ગુજરાત સમાચાર અને Asian Voice આ દેશમાં એશિયન સમુદાય માટે સૌથી વધુ વેચાતા અને સૌથી વધુ લોકપ્રિય પ્રકાશનો છે. આપને સહુને વિદિત છે કે, આપનું પ્રિય ગુજરાત સમાચાર 5 મે 2022ના રોજ સમુદાયની સેવાના 50 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે.
શુભ અવસર પર, સ્પેશિયલ બમ્પર પ્રકાશન બહાર પાડવામાં આવશે. સાથે જ લંડન અને અન્ય મહત્વના સ્થળોએ ઇવેન્ટ્સ અને ભવ્ય ઉજવણીઓનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટ્સમાં કળા, સંસ્કૃતિ, સમાજ, પરોપકાર, રાજકારણ, વ્યવસાય જેવી વિવિધ શ્રેણીઓમાં સમાજની સેવા કરનાર ઉત્કૃષ્ટ વ્યક્તિઓને સન્માનિત કરવા માટે એવોર્ડ સમારંભ પણ યોજવામાં આવશે.
ગુજરાત સમાચાર અને Asian Voice પાસે AAA અને બીજી ઘણી બધી સફળ ભવ્ય ઈવેન્ટ્સની સિદ્ધિ છે, જેનું આયોજન ખૂબ જ ગૌરવપૂર્ણ રીતે થાય છે.
શાનદાર સુવર્ણ જયંતી
આ શાનદાર સુવર્ણ જયંતી વિશેષાંક એક અભૂતપૂર્વ બમ્પર પ્રકાશન હશે. અમારી ટીમે તેના પર કામ શરૂ કરી દીધું છે. તે રેકોર્ડ અને સંદર્ભ માટેનું એક સંગ્રહણીય પુસ્તક હશે. આ વિશેષાંકમાં આગામી 50 વર્ષના વિઝન સાથે પાછલા 50 વર્ષની ઐતિહાસિક ઝલક પણ રજૂ થશે. તેમાં મહત્વપૂર્ણ ઘટનાઓ, વિકાસ અને સામાજિક ઉદ્દેશો માટે અમે આદરેલી ઝૂંબેશો - ચળવળો અને જનઆંદોલનની ઝલક પણ સામેલ હશે. શ્રેષ્ઠ, પ્રેરણાત્મક રીતે સમાજની સેવા કરનારા ઉત્કૃષ્ટ વ્યક્તિઓ અને સંસ્થાઓના યોગદાનની પણ સવિશેષ નોંધ હશે.
છેલ્લા 50 વર્ષમાં ગુજરાતી, ભારતીય અને એશિયન સમુદાયોની પ્રેરણાત્મક વૃદ્ધિ અને સમૃદ્ધિને બિરદાવતા સંશોધનાત્મક લેખો પણ હશે. આ દેશમાં આપણી વસાહત વિશેના લેખો હશે; આપણું અહીં કેવી રીતે આગમન થયું, આજે આપણે ક્યાં છીએ અને પ્રગતિના પંથે આપણે કેવી હરણફાળ ભરી રહ્યા છીએ. ગુજરાત સમાચાર, New Life અને Asian Voiceના પ્રારંભથી લઇને અત્યાર સુધીની આર્કાઇવ્સ ભવ્ય ભૂતકાળ અને શાનદાર વર્તમાનકાળને જીવંત કરશે.
માત્ર બ્રિટન જ નહીં, ભારત અને વિદેશની અગ્રણી હસ્તીઓના સંદેશાઓ પણ આ વિશેષાંકમાં સામેલ હશે.
તાજેતરમાં, અનેક લોકોએ અમારો સંપર્ક કર્યો છે. તેઓ એક યા બીજા પ્રકારે અમારી સાથે સુવર્ણ જયંતીની ઉજવણીમાં સામેલ થવા માંગે છે. જો આપને પણ કોઇ સૂચન, સલાહ આપવા હોય અથવા તો કોઇ જાહેરાત કરવાની હોય તો મહેરબાની કરીને અમારો સંપર્ક કરો. વાચકો, સામાજિક - રાજકીય - વ્યવસાયિક અગ્રણીઓ, પરોપકારીઓ તેમજ આપણા સમુદાય અને સંસ્કૃતિને વધુ મજબૂત જોવા ઇચ્છતા સહુ કોઇ બમ્પર વિશેષાંક અને ઇવેન્ટસ વિશેના તેમના વિચારો અમને લખી જણાવે તેવો અમારો આગ્રહભર્યો અનુરોધ છે.
આપ અમને પત્ર લખી શકો છો, ઇ-મેઇલ કરી શકો છો, ફોન કરી શકો છો અથવા તો અમારી ઓફિસની રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો.
મહેશ લિલોરિયા, ગ્રૂપ એડિટર

