બ્રિટનની ગુલામીમાં રહેલા બ્રિટિશ ઇન્ડિયાના પંજાબના ગુજરાનવાલા ખાતેથી પહેલા આફ્રિકા અને ત્યારબાદ બ્રિટનમાં માઇગ્રેશન કરી ગયેલા પરિવારનું એક ફરજંદ બ્રિટનની ધરતી પર ઇતિહાસ રચી ગયું. ધરતી પર જેની સત્તાનો સૂરજ આથમતો નથી તેવી ઉક્તિ ધરાવતા અને ભારત પર 200 કરતાં વધુ વર્ષ સુધી શાસન કરનારા બ્રિટનના સૌપ્રથમ ભારતીય મૂળના બ્રિટિશર રિશી સુનાકની વડાપ્રધાનપદે નિયુક્તિથી આ દેશમાં વસવાટ કરતા લાખો ભારતીય મૂળના નાગરિકો અને એશિયનોમાં ખુશીની એક લહેર દોડી ગઇ છે.
સુનાકની નિયુક્તિએ ભારતીય સમુદાયમાં અનેક આશાઓ જન્માવી દીધી છે. ભારતમાં પણ હવે બ્રિટન સાથેના દ્વિપક્ષીય સંબંધો નવી ઊંચાઇ પર પહોંચે તેવો આશાવાદ પ્રબળ બની રહ્યો છે. ફક્ત ભારતીય અને એશિયન સમુદાય જ નહીં પરંતુ બ્રિટિશ નાગરિકો પણ સુનાક સામે આશાની મીટ માંડીને બેઠાં છે. કોરોના મહામારી, રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે સર્જાયેલી એનર્જી કટોકટીને પગલે બ્રિટનમાં મોંઘવારીનો દર છેલ્લા 40 વર્ષી ટોચની સપાટી પર પહોંચી જતાં બ્રિટનનો આમ આદમી કારમી કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસમાં સપડાયો છે. એવામાં પડતા પર પાટુ મારતાં સુનાકના પુરોગામી લિઝ ટ્રસ અને તેમના ચાન્સેલર ક્વાસી ક્વારતેંગે કરવેરામાં ઘટાડા કરીને બ્રિટનના અર્થતંત્ર પર જે કારમો ઘા કર્યો તેના કારણે સર્જાયેલી આર્થિક સમસ્યાઓમાંથી વિશ્વની ટોચની ફાઇનાન્સ કંપનીઓ અને હેજ ફંડોનો અનુભવ ધરાવતા રિશી સુનાક બ્રિટનને હેમખેમ બહાર લાવી શકે છે તેવો આશાવાદ સેવાઇ રહ્યો છે. જોકે બ્રિટનના સૌથી યુવાન વડાપ્રધાનનો રસ્તો આસાન નથી. તેમની સામે પડકારોનો હિમાલય છે. ટ્રસની હારાકિરી બાદ હવે તેમના માથે દેશ અને પાર્ટી એમ બંનેને બચાવવાની જવાબદારી આવી પડી છે. ટ્રસે કરેલી ભૂલોએ દેશને આર્થિક ગર્તામાં ધકેલી દીધો છે તો વિશ્વનું સૌથી મજબૂત રાજકીય સંગઠન ગણાતી કન્ઝર્વેટિવ પાર્ટી માટે આગામી સામાન્ય ચૂંટણીઓમાં અસ્તિત્વનો સવાલ સર્જ્યો છે. રિશી સુનાકે આર્થિક અને રાજકીય એમ બંને મોરચા પર બાથ ભીડવાની છે.
રિશી સુનાક સામે સૌથી મોટો રાજકીય પડકાર પોતાની જ પાર્ટીમાં એકતા સાધવાનો છે. સંસદમાં ટોરી સાંસદોની બહુમતી છતાં કેટલાક મામલાઓમાં ટોરી સાંસદોનું સમર્થન હાંસલ નહીં થાય તો સુનાક માટે આકરાં આર્થિક પગલાં લાગુ કરવાનું લોઢાના ચણા ચાવવા સમાન બની રહેશે. સુનાક સામે જ્હોન્સન, લિઝ ટ્રસ અને પેની ડોરમૌન્ટ જેવા સિનિયરોના કેમ્પને સાથે લઇને ચાલવાનો પડકાર આકરી પરીક્ષા બની રહેશે. જો પાર્ટી સુનાકની પડખે નહીં રહે તો સામાન્ય ચૂંટણી અનિવાર્ય બની રહેશે અને હાલના સંજોગોમાં વિપક્ષ લેબર પાર્ટી ટોરીઝ પર સારી એવી લીડ ધરાવી રહી છે.
રિશી સુનાકની સામે બોરિસ જ્હોન્સન અને લિઝ ટ્રસે સર્જેલી અંધાધૂંધીને દૂર કરવાનું મહાકાય લક્ષ્યાંક છે. ટ્રસે સર્જેલી અંધાધૂંધીએ બ્રિટનની સંસદ, ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલિટી, નેશનલ ફાઇનાન્સ વોચડોગ જેવી સંસ્થાઓને વધુ મજબૂત બનાવી છે. વડાપ્રધાને તેમના નિર્ણયોની જવાબદારી લેવી પડશે અને તેઓ નાણાને ક્યાં વાપરશે તેની સ્પષ્ટતા કરવી પડશે તેવા બ્રિટિશ સંસદનું સ્પષ્ટ વલણ સુનાકના પડકારોમાં વધારો કરશે તેમાં શંકાને કોઇ સ્થાન નથી.
સુનાક સામે સૌથી મહત્વના પડકારો આર્થિક છે. તેમને આમ જનતા અને બજારોનો વિશ્વાસ પુનઃ સ્થાપિત કરવા કરવેરા અને સરકારી ખર્ચના મામલે ફૂંકી ફૂંકીને પગલાં લેવા પડશે. સુનાક અને તેમના ચાન્સેલર જેરેમી હન્ટ આગામી હેલોવિન બજેટમાં આકરાં પગલાંના સંકેતો આપે તો છે પરંતુ તેના કારણે જનતાને પજવતી મોંઘવારી, મોર્ગેજના બિલ, વીજળીના બિલ, ઇંધણોની કિંમત, કર્મચારીઓની વેતન વધારાની માગ અને અસંતોષની સમસ્યાઓનો કેટલી હદે ઉકેલ આવશે તે તો સમય જ બતાવશે. નેશનલ હેલ્થ સર્વિસને સુવ્યવસ્થિત કરવી, એજ્યુકેશન સિસ્ટમની સમસ્યાઓ હલ કરવી, પેન્શન ફંડોની મુશ્કેલીઓ દૂર કરવી જેવી અસંખ્ય સમસ્યાઓ રિશી સુનાક અને તેમની ટીમ માટે આકરા પડકારો ફેંકી રહી છે. સૌથી પહેલાં તો સુનાકે એનર્જી કોસ્ટ અને લિવિંગ કોસ્ટમાં ઘટાડો કરવો પડશે. એનર્જીના મામલામાં રશિયા તરફથી મળી રહેલી ધમકીઓને પહોંચી વળવા તેમની સરકારે અન્ય વૈકલ્પિક વ્યવસ્થાઓ ગોઠવવી પડશે જેથી બ્રિટનવાસીઓને મોંઘવારીની ઓછામાં ઓછી અસર થાય.
વિશ્વની આજની સ્થિતિને જોતાં સુનાક સરકાર સામે વિદેશ નીતિ પણ ઘણા પડકારો લઇને ઊભી છે. સુનાકે બ્રિટનના કેટલાક મહત્વના સંબંધોને વધુ મજબૂત બનાવવા પડશે. બ્રેક્ઝિટ પછીના યુરોપિયન યુનિયન સાથેના રાજદ્વારી અને વ્યાપારિક સંબંધો મજબૂત બનાવવાનો સૌથી મોટો પડકાર સુનાક સરકાર સામે છે. તે ઉપરાંત યુરોપિયન યુનિયન સાથેના સંબધોમાં બ્રિટનને મદદ કરવા અમેરિકાએ હાથ ઊંચા કરી દીધાં છે. રશિયા સામેના યુક્રેનના યુદ્ધમાં મદદ અંગે સુનાક સરકારને સ્પષ્ટ કૂટનીતિક નિર્ણયો લેવા પડશે જેથી યુરોપમાં રશિયાના પ્રભુત્વને ખાળવામાં મદદ મળી શકે. તે ઉપરાંત સુદૂર પૂર્વમાં મહાકાય આર્થિક અને લશ્કરી શક્તિ તરીકે ઉભરી આવેલા ચીન સામે પણ વ્યૂહરચના મજબૂત કરવાનો પડકાર સુનાક સરકાર સામે છે. સુનાક સરકારના વિદેશ મામલા અંગેના નિર્ણયો બ્રિટનની આંતરરાષ્ટ્રીય છબિ પર મોટા પ્રભાવ પાડશે.
હવે કરીએ ભારત સાથેના સંબંધોની વાત. ભારત અને બ્રિટન વચ્ચે સૌથી મહત્વનો મુદ્દો હાલ ઇમિગ્રેશનનો છે. આ મામલે જ બંને દેશ વચ્ચેનો મુક્ત વેપાર કરાર ઘોંચમાં પડ્યો છે. રિશી સુનાક બ્રિટનના વડાપ્રધાન બનતાં જ બ્રિટનના ભારતીય સમુદાય અને ભારતમાં ખુશીની એક લહેર દોડી ગઇ છે પરંતુ શું રિશી સુનાક ઇમિગ્રેશનના મામલામાં ખરેખર ભારતીયોને લાભકારી નિર્ણયો લેશે કે કેમ તે એક મોટો સવાલ છે. તેમણે જે રીતે હોમ સેક્રેટરી પદે સુએલા બ્રેવરમેનની નિયુક્તિ કરી તે જોતાં તો એમ લાગી રહ્યું છે કે સુનાકના વડાપ્રધાન બનવાથી ભારતીય ઇમિગ્રન્ટોને કોઇ વિશેષ લાભ થવાની શક્યતા નથી. ભારત-બ્રિટન મુક્ત વેપાર કરાર માટે દીવાળીની ડેડલાઇન નક્કી થઇ હતી પરંતુ ઇમિગ્રેશનની જોગવાઇઓ અંગે ભારતીય મૂળના જ સુએલા બ્રેવરમેને અડિંગો લગાવતાં કરાર હાલ તો ઘોંચમાં પડ્યો છે. ભારતીય ઇમિગ્રન્ટો અંગેના સુએલા બ્રેવરમેનના નિવેદનોએ મોટો વિવાદ સર્જ્યો હતો. જેના ભારતમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યાં હતાં. સુએલા બ્રેવરમેનની પુનઃ નિયુક્તિ દ્વારા સુનાકે સ્પષ્ટ સંકેત તો આપી જ દીધો છે કે ભારતીય ઇમિગ્રન્ટોને કોઇ વિશેષ છૂટછાટો પ્રાપ્ત નહીં થાય.
રિશી સુનાક કરતાં પણ લિઝ ટ્રસ ભારત તરફી વધુ ઝોક ધરાવતા હતા. વડાપ્રધાન બન્યા પછી સુનાકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારત સાથેના સંબંધો બેતરફી રહેશે. તેનો અર્થ એ થયો કે ભારત એક હાથે બ્રિટનને જેટલું આપશે તેટલું જ સામે પક્ષે બ્રિટન આપશે. આમ પણ રિશી સુનાક તેમના રાજકીય કાર્યકાળમાં ભારત સાથેના સંબંધો પર ક્યારેય જાહેરમાં ખુલીને બોલ્યાં નથી. ચાન્સેલર હતા તે બે વર્ષના સમયગાળામાં તેમણે ક્યારેય ભારતની મુલાકાત લીધી નથી. તેથી હવે ભારત અને બ્રિટન વચ્ચેના સંબંધોનો આધાર મુક્ત વેપાર કરાર પર રહેલો છે. રિશી સુનાક બે દેશો વચ્ચેના સંબંધોમાં ભારતીય મૂળને વચ્ચે લાવીને લાગણીશીલ વ્યવહારો કરે તેવી સંભાવનાઓ નહીંવત છે.
