નિરવ મોદીની ભારતને પ્રત્યર્પણ વિરુદ્ધ અપીલ પર ચુકાદો અનામત

હાઈ કોર્ટે કહ્યું ભારત સરકારના આશ્વાસનોને વિધેયાત્મક ગણવા જોઈએ. તેમાં ખામીઓ શોધવી ન જોઈએ

Tuesday 01st November 2022 06:50 EDT
 
 

નવી દિલ્હી, લંડનઃ ભારતની રાષ્ટ્રીયકૃત પંજાબ નેશનલ બેન્ક (PNB)ને સાંકળતા રૂપિયા 13,000 કરોડ (આશરે 2 બિલિયન યુએસ ડોલર)ના લોનકૌભાંડના આરોપી નિરવ મોદીએ લંડન હાઈ કોર્ટને તેના દેશ ભારતમાં પ્રત્યર્પણ થતું અટકાવવા વિનંતી સાથે કહ્યું છે કે આવું પગલું તેને આત્મહત્યા કરવા તરફ દોરી જશે. બીજી તરફ, ભારત માટે આ કેસ હાઈ પ્રોફાઈલ છે ત્યારે ભારત દ્વારા તેની જેલની સ્થિતિ, આરોગ્યની સારસંભાળ અને યોગ્ય સારવાર સંબંધિત ખાતરીઓ બ્રિટિશ કોર્ટને અપાયેલી છે. લંડન હાઈ કોર્ટે ત્રણ દિવસની સુનાવણી પછી આખરી ચુકાદો અનામત રાખી કહ્યું હતું કે જે શક્ય તેટલો વેળાસર ચુકાદો જાહેર કરશે.
ભારત મોસ્ટ વોન્ટેડ અપરાધીઓમાં એક નિરવ મોદીની લંડનમાં ધરપકડ કરાયા પછી તેમને વોન્ડ્ઝવર્થ જેલમાં રખાયા છે. બ્રિટિશ હોમ સેક્રેટરીએ નિરવ મોદીને ગુનાની ટ્રાયલનો સામનો કરવા તેને ભારત મોકલવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા પછી એપ્રિલ 2021માં હાઈ કોર્ટ જજે નિરવ મોદીની ભારતમાં પ્રત્યર્પણ વિરુદ્ધની અરજી દાખલ કરવા પરવાનગી આપી હતી. હાઈ કોર્ટમાં મંગળવાર 11 ઓક્ટોબરથી 51 વર્ષીય હીરાના વેપારી નિરવ મોદીને ભારતમાં પ્રત્યર્પણ કરાય તો તેના આત્મહત્યાના જોખમના સ્તર વિશે બે નિષ્ણાત સાઈકિયાટ્રિસ્ટના પુરાવાઓ પર સુનાવણી ચાલુ કરાઈ છે. લંડનની હાઈ કોર્ટે બુધવાર, 12 ઓક્ટોબરે કહ્યું હતું કે ભારત એક મિત્ર દેશ છે. મનીલોન્ડરિંગ અને ફ્રોડ સંબંધિત કેસમાં નિરવ મોદીનું ભારતને પ્રત્યર્પણ કરાય તો તેમને આર્થર રોડ પરની જેલમાં પૂરતી સારવાર અપાશે તેવા ભારત સરકાર દ્વારા અપાયેલા આશ્વાસનોમાં કોઈ ખામીઓ શોધવી ન જોઈએ. તમારા વકીલને આ આશ્વાસન કે ખાતરી અપૂરતી લાગે પરંતુ, આપણે સકારાત્મક વલણ અપનાવવું જોઈએ.
બ્લૂમબર્ગના અહેવાલમાં નિરવ મોદીના વકીલ એડવર્ડ ફિટ્ઝરાલ્ડને લંડન કોર્ટને એમ કહેતા ટાંકવામાં આવ્યા છે કે મોદી લાંબા સમયથી ડિપ્રેશનથી પીડાય છે અને લોકો જ્યાં તેના પૂતળાં બાળે છે તેવા ધિક્કારપૂર્ણ વાતાવરણમાં તેનું પ્રત્યર્પણ કરાશે તો પરિસ્થિતિ વધુ ખરાબ થઈ જશે. ભારકતમાં સૌથી મોટા બેન્ક ફ્રોડના આરોપોનો સામનો કરી રહેલા સૂત્રધાર મોદીએ તેના પ્રત્યર્પણ આદેશને પડકારતા જણાવ્યું છે કે તેના માનસિક આરોગ્યની ચિંતા પર યોગ્ય વિચાર કરવામાં આવ્યો નથી. મોદીના વકીલે છેતરપિંડીના આક્ષેપોને નકારી કાઢ્યા હતા.
ભારતીય સત્તાવાળાએ આ દલીલોને નકારી કાઢી છે. ભારત તરફથી દલીલો કરી રહેલાં વકીલ હેલન માલ્કોમે જણાવ્યું હતું કે ડિપ્રેશનની સારવાર થઈ શકે છે અને નિરવ મોદીની માનસિક આરોગ્યની હાલત વધુ ખરાબ થશે તેમ નિર્ણાયકપણે કહી શકાય નહિ. ભારતે જેલની પરિસ્થિતિઓ, આરોગ્યની સારસંભાળ અને યોગ્ય સારવારની ખાતરી આપી છે કારણકે ભારત માટે આ હાઈ પ્રોફાઈલ કેસ છે અને બધાની નજર તેના પર જડાયેલી રહેશે. મોદીને કેદીઓની ભીડવાળી કોટડીમાં રખાશે નહિ તેની ખાતરી આપવા માલ્કોમે કોર્ટ સમક્ષ આર્થર રોડ જેલની બેરેક નંબર 12ના વીડિયો અને ફોટોગ્રાફ્સ રજૂ કર્યા હતા. આ સમયે બચાવપક્ષે પ્રશ્ન કર્યો હતો કે મોદીને સોલિટરી કન્ફાઈન્મેન્ટ ( એકાંતવાસ)માં રાખવાના છે? આ સંદર્ભે ભારત સરકારે એવી દરખાસ્ત કરી હતી કે મોદીના જેવી જ ભાષા બોલી શકતા વ્હાઈટ કોલર ક્રિમિનલ કેસના અંડરટ્રાયલ કેદીને પણ મોદી સાથે બેરેક 12માં રાખવામાં આવી શકે.
મોદી દ્વારા કરાયેલી અપીલની સુનાવણી ભારતીય બેન્ક સાથે ફ્રોડ અને મની લોન્ડરિંગના વાસ્તવિક કેસના બદલે તેની નાજૂક માનસિક આરોગ્યની હાલતને ધ્યાનમાં રાખતા તેને ભારતને પ્રત્યર્પણ કરવો યોગ્ય ગણાશે કે નહિ તે મુદ્દો કેન્દ્રસ્થાને આવી ગયો છે. હાઈ કોર્ટનો ચુકાદો ભારત-યુકે પ્રત્યર્પણ સંધિ કાયદાના મૂળભૂત સ્વરૂપને ભારે અસર કરનારો બની રહેશે. પ્રોસીક્યુશન અને બચાવપક્ષ એ બાબતે સંમત થયા હતા કે ડિપ્રેશનની સારવાર થઈ શકે છે. છતાં, મોદીના વકીલે કહ્યું હતું કે તેમના ક્લાયન્ટની હાલત વધુ ખરાબ થઈ શકે છે. પ્રોસીક્યુશન તરફથી પ્રોફેસર ફેઝલે જણાવ્યું હતું કે મોદી હળવા ડિપ્રેશનથી પીડાય છે અને ભારતીય જેલમાં તે વધુ ખરાબ થઈ શકે કે કેમ તે જણાવવાનું શક્ય નહિ હોવાનું સ્પષ્ટ કર્યું હતું. બચાવપક્ષ તરફથી પ્રોફેસર ફોરેસ્ટરે મોદીના ડિપ્રેશનને મધ્યમ સ્તરનું જણાવી કહ્યું હતું કે પ્રત્યર્પણ થવા સાથે તેમાં તીવ્રતા આવી શકે છે. આ બંને વિરોધાભાસી નિષ્ણાત અભિપ્રાયો સહિત અનેક મુદ્દા હાઈ કોર્ટના આખરી ચુકાદાને અસર કરશે તે નિશ્ચિત છે.


comments powered by Disqus