ઈતિહાસસર્જક રિશિ સુનાકઃ ભારતીય મૂલ્યો અને હિન્દુ આસ્થાના વારસા છતાં પૂર્ણપણે બ્રિટિશ

- રુચિ ઘનશ્યામ Wednesday 02nd November 2022 06:47 EDT
 
 

મારા મિત્રે થોડા દિવસ પહેલાં નં.10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે યુકેના નવા વડા પ્રધાન દ્વારા આયોજિત દિવાળી રિસેપ્શનનો યૂટ્યૂબ પરનો ટુંકો વીડિયો મને મોકલી આપ્યો છે. યુકેના વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાનની બહાર ભારતીય મૂળના પ્રથમ પ્રાઈમ મિનિસ્ટર દીપ પ્રગટાવી રહ્યા હોય તેવી તસવીરો પણ જોવા મળે છે. આ 2020ની દિવાળીના એ દિવસની તસવીરોની યાદ અપાવે છે જ્યારે ચાન્સેલરના નિવાસસ્થાનની બહાર તેમણે દિવાળી નિમિત્તે દીવડા પ્રગટાવ્યા હતા. કિંગ ચાર્લ્સ તૃતીયે બકિંગહામ પેલેસ ખાતે રિશિ સુનાકને આવકાર્યા ત્યારે ભારતીય મીઠાઈઓ વહેંચાઈ હતી તેની વાતો પણ સાંભળવા મળે છે.
રિશિ સુનાક અને તેમના પરિવારની તસવીરો અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહેલ છે. જેનું પ્રમાણ એટલું બધું હતું કે જ્યારે વોટ્સએપ થોડા કલાકો માટે કામ કરતી બંધ થઈ ગઈ ત્યારે ઊત્સાહી ભારતીયો દ્વારા સંદેશાઓના ભારે ટ્રાફિકના કારણે જ મેસેજિંગ એપ ઠપ થઈ ગયાનું દર્શાવતા મીમ્સ પણ ફરતા થઈ ગયા હતાં.
રિશિ સુનાકે કદી તેમના વિશે કોઈ બાબત છુપાવવાનો પ્રયાસ કર્યો નથી. તેઓ પોતાના ભારતીય વારસા અને હિન્દુ આસ્થાનો સ્વીકાર કરવા સાથે વારંવાર સ્પષ્ટતા પણ કરતા રહે છે કે તેઓ સંપૂર્ણપણે બ્રિટિશ છે. તેઓ ભારતીય નથી પરંતુ, ભારતીય મૂળના બ્રિટિશ હિન્દુ છે. તેઓ યુકેની વંશીય વૈવિધ્યતાનું પ્રતિનિધિત્વ કરે છે. તેમની સફળતા એવા તમામ લોકો માટે બોધપાઠ છે જેઓ વંશીય દૃષ્ટિએ શુદ્ધ સમાજની ઈચ્છા રાખે છે. કોઈ પણ રાષ્ટ્રની સંપત્તિ તેના લોકોની વૈવિધ્યતામાં જ રહેલી છે.
તેઓ હિન્દુ ઉત્સવો-તહેવારોને ઉજવે છે, મંદિરોએ જાય છે, હિન્દુ રીતરિવાજ કે કર્મકાંડને અનુસરે છે અથવા પોતાના કાંડા પર લાલ રંગની કાલેવા દોરી બાંધે છે, આ બધા સાથે રિશિ સુનાક પોતાની આસ્થા કે શ્રદ્ધાની ખુલ્લેઆમ જાહેરાત કરે જ છે. તેમણે અને તેમના પત્ની અક્ષતાએ તેમની બે દીકરીઓમાં ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોને પ્રસ્થાપિત કરવાના પ્રયાસો પણ કર્યા છે.
મારાં લંડનમાં રોકાણ દરમિયાન, મેં હંમેશાં ભારતીય વિદ્યા ભવન દ્વારા આયોજિત કાર્યક્રમોમાં હાજરી આપવા પ્રયાસ કર્યાં છે. આવા જ એક કાર્યક્રમમાં મને ગૌરવશાળી માતાપિતા રિશિ અને અક્ષતાને મળવાનું સાનંદાશ્ચર્ય થયું હતું જેઓ તેમની દીકરીના ભારતીય શાસ્ત્રીય નૃત્ય પરફોર્મન્સમાં હાજરી આપવા આવ્યાં હતાં. તેઓ આ કાર્યક્રમમાં આવેલા તમામ અન્ય પેરન્ટ્સ અને લોકો સાથે રાજીખુશીથી હળીમળી રહ્યા હતાં.
પાશ્ચાત્ય મીડિયામાં તેમની સંપત્તિ સંદર્ભે ઘણું કહેવાયું - લખાયું છે. એવા અહેવાલો પણ પ્રસિદ્ધ થયા છે કે તેમની સંપત્તિ વંચિત લોકો પ્રત્યે તેમની સહાનુભૂતિના માર્ગમાં અવરોધક બની શકે છે, પોતાની સંપત્તિના કારણે ગરીબો માટે કામ કરવાની તેમની ક્ષમતા તેમજ તેમની સ્વીકૃતતા સામે મૂળભૂતપણે પ્રશ્ન ઉઠાવાઈ રહ્યો છે.
જે રીતે રિશિ સુનાક પોતાના ભારતીય /હિન્દુ વારસાને છુપાવતા નથી તે જ રીતે પોતાની સમૃદ્ધિને ઢાંકવાનો પ્રયાસ પણ કદી કર્યો નથી. આપણે આ બાબતને તેમના ચારિત્ર્યના સકારાત્મક લક્ષણ તરીકે નિહાળવી જોઈએ કે તેઓ પ્રામાણિક છે અને વિશ્વાસપાત્ર છે. કદાચ આ જ બાબતે તેમને પૂર્વ વડા પ્રધાન લિઝ ટ્રસ સાથે નેતાગીરીની સ્પર્ધામાં બિનલોકપ્રિય કાર્યપ્રણાલીને વળગી રહેલા રાખ્યા હતા જ્યારે તેમણ સતત ભારપૂર્વક એમ જણાવ્યે રાખ્યું કે દેશની સમક્ષનો માર્ગ ભારે કઠિન છે અને પરીકથાનકોનાં ઉપાયો જરા પણ શક્ય નથી!
તો પછી શા માટે તેમની સંપત્તિ અથવા તો તેમની પત્નીના નોન-ડોમ ટેક્સ દરજ્જા સંદર્ભે આટલા બધા પ્રશ્નો ઉઠાવાય છે? એક ભારતીય નાગરિક હોવાના નાતે તેમણે તેમના પિતાની ભારતસ્થિત કંપનીમાંથી પ્રાપ્ત કરેલી સંપત્તિ સંબંધિત પ્રવર્તમાન ટેક્સ જોગવાઈનો ઉપયોગ કર્યો હતો. યુકેના વધુ નહિ તો પણ સેંકડો ધનવાન લોકોએ ફ્રેન્ચ ક્રાંતિના કાળથી આ જોગવાઈનો ફાયદો લીધો જ છે! આટલા લાંબા સમયથી યુકેમાં બ્રિટિશ લોકો માટે નોન-ડોમિસાઈલ સ્ટેટસની આ જોગવાઈ મળેલી છે! ‘નોન-ડોમિસાઈલ’ નિયમ સૌપ્રથમ 1799માં દાખલ કરાયો હતો જ્યારે વિલિયમ પિટ ધ યંગર વડા પ્રધાન હતા અને યુનાઈટેડ કિંગ્ડમ નેપોલિયન સાથે યુદ્ધમાં હતું. વિદેશી સંપત્તિ ધરાવનારાઓને યુકેના નવાં યુદ્ધકાલીન કરવેરાથી રક્ષણ આપવા આ નિયમ ઘડાયો હતો. બ્રિટિશ તવંગરોએ બ્રિટિશ સંસ્થાનોમાંથી પ્રાપ્ત કરેલી અઢળક સંપત્તિને આ જોગવાઈ થકી રક્ષણ અપાયું હતું.
રિશિ સુનાકની સંપત્તિ સ્વબળે કમાયેલી છે. કઠણ આર્થિક પવનોનો સામનો કરી બહાર નીકળવા ઝઝૂમતા દેશ માટે તો આ બાબત તો આશ્વાસનરુપ બની રહેવી જોઈએ. એમ કહેવાય છે કે તેઓ યુકેના વડા પ્રધાન બનનારા સૌથી તવંગર વ્યક્તિ છે જોકે, દેશના રાજકારણમાં તેઓ જ એકમાત્ર તવંગર વ્યક્તિ નથી. લોર્ડ્ઝ બાલીએડમોન્ડ, સેઈન્સબરી અને ગોલ્ડસ્મિથ ઉપરાંત, કન્ઝર્વેટિવ તેમજ લેબર પાર્ટીના અન્ય ઘણા નેતાઓ મલ્ટિમિલિયોનેર્સ છે. જેકોબ રીસ-મોગ અને નધીમ ઝાહાવીની સંપત્તિ 100-100 મિલિયન પાઉન્ડ જેટલી હોવાનું કહેવાય છે. લેબર પાર્ટીના વર્તમાન નેતા તેમજ પૂર્વ વડા પ્રધાન ટોની બ્લેર, બંને મલ્ટિમિલિયોનેર્સ છે. ઈન્ટરનેટ પર સામાન્ય તપાસમાં જ આ વિગતો જાણવા મળી છે.
યુએસમાં તો પરિસ્થિતિ વધુ સ્પષ્ટ છે. પૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તો બિલિયોનેર જ છે અને તેમની કેબિનેટના અન્ય સભ્યો પણ હતા. વર્તમાન યુએસ પ્રેસિડેન્ટ પણ મલ્ટિમિલિયોનેર છે તેમજ મેટ રોમેની અને જ્હોન કેરીથી માંડી પૂર્વ પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન, તેમના પત્ની હિલેરી ક્લિન્ટન અને બરાક ઓબામા સહિતના રાજકારણીઓ પણ મલ્ટિમિલિયોનેર છે. ન્યૂ યોર્કના પૂર્વ મેયર માઈકલ બ્લૂમબર્ગ તેમની 50 બિલિયન ડોલરથી વધુની સંપત્તિ સાથે આ બધાને ટપી જાય છે. આશ્ચર્યકારી હકીકત એ છે કે દેશના સ્થાપક- ફાઉન્ડિંગ ફાધર અને પ્રથમ પ્રેસિડેન્ટ જ્યોર્જ વોશિંગ્ટનની સંપત્તિ 500 મિલિયન ડોલરથી પણ વધુ હતી અને અન્ય ઘણા ફાઉન્ડિંગ ફાધર્સ પણ ભારે સંપત્તિવાન હતા.
રિશિ સુનાકની સફળતા ઈમિગ્રન્ટ્સ અને લઘુમતી વર્ગોને એકીકૃત કરવામાં યુકેની સફળતાનું પ્રતીક છે. સમગ્ર વિશ્વના દેશો અને કોમ્યુનિટીઓ પોતાની જ મર્યાદિત વૈવિધ્યતા સાથે જીવવાનો સંઘર્ષ કરી રહેલ છે ત્યારે એવી આશા રાખવી અસ્થાને નહિ ગણાય કે યુકેની પ્રજા અને મીડિયા તેમનામાંથી જ એક ઈમિગ્રન્ટના રાજકીય સોપાનના સર્વોચ્ચ સ્થાને પહોંચવાની ઘટનાને સ્વીકારીને વધાવી લેશે.
(રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા સાઉથ આફ્રિકા, ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારાં તેઓ માત્ર બીજાં મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.
@RuchiGhanashyam)


comments powered by Disqus