ભારતના પાંચ રાજ્યોમાં ચૂંટણીઓ છે ત્યારે ભારતનું વર્ષ ૨૦૨૨નું બજેટ લોકરંજક અને વચનોથી ભરપૂર હશે તેવી મોટા ભાગના રાજકારણીઓ અને લોકોની ધારણાથી વિપરીત વાસ્તવદર્શી બજેટ નાણાપ્રધાન નિર્મલા સીતારામને રજુ કર્યું છે. આ બજેટથી સ્પષ્ટ થયું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે મૂડી ખર્ચને ઉત્તેજન આપવા સાથે આગામી ૨૫ વર્ષ માટે ભારતની આર્થિક વૃદ્ધિનો રોડમેપ તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ફાઈનાન્સ મિનિસ્ટર સીતારામને ૨૫ વર્ષના સમયખંડને ‘અમૃતકાળ’ ગણાવ્યો છે જ્યારે ભારતની સ્વતંત્રતાને ૧૦૦ વર્ષ પૂર્ણ થશે. સરકારે તત્કાળ લાભ નહિ પરંતુ, વિશ્વાસનિર્માણ અને દીર્ઘકાલીન વિકાસલક્ષ્યો હાંસલ કરવા બાબતે પ્રતિબદ્ધતા સ્પષ્ટ કરી છે.
આ અંદાજપત્રમાં લાંબા ગાળાના રોજગાર સર્જન, ડિજિટાઈઝેશન, ગ્રીન એનર્જી અને સર્વાંગી માળખાકીય વિકાસને પ્રાધાન્ય અપાયું છે. સામાન્યપણે દરેક બજેટમાં નોકરિયાત-પગારદારો અને મધ્યમવર્ગીય લોકો માટે ઈન્કમ ટેક્સ અથવા ચોક્કસ રાજ્યોને લાભો આપવા સંબંધિત જાહેરાતો કરાતી હોય છે પરંતુ, બેરોજગારી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ જેવી લાંબા ગાળાની સમસ્યાઓના ઉકેલ પર અપાયેલા ધ્યાનથી રાજકીય પંડિતો પણ માથું ખંજવાળવા લાગ્યા છે કારણકે આ પગલાં તેમની ધારણા બહારના છે.
સરકારે તેના મૂડીખર્ચ લક્ષ્યાંકને ૭૫ બિલિયન પાઉન્ડ સુધી વધાર્યો છે તેને આ બજેટના મહત્ત્વના મુદ્દાઓમાં એક ગણાવી શકાય. અર્થશાસ્ત્રીઓના મતે આ પગલું આર્થિક વૃદ્ધિ અને ખાનગી રોકાણોને જોરદાર ઉત્તેજન આપશે. આ બંને મળીને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપશે. નાણાવર્ષ ૨૦૨૩ માટે કુલ ખર્ચનો અંદાજ ૩૯૪.૫ બિલિયન પાઉન્ડ મૂકાયો છે જેમાંથી મોટા ભાગનો હિસ્સો લાંબા ગાળાના વિકાસને પ્રોત્સાહન આપતી યોજનાઓ પાછળ ખર્ચાવાનો છે.
માળખાકીય વિકાસને ગતિ આપવા ‘પીએમ ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન’ અન્વયે ખર્ચ વધારાશે જેનાથી, અર્થવ્યવસ્થા મજબૂત થશે. ગતિ શક્તિ યોજનાથી ૧૬ મંત્રાલયોના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું મોનિટરિંગ ડિજિટલ પ્લેટફોર્મ થકી કરવામાં આવશે જેના પરિણામે, આયોજનથી માંડી શિક્ષણ સુધીના માળખાકીય સુવિધાઓ સંબંધિત સરકારી નીતિઓને વેગ મળશે. આ બજેટમાં ઉત્પાદકતા વૃદ્ધિ, ઈન્વેસ્ટમેન્ટ, નવી રોજગાર તકો, એનર્જી ટ્રાન્ઝીશન, અને ક્લાઈમેટ એક્શન પાછળ ઊંચા ખર્ચાની જોગવાઈ કરવામાં આવી છે. આ જ યોજના હેઠળ નાણા પ્રધાન સિતારામને બજેટમાં મહત્ત્વનું વચન આત્મનિર્ભર ભારત હેઠળ ૧૬ લાખ નોકરીઓ અંગે આપ્યું છે. આ ઉપરાંત, મેક ઈન ઈન્ડિયા યોજના હેઠળ ૬૦ લાખ યુવાનોને નોકરીઓ મળશે. તેમણે આગામી પાંચ વર્ષમાં વધારાની અન્ય ૩૦ લાખ નોકરીઓનુ સર્જન કરવાનો વાયદો કર્યો હતો.
ભારત ચીન અને પાકિસ્તાન જેવા દુશ્મન દેશોથી ઘેરાયેલું છે ત્યારે સંરક્ષણ પાછળનો ખર્ચ વધારવો આવશ્યક રહે છે. સરકારે શસ્ત્રો અને લશ્કરની અન્ય જરુરિયાતોના સંદર્ભે આત્મનિર્ભર ભારતનો મહામંત્ર ઉપયોગમાં લેવા વિચાર્યું છે. સરક્ષણ ખરીદીની ફાળવણીની ૬૮ ટકા રકમ દેશના જ ઉદ્યોગો પાસેથી ખરીદી કરવામાં વપરાશે. સુરક્ષા સંબંધિત સંશોધન અને વિકાસના ક્ષેત્રમાં ખાનગી ઉદ્યોગો તેમજ સ્ટાર્ટ અપ્સને મહત્ત્વ આપવામાં આવશે જેથી દેશના મોૌટા ભાગના નાણા દેશમાં જ રહેશે.
એક બાબત નિશ્ચિત છે કે સરકાર કૃષિ કાયદાઓના કારણે નારાજ જગતના તાત- ખેડૂતોને રીઝવવા માગે છે. આના કારણે જ વર્ષ ૨૦૨૩ને મેગા અનાજ વર્ષ તરીકે જાહેર કરાયું છે જેમાં અનાજ ઉત્પાદનોની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડિંગ ઉપરાંત ખેડૂતોને ડિજિટલ સેવા, તેલીબિયાંના ઉત્પાદનને ઉત્તેજન, સિંચાઈ-પીવાના પાણીની સુવિધામાં વધારો, કેમિકલમુક્ત કુદરતી ખેતીને પ્રોત્સાહન પર ભાર મૂકાશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, આ બજેટ ૧૦૦ વર્ષમાં આવેલી વિનાશક મહામારી વચ્ચે વિકાસનો નવો વિશ્વાસ લઈને આવ્યું છે. આ બજેટ અર્થતંત્રને મજબૂતી બક્ષવા સાથે સામાન્ય માનવી માટે નવી તકોનું સર્જન કરશે. દેખીતી રીતે જ રાહુલ ગાંધી સહિતના વિપક્ષી નેતાઓએ નિરાશાજનક ગણાવ્યું છે. વિકાસ અને વાસ્તવલક્ષી બજેટને વિવિધ ઉદ્યોગ નિષ્ણાતો અને અર્થશાસ્ત્રીઓએ વધાવી લીધું હોવાં છતાં, મધ્યમવર્ગનો મોટો હિસ્સો ચીજવસ્તુઓના વધતા જતાં ભાવ અને મહામારીના ગાળામાં ઘટેલી કમાણી સામે તત્કાળ રાહત પ્રાપ્ત થાય તેવા પગલાં બજેટમાં ન મળવાથી નિરાશ અવશ્ય થયો છે.
