હેલ્થ ટિપ્સઃ મંકીપોક્સમાં પ્રારંભે ચામડી પર ચાઠાં ઉભરે છે, પાંચ વર્ષથી નાના બાળકોને વધુ જોખમ

Saturday 04th June 2022 07:19 EDT
 
 

કોરોના મહામારીએ હજુ તો દુનિયામાંથી વિદાય નથી લીધી ત્યાં મંકીપોક્સ નામની નવી બીમારીએ માથું ઉંચક્યું છે. વિશ્વના અનેક દેશોમાં મંકીપોક્સના કેસો વધી રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ આ બીમારી સામે સાવચેતીના સૂર ઉચ્ચાર્યા છે ત્યારે વિવિધ દેશો આ બીમારી સામે લડવા સજ્જ થઇ રહ્યા છે. પરંતુ આ બીમારીના લક્ષણો ક્યા? તેને આરંભે જ ઓળખવી કઇ રીતે? વગેરે અંગે અહીં પ્રશ્નોત્તરી સ્વરૂપે જાણકારી રજૂ કરી છે. અલબત્ત, આ માત્રને માત્ર પાયાની જાણકારી છે, આ બીમારી અંગેની વધુ જાણકારી માટે તો તમારે મેડિકલ એક્સપર્ટ્સને જ કન્સલ્ટ કરવા રહ્યા. નિષ્ણાતો કહે છે કે આ ચેપ સૌથી પહેલાં ચામડી પર દેખાય છે. પાંચ વર્ષથી ઓછી વયના બાળકોને તેનું સૌથી વધુ જોખમ હોય છે.
• મંકીપોક્સ બીમારી શું છે?
મંકીપોક્સ વાયરસથી ફેલાતી બીમારી છે. ઇન્ફેક્શન પછી ચહેરા પર લાલ ચાઠાં દેખાવા લાગે છે. આ પછી તે બંને હાથ અને ખભા સુધી ફેલાઇ જાય છે. એક-બે દિવસમાં પરુ થઈ શકે છે. આ ચાઠાં ચામડી પર ઊંડા, ડાઘાના નિશાન છોડી શકે છે.
• કેવી રીતે આ બીમારી ફેલાય છે?
નિષ્ણાતોનું કહેવું છે કે ચેપી દર્દીના સંપર્કમાં આવવાથી આ બીમારી ફેલાઇ શકે છે. આ વાયરસ દર્દીને નાક અને મોઢા દ્વારા શરીરમાં પ્રવેશે છે. વાનર, કૂતરા અને ખિસકોલીથી પણ આ બીમારી ફેલાઇ શકે છે. સંક્રમિત વ્યક્તિના લોહીથી પણ ચેપ લાગી શકે છે.
• બીમારીના પ્રારંભિક લક્ષણો શું છે?
આના પ્રારંભિક લક્ષણ તાવ જેવા હોય છે. તેમાં તાવ, માથામાં દુ:ખાવો, માંસપેશીઓમાં પીડા, કમર દર્દ, કંપન, થાક અને સૂજી ગયેલી ગાંઠનો સમાવેશ થાય છે. સંક્રમણ દરમિયાન ચાઠાંમાં ઘણાં ફેરફાર થતાં રહે છે. છેવટે પોપડી બનીને ખરી જાય છે.
• મંકીપોક્સથી કેવી રીતે બચી શકાય?
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)ના કહેવા પ્રમાણે મંકીપોક્સનો હાલમાં કોઇ ચોક્કસ ઇલાજ નથી. જોકે જાહેર સ્થળોએ માસ્કનો ઉપયોગ, સફાઇનું ધ્યાન રાખવાથી બીમારીથી બચી શકાય છે. એન્ટિબાયોટિક્સ લેવાથી સામાન્ય રીતે ચેપી વ્યક્તિ એક સપ્તાહમાં સાજી થઇ શકે છે. જોકે કેટલાક લોકોમાં આ બીમારી ગંભીર અને ઘાતક પણ બની શકે છે.
• શું શીતળાની રસી મંકીપોક્સ રોકવામાં ઉપયોગી થઇ શકે?
શીતળાની રસી ૮૫ ટકા ઉપયોગી થઇ શકે છે. અમેરિકાના ફુડ એન્ડ ડ્રગ એસોસિએશન (એફડીએ)એ 2019માં જિનિયોસ નામની રસીને મંજૂરી આપી હતી. તેને યુરોપિયન મેડિસિન એજન્સીએ 2013માં જ મંજૂર કરી દીધી હતી. જોકે આ રસી 18 વર્ષથી વધુની વયના લોકોને જ લગાવી શકાય છે.
• કેસ આવવા કેટલા ચિંતાજનક?
વિશ્વભરમાં આશરે તમામ દેશોમાં હવે કોરોનાના પ્રતિબંધો ઉઠાવી લેવાયા છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ચાલુ થવાને કારણે ‌અવરજવર વધી છે. તેથી આફ્રિકા બાદ બ્રિટનમાંથી આ સંક્રમણ હવે અમેરિકા સુધી પહોંચી ગયું છે. બીમારીનો ફેલાવો અત્યારે તો નિયંત્રણમાં જણાય છે, પરંતુ સતર્કતા રાખવામાં જ સમજદારી છે. 


comments powered by Disqus