે છે. અગાઉ, આનું મૂળ અમેરિકાના ‘ગન કલ્ચર’માં છે. અમેરિકામાં વસ્તી કરતાં ગન-મશીનગન્સની સંખ્યા વધારે છે. જરા પણ રોષ કે આવેશમાં આવેલી વ્યક્તિ હાથવગાં શસ્ત્રોનો ઉપયોગ કરતા જરા પણ અચકાતી નથી.
અમેરિકામાં શાળાઓમાં ગોળીબારની ઘટનાઓ જોખમી રીતે વધે છે. અમેરિકાના સેન્ટર ફોર હોમલેન્ડ ડિફેન્સ એન્ડ સિક્યુરિટીના સત્તાવાર આંકડા મુજબ કોરાના મહામારીના કારણે 2021માં મોટા ભાગનો સમય શાળાઓ બંધ રહેવા છતાં, ગોળીબારની 249 ઘટના ઘટી હતી. એટલે કે દરરોજની સરેરાશ એક ઘટના ગોળીબારની જોવા મળી છે. વર્ષ 2022ના પાંચ મહિના થયા છે ત્યાં સુધીમાં તો ગોળીબારના 137 ઘટના નોંધાઈ ગઈ છે.
2007ના એપ્રિલમાં વર્જિનિયા સ્ટેટમાં 23 વર્ષીય સ્યુંગ-હ્યુઈ ચો નામના યુવકે પિસ્તોલથી 33 વિદ્યાર્થી અને 4 સ્ટાફ મેમ્બરની હત્યા પછી આપઘાત કરી લીધો હતો. ડિસેમ્બર 2012માં કનેક્ટિકટની પ્રાથમિુક સ્કૂલમાં 20 વર્ષીય આદમે બેફામ ગોળીબારમાં 27 લોકોને મોતને ઘાટ ઉતારી આપઘાત કરી લીધો હતો. ફ્લોરિડામાં ફેબ્રુઆરી 2018માં 19 વર્ષીય નિકોલસ ક્રુઝે સ્કૂલમાં 17 લોકોની હત્યા કરી હતી. મે્ 2018માં સાન્ટા ફે ખાતે 17 વર્ષીય યુવકે 10 લોકોને ખતમ કરી નાખ્યા હતા. આ બધી ગોળીબારની મોટી ઘટનાઓ છે. નાની ઘટનાઓનો તો કોઈ પાર નથી.
આ હત્યાકાંડને ‘ગન કલ્ચર’ની દેન ગણાવતા અમેરિકી પ્રમુખ જો બાઈડને ગન લોબી પર નિયંત્રણો મૂકવાની તરફેણ કરી છે. વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે પણ સૂર પૂરાવ્યો છે. સૌથી મોટી સમસ્યા એ છે કે ગન કલ્ચરમાં બંદૂક કે ગન ખરીદવાનું અતિ સરળ છે. અમેરિકાનું બંધારણ નાગરિકોને હથિયાર રાખવા અને ખરીદવાનો અધિકાર આપે છે. પરિવારની સુરક્ષા માટે 1791માં અપાયેલો અધિકાર વરવાં સ્વરૂપ સાથે આજે પણ યથાવત છે. મોટા સ્ટોર્સ તો ઠીક, નાની દુકાનો પણ ગન્સનો વેપલો કરે છે.
‘ગન કલ્ચર’ની સાથોસાથ યુવકોના માનસિક સ્વાસ્થ્યની પણ મોટી સમસ્યા છે. વર્તમાન ગોળીબારની ઘટનામાં ટીનેજર માનસિક બીમારીથી પીડાતો હોવાનું બહાર આવ્યું છે. અમેરિકામાં યુવાનોમાં એન્ગ્ઝાઈટી, ડીપ્રેશન અને અંગત સંબધોની સમસ્યા સૌથી વધારે છે. મુક્ત માહોલના કારણે નાની વયમાં જ ઈશ્કબાજીના સંબંધો બંધાતા અને તૂટતાં રહે છે. અપરિપક્વ સંબંધો તૂટવા સાથે હતાશાથી પીડાતા યુવાનો આલ્કોહોલ, ડ્રગ્સ વગેરેની લતમાં પડવા સાથે સતત માનસિક સમસ્યાઓથી જ ઘેરાયેલા રહે છે. અમેરિકાના સેન્ટર્સ ફોર ડીસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શનના સર્વેમાં સ્પષ્ટ જણાવાયું છે કે અમેરિકામાં હાઈ સ્કૂલના ૩૭ ટકા વિદ્યાર્થી માનિસક રોગોના શિકાર છે. 18 - 25 વયજૂથના યુવાનોમાં તો આ પ્રમાણ 49 ટકા જેટલું છે.
વિશ્વમાં નાગરિકો ગન્સ રાખતા હોય તેમાં અમેરિકા પ્રથમ ક્રમે છે. સ્વિટ્ઝર્લેન્ડના સ્મોલ આર્મ્સ સર્વે મુજબ, વિશ્વમાં 857 મિલિયન સિવિલિયન ગન્સમાંથી, એકલા અમેરિકામાં 393 મિલિયન સિવિલિયન ગન્સ છે. અમેરિકામાં વિશ્વની 5 ટકા વસ્તી છે પરંતુ, 46 ટકા સિવિલિયન ગન્સ એકલા યુએસમાં છે. અમેરિકાની વસ્તી 331 મિલિયન છે પરંતુ, ગન 400 મિલિયન છે. દર 100 લોકોએ 120 ગન્સ ઉપલબ્ધ રહે છે. અમેરિકામાં ગનકલ્ચર ઘાતક બની રહ્યું છે. અહેવાલો અનુસાર, અમેરિકામાં છેલ્લાં 50 વર્ષમાં બંદૂકની હિંસાથી 1.5 મિલિયનથી વધુ લોકોનાં મોત થયાં છે. એક રિપોર્ટ અનુસાર, 2002થી 2011 વચ્ચે અમેરિકામાં ગન કલ્ચરને કારણે દર વર્ષે લગભગ 11,000 લોકોએ જીવ ગુમાવ્યા છે.
આ પ્રકારની ગોળીબારની ઘટનાઓ થાય છે ત્યારે ગન કલ્ચર વિરુદ્ધ ભારે ઉહાપોહ થાય છે અને શમી જાય છે. અમેરિકા 230 વર્ષ પછી પણ ગન કલ્ચર ખતમ કરી શક્યું નથી તેનું મૂળ કારણ એ છે કે ગન લોબી શક્તિશાળી છે. ગન ડીલર્સ કડક કાયદાની વિરુદ્ધ છે કારણકે તેનાથી વેપલો બંધ થઈ જવાનો ડર છે. ગન ડીલર્સ દર વર્ષે મિલિયન્સ ડોલરની બંદૂકો લોકોને વેચે છે. બીજી તરફ, અમેરિકી પ્રમુખોથી માંડી રાજ્યોના ગવર્નર્સ અને રાજકીય પક્ષો પણ ગન સંસ્કૃતિને જાળવી રાખવાની તરફેણ કરતા રહ્યા છે. વિશ્વ આખાને શસ્ત્રો વેચતા પ્રમુખ જો બાઈડને ગન કલ્ચર વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે પરંતુ, તેઓ શું કરી શકશે તે જોવાનું રહ્યું.
