બ્રિટિશરો દર વર્ષે વસ્ત્રોની 72 આઈટમ્સ ફેંકી દે છે

Wednesday 02nd November 2022 07:06 EDT
 
 

લંડનઃ બ્રિટિશરો પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવી ચીજવસ્તુઓને ફેંકી દેવામાં પણ જરા વિચારતા નથી. બ્રિટિશ વૂલ દ્વારા 2000 લોકોના કરાયેલા એક સર્વે અનુસાર બ્રિટિશરોના વોર્ડરોબમાંથી દર વર્ષે વસ્ત્રોની 72 આઈટમ્સ ફેંકી દેવાય છે તેમજ બ્રિટિશ લોકો વસ્ત્રો કેવી રીતે બનાવાય છે અને પર્યાવરણ પર તેની કેવી અસરો ઉભી થાય છે તેની મર્યાદિત સમજણ ધરાવે છે. વસ્ત્રોની ઘણી આઈટમ્સનો ફરી ઉપયોગ કરી શકાય અથવા ચેરિટી શોપ્સને આપી શકાય તેવી હોવાં છતાં, તેને ફેંકી દીધી હોવાનું લગભગ બે તૃતીઆંશ લોકોએ સ્વીકાર્યું હતું.
બ્રિટિશ વૂલના સર્વે મુજબ સરેરાશ વ્યક્તિના વોર્ડરોબમાં વસ્ત્રોની માત્ર 76 આઈટમ્સ હોય છે પરંતુ, દર વર્ષે 72 આઈટમ્સ ફેંકી દેવાય છે. યુરોપના અન્ય કોઈ પણ દેશની સરખામણીએ સરેરાશ બ્રિટિશ લોકો દર વર્ષે નવા વસ્ત્રો વધુ પ્રમાણમાં ખરીદે છે. ચેરિટી શોપ્સને કરાતાં વસ્ત્રદાનથી સડી જતા સિન્થેટિક્સની સમસ્યા ઉકેલાતી નથી. ધ ટેલિગ્રાફ દ્વારા કરાયેલા અન્ય અભ્યાસમાં જણાયું હતું કે ઓક્સફામને દાનમાં અપાયેલા કપડાં ઘાનામાં જમીનોના પુરાણ-લેન્ડફિલ્સ તરીકે વપરાયા હતા. ઘાનામાં જરૂર ન હોય તેવા કપડાં બીચ પર છોડી જવાતા હોય છે.
વસ્ત્રોનું ઉત્પાદન કેવી રીતે થાય છે તેમજ પર્યાવરણ પર તેની અસરો વિશે લોકોમાં ઓછી સમજ હોવાનું પણ સર્વેમાં બહાર આવ્યું હતું. વનસ્પતિજન્ય ફાઈબર વિસ્કોઝની પર્યાવરણ અસરોની જાણકારી 74 ટકા લોકોને ન હતી. વિસ્કોઝના ઉત્પાદનમાં સૌથી વધુ એનર્જી, પાણી અને રસાયણોનો ઉપયોગ થાય છે. નાયલોન નોન-બાયોડિગ્રેડેબલ સિન્થેટિક હોવાની જાણકારી 62 ટકા લોકોને ન હતી. પોલિસ્ટર સહિત સિન્થેટિક ફાઈબર્સ માઈક્રોપ્લાસ્ટિક્સનો સૌથી સામાન્ય સ્રોત છે. આવા વસ્ત્રો ધોવાય કે જમીનમાં પુરાણ તરીકે વપરાય ત્યારે તેમાંથી માઈક્રોપ્લાસ્ટિક્સ છૂટે છે. આવા ફાઈબર્સના અણુઓ તૂટવામાં 200 વર્ષ જેટલો સમય લાગી જાય છે.
નોન-ઓર્ગેનિક કોટનના ઉત્પાદન પાછળ વિશ્વભરમાં તમામ પેસ્ટિસાઈડ્સના લગભગ 20 ટકાનો તેમજ સૌથી વધુ પાણીનો વપરાશ થાય છે. વાર્ષિક વૈશ્વિક કાર્બન એમિશન્સમાં ફેશન ઈન્ડસ્ટ્રીનો ફાળો 4 ટકાનો છે.


comments powered by Disqus