લાંબા સમયથી રાહ જોવાતી હતી તે પાર્ટીગેટ કૌભાંડનો સ્યુ ગ્રે રિપોર્ટ જાહેર થઈ ગયો છે. ડાઉનિંગ સ્ટ્રીટમાં સરકારી બાબુઓ દ્વારા લોકડાઉનના સમયગાળામાં જે પાર્ટીઓ યોજાઈ તેના મુદ્દે ભારે હોબાળો થયા પછી વડા પ્રધાન જ્હોન્સને વરિષ્ઠ સિવિલ સર્વન્ટ સ્યુ ગ્રે હસ્તક તપાસ સોંપી ત્યારે એમ લાગતું જ હતું કે દળી દળીને બધું ઢાંકણીમાં જવાનું છે. મેટ્રોપોલીટન પોલીસ દ્વારા કરાનારી ક્રિમિનલ તપાસના ગ્રહણ છતાં, સ્યુ ગ્રેએ કોથળામાં પાંચશેરી તરીકે ડાઉનિંગ સ્ટ્રીટ અને કેબિનેટ ઓફિસના ખેરખાંઓ સામે આંગળી ચીંધી નેતૃત્વની નિષ્ફળતા અને વિવેકબુદ્ધિના અભાવને સ્પષ્ટ કર્યો છે. બોરિસ સરકારના અધિકારીઓ થકી જે પ્રકારની સંસ્કૃતિ અને અભિગમોનું પ્રદર્શન થતું રહ્યું છે તે દર્શાવીને લોકોની આંખ ખોલવાનો પ્રયાસ કરાયો છે તે ખરેખર સ્તુત્ય છે.
હકીકત એ છે કે રોમ ભડકે બળતું હતું ત્યારે સમ્રાટ નીરો ફિડલ વગાડતા રહ્યા હતા તે જ રીતે સરકારના વડા જ્હોન્સનનું વર્તન રહ્યું છે. મહામારીના સમયમાં લદાયેલા લોકડાઉનના નિયમોનું પાલન ફક્ત ગરીબડી પ્રજા માટે જ હતું અને અધિકારી કે સ્ટાફને કોઈ નીતિનિયમો લાગુ પડતા ન હતા તેમ દર્શાવતી અનેક ઘટનાઓ જોવા મળી હતી. વડા પ્રધાન નિવાસના ગાર્ડનમાં જ શરાબ સહિતની પાર્ટી કે જન્મદિન પાર્ટી યોજાય અને જ્હોન્સન તેમણે કશું ખોટું કર્યાનો કે પોતાને જાણ નહિ હોવાના ગાણા ગાયા કરે તે તેમને શોભે નહિ.
ઠીક છે કે જ્હોન્સને કોમન્સ સમક્ષ માફી માગી અને ડાઉનિંગ સ્ટ્રીટ અને કેબિનેટ ઓફિસના માળખામાં ધરખમ ફેરફારોનું ગાજર પકડાવી દીધું છે. ગ્રે રિપોર્ટમાં ૧૨ મેળાવડા યોજાયાનો ઉલ્લેખ કરાયો છે અને પોલીસ તપાસમાં પણ તેને ધ્યાનમાં લેવાશે. જોકે, આ ક્રિમિનલ તપાસ હોવાથી રાજકારણીઓ કે અધિકારીઓ કદાચ લોકડાઉન નિયમોના ઉલ્લંઘનનો દંડ ભરીને છટકી પણ શકે છે. જ્હોન્સને આ મુદ્દે રાજીનામું આપવાનો ધરાર ઈનકાર કર્યો છે પરંતુ, કોમન્સ સમક્ષ જુઠાણું ઉચ્ચારવાની નૈતિક જવાબદારીનું શું? સ્યુ ગ્રેએ પણ સ્પષ્ટ જણાવ્યું છે કે જે થયું તે સરકાર અને તેમાં કામ કરનારાઓ પાસેથી અપેક્ષિત ઉચ્ચ ધારાધોરણોથી તદ્દન વિપરીત છે. જે રીતે મર્યાદિત રીપોર્ટ જાહેર કરાયો છે તેનાથી લોકોમાં એવી શંકા સર્જાય કે સરકાર પક્ષે વધુ ભોપાળાં બહાર ન પડે તે માટે મેટ્રોપોલીટન પોલીસ દ્વારા છેલ્લી ઘડીએ તપાસનું નાટક ઉભું કરી ઢાંકપીછોડાનો પ્રયાસ કરાયો છે.
બોરિસ જ્હોન્સન સામે પાર્ટીમાં નેશનલ ઈન્સ્યોરન્સ ટેક્સ સહિતના અનેક મુદ્દે અસંતોષનો ચરુ ઉકળી રહ્યો છે. હાલ તો તેઓ રાહતનો શ્વાસ લઈ રહ્યા હશે પરંતુ, અસંતુષ્ટો નેતાગીરીમાં પરિવર્તનની માગમાંથી પીછેહઠ કરવાના મિજાજમાં નથી. સવાલ માત્ર સમયનો છે. ટોરી પાર્ટીની સરખામણીએ લેબર પાર્ટીની લોકપ્રિયતા થોડી વધી રહી છે તેના પર પણ બોરિસ જ્હોન્સને ધ્યાન આપવું ઘટશે.
