સાન ફ્રાન્સિસ્કોઃ વિશ્વનાં સૌથી મોટા બિલિયોનેર અને કાર કંપની ટેસ્લાના માલિક એલન મસ્કે હા..ના...હા...ના... કરતા આખરે ટ્વિરનું સુકાન સંભાળ્યું છે. ટ્વિટરના માલિક બનતા જ તેમણે સૌથી પહેલાં કંપનીના સીઈઓ પરાગ અગ્રવાલ તેમજ કેટલાક અધિકારીઓની નોકરીમાંથી કાઢી મૂક્યા છે.
ધ બર્ડ ઇઝ ફ્રી...
મસ્કે ટ્વિટર ખરીદ્યા પછી ટ્વિટ કર્યું હતું કે ધ બર્ડ ઇઝ ફ્રી. તેમણે કહ્યું હતું કે હું એવું ઇચ્છુ છું કે લોકો ટ્વિટર પર ફિલ્મો જુએ અને વીડિયો ગેમ રમે. માનવતાની સહાય માટે મે ટ્વિટર ખરીદ્યું છે. ટ્વિટર મોટામાં મોટું વિજ્ઞાપનોનું પ્લેટફોર્મ બને તેવી મારી ઇચ્છા છે. ટ્વિટરને ખરીદવાની વાતચીત ચાલતી હતી ત્યારે મસ્કે કંપનીનાં 7500 પૈકી 75 ટકા કર્મચારીઓને છૂટા કરવાનાં સંકેતો આપ્યા હતા. આમ હવે 75 ટકા કર્મચારી પર છટણીની તલવાર તોળાઈ રહી છે. જોકે મસ્કે 75 ટકા કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવાના અહેવાલોને રદીયો આપ્યો છે. ટ્વિટરના જનરલ કાઉન્સેલર સીન એડગેટે કર્મચારીઓને ઈમેલ કરીને સ્પષ્ટતા કરી છે કે કંપની દ્વારા કોઈને છૂટા કરવાની યોજના નથી. અગાઉ સોદા અંગે ખોટી માહિતી રજૂ કરીને ગેરમાર્ગે દોરવા માટે મસ્કે સીઈઓ પરાગ અગ્રવાલને નોકરીમાંથી છૂટા કર્યા હતા.
...પણ પરાગ માટે ખોટનો સોદો નથી
ટ્વિટરમાંથી નોકરી ગુમાવ્યા પછી પણ કંપનીના સીઈઓ પરાગ અગ્રવાલ માટે આ ખોટનો સોદો નથી. તેમને કંપની પાસેથી રૂ. 412 કરોડ મળશે. ટ્વિટરના માલિક મસ્કે પરાગ અગ્રવાલ તેમજ નેડ સેહગલ અને વિજયા ગડ્ડેને નોકરીમાંથી પાણીચું આપ્યું છે. જેમને વળતર તરીકે કંપની દ્વારા આશરે 100 મિલિયન ડોલર એટલે કે 412 કરોડ આપવામાં આવશે. જેમાં પરાગ અગ્રવાલને સૌથી વધુ 50 મિલિયન ડોલર એટલે કે રૂ. 412 કરોડ જ્યારે નેડ સેહગલને 37 મિલિયન ડોલર એટલે કે આશરે રૂ. 304 કરોડ અને વિજયા ગડ્ડેને 17 મિલિયન ડોલર એટલે કેઆશરે રૂ. 140 કરોડ આપવામાં આવશે.

