નવનાત વડિલ મંડળ યોજીત દિવાળી પર્વની ભવ્ય ઉજવણી

- જ્યોત્સના શાહ - સમાજ દર્પણ Wednesday 02nd November 2022 07:15 EDT
 
 

૧૪ ઓક્ટોબરના રોજ નવનાત વડિલ મંડળે ભવ્ય દિવાળી કાર્યક્રમનું આયોજન કર્યું. દર શુક્રવારે ૩૦૦થી વધુ વડિલો નવનાત ભવનમાં એકત્ર થઇ આનંદોત્સવ મનાવે છે. પ્રમુખશ્રી નલીનભાઇ ઉદાણીએ સૌનું ભાવભીનું સ્વાગત કર્યું.
આ વડિલોને સેવાભાવી બહેનો દર શુક્રવારે ગરમાગરમ, સ્વાદિષ્ટ, તાજી રસોઇ કરી સૌને પ્રેમથી જમાડે છે. કિચન કમિટીની એ બહેનોનું ભાવભીનું સન્માન કરાયું. સન્માનિત બહેનોમાં શકુબહેન શેઠ, સરોજબહેન વારીયા, અનસૂયાબહેન બાવીશા, કોકિલાબહેન સંઘરાજકા, મૃદુલાબહેન બખાઇ, સુરેખાબહેન શેઠ, ઇન્દુબહેનશાહ, હર્ષાબહેન કોઠારી, કીર્તિદાબહેન શાહનો સમાવેશ થાય છે. સેવાની કદર રૂપે શાલ, વડિલ મંડળના લોગોવાળો મગ (સુવેનીયર) અને વાવચર્સની ભેટ અપાઇ. એનો પ્રતિભાવ આપતાં કમિટીના હેડ શકુબહેન શેઠે જણાવ્યું, “વડિલોની સેવા કરવાની અમને તક મળે છે એ અમારું સૌભાગ્ય છે. અમારી ટીમનું વડિલ મંડળ તરફથી સન્માન થયું એ માટે અમે એમના આભારી છીએ. અમારી સેવા દરમિયાન જાણતાં-અજાણતાં કોઇનું મન દુભાવ્યું હોય તો અંત:કરણપૂર્વક ક્ષમા યાચના. વડિલ મંડળના આશીષ અને શુભેચ્છાથી આ સેવા અવિરત ચાલુ રહે તેવી આશા અમે રાખીએ છીએ.”
બ્રેકફાસ્ટ, લંચ, મરીના અને અલ્પેશના મેલડી એક્સપ્રેસ ગૃપનું સમુધુર સંગીત તેમજ આઇસક્રીમની મોજ સૌએ માણી. આ કાર્યક્રમના સ્પોન્સરર શીલાબહેન અને પરેશભાઇ મહેતાના લગ્નની ૪૦મી એનિવર્સરીની કેક કટીંગ સેરીમની તેમજ જેઓની બર્થડે એ દિવસે કે આસપાસના દિવસોમાં હતી તે સૌને શુભેચ્છા પાઠવતાં સૌના ચહેરા પુલકિત થઇ ઉઠ્યાં.
આ કાર્યક્રમના કો-ઓર્ડીનેટર ભૂપેન્દ્રભાઇ તેમજ પૂર્ણિમાબહેનને અભિનંદન. સમાપનમાં આભાર વિધિ કરતા નટુભાઇએ હોલને રંગોળીથી સજાવવા તેમજ ડાઇનીંગ હોલ અને મુખ્ય હોલની વ્યવસ્થા માટે હસ્મિતાબહેન દોશીનો આભાર માન્યો.


comments powered by Disqus