ઉલ્ટી ગંગાः નેહાનો ભારત પરત ફરવા ઇન્કાર!

Thursday 03rd March 2022 04:34 EST
 
 

નવી દિલ્હી: એક તરફ લોકો યુદ્ધગ્રસ્ત યૂક્રેનમાંથી સુરક્ષિત સ્થળે પહોંચવા આકાશપાતાળ એક કરી રહ્યા છે ત્યારે બીજી તરફ એક ભારતીય યુવતી એવી પણ છે જે કોઇ પણ સંજોગોમાં યૂક્રેન છોડીને વતન હરિયાણા વતન પરત ફરવા માગતી નથી. આની પાછળનું કારણ છે યૂક્રેનના સ્થાનિક રહેવાસી એવા મકાનમાલિક પરિવાર પ્રત્યેનો પ્રેમ. 17 વર્ષની નેહા નામની આ મેડિકલ સ્ટુડન્ટ યુવતી જે મકાનમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહે છે તેને મકાનમાલિકના સંતાનો સાથે ગાઢ મિત્રતા થઈ ગઈ છે. લાગણીના આ બંધનના કારણે જ તે આ પરિવારને અશાંત યૂક્રેનમાં એકલો મૂકીને પરત ફરવા માગતી નથી. તે પીજી માલિક અને તેનાં ત્રણ બાળકોની યૂક્રેનમાં સંભાળ રાખી રહી છે. તે જે ઘરમાં રહે છે તેના મકાનમાલિક પુરુષ સભ્ય યુદ્ધ લડવા યૂક્રેનની સેનામાં જોડાયા છે. આથી તેની મકાનમાલકિન અને તેનાં સંતાનો એકલા પડી ગયા છે. તેમની સુરક્ષા કરવા અને સંભાળ રાખવા તેણે યૂક્રેનમાં રોકાઈ જવાનું નક્કી કર્યું છે. હરિયાણાના ચરખી દાદરી જિલ્લાની રહીશ નેહાએ તેની માતાને કહ્યું છે કે મૈં રહું યા ન રહું લેકિન મૈં ઇન બચ્ચો ઓર ઉનકી માં કો ઐસી સ્થિતિમેં નહીં છોડુંગી....

નેહાના પિતા ઇન્ડિયન આર્મીમાં હતા. નેહાએ ગયા વર્ષે જ યૂક્રેનની મેડિકલ કોલેજમાં એડમિશન લીધું છે. તે હાલ એક બંકરમાં એક મહિલા અને તેના ત્રણ બાળકો સાથે રહે છે. નેહાએ કિવમાં એક એન્જિનિયરના મકાનમાં પીજીમાં રહેવાનું શરૂ કર્યું હતું. પોતાના જીવની પરવા કર્યા વિના તે યૂક્રેનમાં રહેવા માગે છે. નેહાનો વીડિયો ખૂબ વાઈરલ થયો છે.


    comments powered by Disqus