લંડનઃ યુકેમાં રાજકીય સંકટ ચાલી રહ્યું છે ત્યારે લાખો લોકો જીવનનિર્વાહ કટોકટીના કારણે ભૂખસંકટનો સામનો કરી રહ્યા છે. ફૂડ ફાઉન્ડેશન ચેરિટીના અહેવાલ મુજબ યુક્રેનયુદ્ધના પગલે યુકેમાં મોંઘવારી સતત વધી રહી છે. ઉલ્લેખનીય છે કે બ્રિટન 40 વર્ષમાં સૌથી ઊંચા ઈન્ફ્લેશનનો સામનો કરી રહ્યું છે. યુકેના ઈતિહાસમાં અન્નસુરક્ષા મુદ્દે સૌથી ખરાબ તબક્કો ચાલી રહ્યો છે. ખાદ્ય ચીજવસ્તુઓ અને ફ્યૂલની કિંમતોમાં સતત ચડઉતર થયા કરે છે. અગાઉ, કોરોના મહામારી અને હાલ રશિયા દ્વારા યુક્રેન પર કરાયેલા આક્રમણ અને યુદ્ધના પગલે સમગ્ર વિશ્વને આર્થિક અને અન્ન પુરવઠાને ભારે ફટકો પડ્યો છે ત્યારે બ્રિટનમાં પણ લાખો લોકો ભૂખમરાનો સામનો કરી રહયા છે. ખોરાકનો પૂરવઠો પૂરતા પ્રમાણમાં મળતો નથી. ઓછી આવક ધરાવતા પાંચ સભ્યોના પરિવારોમાંથી એક વ્યકિતને સપ્ટેમ્બર મહિનામાં પૂરતા ખોરાકનો અભાવ નડ્યો છે. પરિસ્થિતિ એવી ખરાબ થઈ છે કે ૧૮ ટકા લોકોએ પેટનો ખાડો પૂરવા માટે ઓછા ખોરાકથી ચલાવી લેવું પડે છે જયારે ૬ ટકા લોકોએ એક ટંક જમ્યા વિના જ સમય પસાર કરવો પડે છે. વિષમ આર્થિક હાલત ધરાવતા પરિવારોના બાળકો માટે ખાસ કરીને શાળાઓમાં નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવા માગણી થાય છે.
