પ્રિન્સેસ રોયલના હસ્તે સર અશોક રાભેરુને નાઈટહૂડ એનાયત

Wednesday 02nd November 2022 06:30 EDT
 
 

લંડનઃ સર અશોક જીવરાજ રાભેરુ KCVO DLને વિન્ડસર કેસલમાં મંગળવાર 18 ઓક્ટોબર 2022ના રોજ આયોજિત સમારંભમાં નાઈટહૂડ ઈલકાબ એનાયત કરાયો હતો. પ્રિન્સેસ રોયલ પ્રિન્સેસ એનના હસ્તે આ ઈલકાબ એનાયત કરવામાં આવ્યો ત્યારે સર અશોકના પત્ની અને તેમના ત્રણ સંતાનો ગૌરવપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા.
આ વર્ષે ક્વીન એલિઝાબેથ દ્વિતીયની પ્લેટિનમ જ્યુબિલી બર્થડે ઓનર્સ લિસ્ટમાં સર અશોક રાભેરુને નાઈટ કમાન્ડર ઓફ ધ રોયલ વિક્ટોરિયન ઓર્ડરનું દુર્લભ સન્માન જાહેર થયું હતું. બ્રિટિશ રાજાશાહી દ્વારા મધ્યકાલીન સમયથી અપાતા સર્વોચ્ચ ઈલકાબોમાં એક આ ઈલકાબના વિજેતા સત્તાવારપણે ‘મિ.’ના બદલે ‘સર’ ટાઈટલનો સંબોધન તરીકે ઉપયોગ કરી શકે છે.
ઈલકાબ એનાયત કરાયા પછી સર અશોકે જણાવ્યું હતું કે, ‘મારા ટ્રિપ્લેટ્સ (ત્રેવડા બાળક)ના જન્મ અને મારા લગ્નદિન ઉપરાંત, આ મારા જીવનનો સૌથી ગૌરવશાળી દિવસ છે.’ ડ્યૂક ઓફ એડિનબરા‘ઝ એવોર્ડ માટે સર રાભેરુએ ૨૫ વર્ષથી વધુ સમય માટે વિવિધ પ્રકારની કામગીરી સંભાળી હતી તેની કદર કરવા આ ઈલકાબ અપાયો છે. ડ્યૂક ઓફ એડિનબરા‘ઝ એવોર્ડ પ્રોગ્રામની સ્થાપના પ્રિન્સ ફિલિપ દ્વારા 1956માં કરવામાં આવી હતી જે ભારત સહિત વિશ્વના 140થી વધુ દેશમાં પ્રસરેલો છે. આ એવોર્ડ 14-24 વયજૂથના યુવા લોકોને વિવિધ પ્રકાર ઈન્ફોર્મલ એજ્યુકેશન થકી શીખવા અને વિકસવા માટે સપોર્ટ કરે છે. સર રાભેરુ વર્ષ 2000માં આ એવોર્ડ પ્રોગ્રામના ટ્રસ્ટી અને વર્ષ 2010માં ચેરમેન બન્યા હતા. તેઓ આ પ્રોગ્રામ માટે ભંડોળ એકત્રીકરણ અને કામગીરીના આયોજનના સ્ટીઅરિંગ ગ્રૂપના અગ્રણી સભ્ય રહ્યા છે.
યુકેમાં ઈન્ફોર્મેશન ટેકનોલોજી (IT) કંપની Genisys Groupના સ્થાપક સર અશોક જીવરાજ રાભેરુના પારિવારિક મૂળ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં છે. રાભેરુના પિતા જીવરાજભાઈનો જન્મ કેશોદમાં થયો હતો જ્યારે તેમની માતાનો જન્મ જૂનાગઢ જિલ્લાના બિલખા ગામે થયો હતો. રાભેરુ દંપતીએ ટાન્ઝાનિયા સ્થળાંતર કર્યું હતું જ્યાં 1952માં અશોક રાભેરુનો જન્મ થયો હતો. તેઓ 15 વર્ષની વયે યુકે આવ્યા હતા અને લંડનમાં અભ્યાસ કર્યો હતો. રાજકોટ સહિતના સ્થળોએ પ્રોપર્ટી ધરાવતા સર રાભેરુએ 1985માં પાંચ કર્મચારી સાથે Genisys Groupની સ્થાપના કરી હતી અને આજે કંપનીમાં 1,100થી વધુ કર્મચારી કાર્યરત છે.
તેમણે બેંગલુરુમાં પણ કંપનીની ઓફિસ ખોલી છે.


comments powered by Disqus