રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યાને છ દિવસ થઈ ગયા છે અને યુદ્ધનો અંત આવવાના હાલ કોઈ અણસાર જણાતા નથી. એક રીતે જોઈએ તો યુક્રેન પર હુમલો કર્યા પછી રશિયા એકલું પડી ગયું છે અને વિશ્વમત તેના વિરુદ્ધ થઈ ગયો છે. આમ તો, બળિયાના બે ભાગના હિસાબે અત્યાર સુધી યુદ્ધ રશિયાની તરફેણમાં સમાપ્ત થઈ જવું જોઈએ પરંતુ, યુક્રેનની પ્રજા તેમજ મૂળ કોમેડિયન અભિનેતા અને પ્રમુખ વોલોડીમીર ઝેલેન્સ્કીએ જે બહાદૂરી દર્શાવી છે તેનાથી યુદ્ધ લંબાયું છે અને અણુયુદ્ધમાં ફેરવાઈ જાય તેવો અંદેશો પણ પ્રવર્તી રહ્યો છે.
પ્રમુખ પુટિને સ્પષ્ટ ચેતવણી આપી જ છે કે યુક્રેનની પડખે કોઈ આવીને ઉભા રહેશો તો હાલહવાલ ખરાબ થઈ જશે અને અણુશસ્ત્રોનો ઉપયોગ કરતા પણ તેઓ અચકાશે નહિ. અત્યારે પણ ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ્સ અને વેક્યુમ બોંબ, ક્લસ્ટર બોમ્બ જેવા ખતરનાક શસ્ત્રોનો ઉપયોગ શરૂ કરી દેવાયો છે. આ સ્થિતિમાં અમેરિકા અને યુરોપીય દેશો યુક્રેનને શસ્ત્રસહાય સિવાય તેની મદદમાં લશ્કર ઉતારવા જેવું કશું કરી શકે તેમ જણાતું નથી. અમેરિકા, ઈયુ અને યુકે સમજે છે કે પુટિનને વધુ છંછેડવામાં માલ નથી. આથી જ યુએસ પ્રમુખ બાઈડેને કહ્યું છે કે બે વિકલ્પોમાં એક વિશ્વયુદ્ધ તરફનો છે જે અમે ઈચ્છતા નથી. આર્થિક પ્રતિબંધો લાદી રશિયાને હંફાવવાનો વિકલ્પ તેમણે હાલ પસંદ કર્યો છે પરંતુ, તેની અસર થતાં સુધીમાં કદાચ યુક્રેને જાનમાલની હાનિ સાથે પોતાની આઝાદી ગુમાવવી પડે તેવી શક્યતા વધુ જણાય છે.
રશિયા ગોલિઆથ જેવો મહાકાય દેશ છે અને તેની સામે ટચુકડા ડેવિડ યુક્રેને બાથ ભીડી છે. રશિયા તેના નાના પડોશીને ફટકારે અથવા યુદ્ધ માટે લલકારે તે કદી ઉચિત ગણાવી શકાય નહિ પરંતુ, આમ શાથી થયું તેના મૂળમાં પણ જવું જોઈએ. રશિયા ભલે સુપરપાવર કહેવાય છે પરંતુ, વર્તમાન વિશ્વમાં તેનો અગાઉ એટલે કે સોવિયેત સંઘનો હતો તેવો પ્રભાવ રહ્યો નથી. સોવિયેત સંઘના આખરી પ્રમુખ મિખાઈલ ગોર્બાચોવની પેરેસ્ટ્રોઈકા (પુનઃ માળખાકરણ) અને ગ્લાસનોસ્ત (ખુલ્લાપણા)ની નીતિએ નવી હવા અવશ્ય ફેલાવી પરંતુ, તેનો લાભ લઈને અનેક નાના દેશો સોવિયેત સંઘના વિઘટનથી આઝાદ થઈ ગયા. આના પરિણામે શક્તિશાળી રાષ્ટ્ર નબળું પડી ગયું અને વિશ્વમાં એકમાત્ર જમાદાર અમેરિકાનું પ્રભુત્વ રહ્યું હતુ. હમણાંથી ચીને તેને પડકાર આપ્યો છે અને વ્લાદિમીર પુટિનના પ્રમુખપદ હેઠળ રશિયા પોતાના પુરાણા પ્રભુત્વને હાંસલ કરવાના સ્વપ્ના જોઈ રહ્યું છે. વિશ્વ રાજકારણમાં ચીન-રશિયાની ધરી નવા સમીકરણો રચી શકે છે.
રશિયાના પોલેન્ડ અને એસ્ટોનિયા જેવા પડોશીઓ હાલ પશ્ચિમી લશ્કરી સંગઠન નાટો સાથે જોડાયેલા છે અને યુક્રેન પણ નાટોમાં જોડાવા ઉછળકૂદ કરે છે. રશિયાને ‘ડોશી મરે તેનો નહિ પરંતુ, જમ ઘર ભાળી જાય’ તેનો ડર સતાવે છે. બે દેશોમાં તો નાટોનું લશ્કર સજ્જ છે ત્યારે યુક્રેન સાથે લાંબી સરહદ હોવાથી યુક્રેન નાટોમાં જોડાય તો અમેરિકા સહિતના દુશ્મનો ઘરઆંગણે આવી જાય તે રશિયાને કદી પોસાય નહિ.
