યુક્રેન યુદ્ધમાં એક ભારતીય વિદ્યાર્થીનો ભોગ લેવાયો હોવાના કરૂણ સમાચાર આવ્યા છે ત્યારે ‘પાડે પાડા લડે અને ઝાડનો ખો વળે’ કહેવત અવશ્ય યાદ આવે. આ પરિસ્થિતિમાં ભારતની પ્રાથમિકતા યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકોને ક્ષેમકુશળ રીતે દેશ પાછા લાવવાની જ છે. નોંધપાત્ર બાબત એ રહી છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય નાગરિકોના સંદર્ભે બે દિવસમાં ચાર મહત્ત્વપૂર્ણ બેઠકો યોજીને ચાર પ્રધાનોને યુક્રેનના અલગ અલગ પડોશી દેશોમાં મોકલી આપ્યા છે જેઓ ‘ઓપરેશન ગંગા’ કામગીરીનું સંકલન કરશે. હવે ભારતીય વાયુસેના પણ આ કામગીરીમાં જોડાનાર છે તેથી બચાવ અભિયાનમાં વેગ આવશે.
ભારત ખુલ્લેઆમ પુટિનની ટીકા કરે અને રશિયાના આક્રમણને વખોડી કાઢે તેવી અમેરિકાની ઈચ્છા હોવાં છતાં, ભારતે તેને રાજી કરવા આમાંનું કશું નહિ કરીને પોતાની તટસ્થ છબીને નિખારી છે. રશિયા વિરુદ્ધ યુક્રેન વિવાદમાં ભારતની તટસ્થતા અમેરિકાથી સહન થતી નથી. યુક્રેનના બે પ્રાંત લુહાન્સ્ક અને ડોનેત્સ્કને સ્વતંત્ર દેશ જાહેર કરી તેને માન્યતા આપવાના રશિયાના પગલાંથી અમેરિકા ધૂંધવાયું છે તે હકીકત છે. રશિયાના આ પગલાની પણ ભારતે ટીકા કરી નથી. યુએન સુરક્ષા સમિતિમાં રશિયાના આક્રમણને વખોડવાના પશ્ચિમી દેશોના ઠરાવને અનુમોદન આપવાના બદલે ભારતે ગેરહાજર રહેવાનું પસંદ કર્યું અને યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં શાંતિ જાળવવા અને લશ્કરી જમાવટ ઘટાડવા બંને દેશોને અપીલ કરી હતી. ભારતે હિંસા બદલ ખેદ વ્યક્ત કર્યો પરંતુ, રશિયાની સીધી ટીકા કરવાનું ટાળ્યું તે હકીકત છે.
અમેરિકાની નીતિ એવી રહી છે કે જે અમારી સાથે નથી તે અમારી વિરુદ્ધ છે પરંતુ, ભારતની બાબતે તેની આ નીતિ અસર કરતી નથી. વડા પ્રધાન મોદીએ અમેરિકાની ચાપલૂસી કરવાની તૈયારી દર્શાવી નથી. આ વિવાદમાં અમેરિકા, બ્રિટન સહિતના પશ્ચિમના દેશોનું વર્તન પોતાનાં હિતો સાચવવાનું રહ્યું છે. આ સંજોગોમાં ભારત પણ પોતાના હિતો અને રશિયા સાથે દાયકાઓ પુરાણી મિત્રતાને કેવી રીતે નજરઅંદાજ કરી શકે તે પ્રશ્ન સ્વાભાવિક છે. રશિયાએ દરેક વખતે ભારતના હિતો સાચવ્યા છે ત્યારે અમેરિકાને રાજી કરવા ખાતર ભારત રશિયાને વખોડે કે ટીકા કરે તે ઉચિત ગણાય નહિ. આમ છતાં, ભારતે જેટલું કહેવાય તે સાનમાં સમજાવી દીધું છે.
રાજકીય મોરચે પણ યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ વડા પ્રધાન મોદીને ટેલિફોન કરી આ વિવાદના નિરાકરણમાં પોતાની વગનો ઉપયોગ કરવા બે-બે વખત વિનંતી કરી છે. નોંધપાત્ર બાબત એ રહી છે કે ભારતે માનવતાના ધોરણે યુક્રેનને મેડિસીન્સ સહિતની રાહતસામગ્રી પહોંચાડવાનો નિર્ણય પણ લીધો છે. ભારતે કોઈ સત્તાના આંગળિયાત બની રહેવાના બદલે વિશ્વતખ્તા પર મોટી તાકાત હોવાનો અહેસાસ સહુને કરાવ્યો છે. ભારત આર્થિક અને વિશાળ બજારની તાકાત ધરાવે છે. તેને ગુમાવવાનું યુકે કે યુએસ સહિતના દેશોને પોસાય તેમ નથી. આથી જ સુરક્ષા સમિતિમાં ભારત ગેરહાજર રહ્યું તેનો આકરો પ્રતિભાવ અમેરિકાએ આપ્યો નથી અને ભારતે આમ શાથી કર્યુ તે પોતે સમજતું હોવાનું પણ જણાવ્યું છે. અમેરિકાનાં હિતો મોટા પ્રમાણમાં ભારત સાથે જોડાયેલાં છે. હવે ભારત ગરીબડું રહ્યું નથી. રશિયા સાથે એસ-૪૦૦ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમની ખરીદી બાબતે પણ ભારતની મક્કમ નીતિના કારણે જ અમેરિકાએ પીછેહઠ કરવી પડી છે.
યુક્રેન અને રશિયન પ્રતિનિધિઓ વચ્ચે બેલારુસમાં શાંતિમંત્રણાઓ યોજાઈ પણ તે નિષ્ફળ ગઈ છે. રણમેદાનમાં યુદ્ધ સમાપ્ત થયા પછી પણ માનસિક યુદ્ધ શરૂ થતું હોય છે. આ યુદ્ધે વૈશ્વિક રાજકારણનાં સમીકરણો બદલી નાંખ્યાં છે જેમાં, ભારત કેન્દ્રસ્થાને આવી ગયું છે. વિશ્વમાં ફરી બે છાવણી ઉભી થઈ છે. હકીકત એ પણ છે કે બધા દેશ બે છાવણીમાં વહેંચાઈ જાય તો મધ્યસ્થી કોણ કરી શકે તેવો પ્રશ્ન પણ ઉદ્ભવી શકે છે. સમય આવે ભારત આ વિવાદમાં મધ્યસ્થી થઈ શકે છે.
