દુબઇ: યુએઈમાં રશિયન ધનિકો ઘર, ઓફિસ અને જમીનો ખરીદી રહ્યા છે અને તેઓ દ્વારા અહીંયા નવી કંપનીઓ શરૂ કરવામાં આવી રહી છે. મોસ્કો કે પીટર્સબર્ગ જેવા રશિયન શહેરોથી ચાલી રહેલા તેમના બિઝનેસની બીજી શાખા દુબઈમાં ખોલી રહ્યા છે. જ્યારથી જ રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો છે, અર્થવ્યવસ્થાને મોટો ઝાટકો લાગ્યો છે. યુક્રેન બરબાદ થઈ ગયું છે. યુરોપમાં ઊર્જા કટોકટી ઉભી થઈ છે અને સાથે જ વિશ્વભરમાં મોંઘવારી વધી ગઈ છે. આ કારણે રશિયાના ધનિકો પોતાના બિઝનેસ અને રોકાણ માટે સુરક્ષિત ઠેકાણું શોધી રહ્યા છે. આ સંજોગોમાં દુબઈ તેઓ માટે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે.
2021માં દુબઈ પહોંચેલા નિકોલઈ ડેનિસોવ, એન્જેલ્સ ડેક નામના રોકાણકારોના એક સમૂહના સ્થાનિક પ્રમુખ છે. તે જણાવે છે કે આ વર્ષે ફેબ્રુઆરીમાં જ્યારથી રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુક્રેન પર હુમલો કર્યો છે, ત્યારથી આ સમૂહમાં 10 ટકા લોકો વધુ જોડાઈ ગયા છે. હવે અમે 300 થઈ ગયા છે. યુએઈમાં રોકાણ કરી રહ્યા છીએ, જેનાથી યુએઈનું અર્થશાસ્ત્ર બદલાઈ રહ્યું છે. અહીંના સાંસ્કૃતિક જીવનમાં બદલાવ જોવા મળી રહ્યો. ઈમિગ્રેશન કન્સલ્ટન્સી હેન્લે એન્ડ પાર્ટનર્સના મતે દુનિયામાં ખાનગી સંપત્તિમાં સૌથી મોટું રોકાણ વર્ષે યુએઈમાં થયું છે.
હેન્લે એન્ડ પાર્ટનર્સનો અંદાજ છે કે આ વર્ષના અંત સુધી યુએઈમાં વિશ્વભરથી 4 હજારથી વધુ કરોડપતિ રોકાણ કરશે. જ્યારે રશિયા આ દરમિયાન તેના 15 હજારથી વધુ ધનિકો ગુમાવી દેશે, કારણ કે તે બીજા દેશોમાં સ્થાયી થવા કે રોકાણ કરવા જતા રહેશે.
