આખાબોલી અભિનેત્રી કંગના રનૌતે હિમાચલ પ્રદેશમાંથી ચૂંટણી લડીને સક્રિય રાજકારણમાં ઝંપલાવવાની તૈયારી કરી છે. કંગનાએ શનિવારે કહ્યું હતું કે તે હિમાચલ પ્રદેશના લોકોની સેવા કરવા માગે છે અને આ માટે તે રાજકારણમાં આવવા તૈયાર છે.
મનાલીની રહેવાસી કંગનાએ કહ્યું કે તેને તેના હોમ સ્ટેટના લોકોની સેવા કરવાની જવાબદારી મળશે તો એ તેના માટે ગર્વની બાબત હશે. કંગના રનૌતે કહ્યું કે, સરકાર રાજકારણમાં મારી ભાગીદારી ઈચ્છતી હોય તો હું સંપૂર્ણપણે તૈયાર છું. મને હિમાચલ પ્રદેશના લોકોની સેવા કરવાની તક મળે તો એ મારા માટે સૌભાગ્યની વાત હશે. રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા અભિનેત્રીએ આગામી મહિને હિમાચલ પ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલાં શિમલામાં એક કાર્યક્રમમાં રાજકારણમાં પ્રવેશવાની તૈયારી દર્શાવી હતી. હિમાચલ પ્રદેશમાં 12મી નવેમ્બરે ચૂંટણી યોજાવાની છે અને આઠમી ડિસેમ્બરે મત ગણતરી થશે.
જોકે ગયા મહિનાના પ્રારંભે કંગનાએ સક્રિય રાજકારણમાં આવવાનો ઈનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તેણે આવી કોઈ યોજના નથી, કારણ કે તે પોતાની ફિલ્મી કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

