વણિક કાઉન્સિલે જૈન-હિન્દુ સમાજમાં લાઇવ કિડની દાનના દીપ પ્રગટાવ્યાં

- જ્યોત્સના શાહ Wednesday 02nd November 2022 07:18 EDT
 
 

રવિવાર તા. ૧૬ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ સાઉથ હેરોના ધામેચા લોહાણા સેન્ટરમાં વણિક કાઉન્સિલ અને NHSબ્લડ એન્ડ ટ્રાન્સપ્લાન્ટના ઉપક્રમે કિડનીની સમસ્યાઓ અને સારવાર વિષયક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. યુ.કે.માં ૧.૫ મિલિયન લોકો કિડનીના રોગથી પીડાય છે. મતલબ દર ૧૫ વ્યક્તિમાંથી એકને એની અસર છે. હાર્ટ એટેક કે સ્ટ્રોક કરતા કિડની રોગને કારણે મૃત્યુની સંભાવના ૨૦ ગણી વધારે હોય છે. એમાંય એશિયનોમાં એનું પ્રમાણ પાંચ ગણું વધારે છે.
વણિક કાઉન્સિલના ચેરમેન શ્રી મનહરભાઇ મહેતાએ આ કોન્ફરન્સ યોજવા પાછળનો હેતુ સમજાવતા જણાવ્યું કે, સમાજમાં જીવંત કિડની દાન વિષે જાગ્રતતા ફેલાવવા અમે એનું આયોજન કરેલ છે.
આ પ્રસંગે હેરોના મેયર કાઉન્સિલર જેનેટ મોટ, જી.પી. ડો.હિતેશ શાહ, હેમર સ્મિથ હોસ્પીટલના લાઇવ ડોનર કો-ઓર્ડીનેટર હરવિન્દર કોલ ડુલકુ (વિન્ડી), કિરિટ મોદી MBE, વણિક કાઉન્સિલના ચેર મનહરભાઇ મહેતા આદીએ લીવીંગ કિડની ડોનેશન વિષે સમજ આપી. જીવતે જીવ કોણ-કોને કિડની દાન કરી શકે? એની પ્રક્રિયા વગેરે વિષયની રજુઆત અસરકારક રીતે કરાઇ. ડો. ફ્રેન્ક ડોરે ઓપરેશનની સ્લાઇડ બતાવી એની સમજ આપી.
હરવિન્દર કોલ ડુલકુ (વિન્ડી)એ એમના સંબોધનમાં જણાવ્યું કે, "સ્વસ્થ જીવન એક ઇશ્વરીય વરદાન છે. ઇશ્વરે આપણને બે સ્વસ્થ કિડની આપી હોય તો એમાંથી એકનું દાન કરવા જેવું કોઇ પુણ્ય નથી! જેઓ પોતાની કિડની દાનમાં આપવા ઇચ્છતા હોય તો એ પ્રક્રિયા માટે સરેરાશ પાંચ વખત હોસ્પીટલની મુલાકાત એની યોગ્યતા તપાસવા કરવી પડે. દાતાની યોગ્યતાની તપાસમાં ૩ થી ૬ મહિનાનો સમય લાગતો હોય છે. કિડની દાન કર્યા બાદ હોસ્પીટલમાં ૨ થી ૫ દિવસ રહેવું પડે છે. દાતાએ જીવનભર નિયમિત ફોલોઅપ માટે ક્લીનીકમાં જવું પડે છે.
સંબંધિત વ્યક્તિઓને મૂંઝવતા સવાલો:
*હોલીડેસ માટે વિદેશનો પ્રવાસ કરી શકાય?
દાન આપ્યા પછી હું સ્વસ્થ અને સક્રિય રહી શકું? મને બાળકો થઇ શકે?
જીવનશૈલીમાં કોઇ અવરોધ આવે? આ બધા સવાલોના જવાબ હકારમાં છે.
 નિષ્ણાત ડોક્ટરોએ જણાવ્યું કે, કિડની દાનમાં ઉમરનો કોઇ બાધ નથી. ફિટનેસ ચેક કરાવવું પડે. બ્લડ ગૃપ, કિડની મેચ વગેરે તપાસ બાદ જ આગળની પ્રક્રિયા ચાલે. સારી તંદુરસ્તી હોય એવી કોઇપણ વ્યક્તિ કિડની દાન કરી શકે છે. કિડની સ્વજન, પતિ કે પત્ની, મિત્ર કે અજાણી વ્યક્તિને દાનમાં આપી શકાય છે. હેમર સ્મિથ હોસ્પીટલમાં કિડની રોગથી પીડાતા દર્દીઓને અને એમના સંબંધીઓને સપોર્ટ માટે હર્ષાબહેન કોઠારી (જેમણે એમના પતિને કિડની દાન કરેલ છે) અને ભાવેશભાઇ સેવા આપી રહેલ છે.
કિડની કઇ રીતે કામ કરે? ક્રોનીક કિડની ડીસીસ શું છે? એનું નિદાન કઇ રીતે થાય?
એના લક્ષણો, કોને વધુ થવાની સંભાવના વગેરેની માહિતી ડો.હિતેશ શાહે એમના પ્રેઝન્ટેશનમાં આપી.
કિડની શરીરના ફ્લુઇડ - પ્રવાહીનું સમતોલન જાળવવાનું કામ કરે છે.
કિડની આપણા શરીરના કચરાને બહાર ફેંકવાનું કામ કરે છે. બ્લડ પ્રેશર કાબૂમાં રાખે. નવા રક્ત કણો બનાવે..જ્યારે આપણી કિડની નોર્મલ ના હોય ત્યારે કેટલીક તકલીફો ઉભી થાય છે અને ત્રણ મહિના કરતા વધુ સમય એ સમસ્યા ચાલુ રહે તો એને ક્રોનીક ડીસીસ કહેવાય છે.
એના લક્ષણોમાં હાઇ બ્લડ પ્રેશર, યુરીનમાં બ્લડ કે પ્રોટીનનું જવું, ચહેરો, હાથ, પગ પર સોજા થવા, એનીમીયા અને થાક તથા નબળાઇ લાગવી વગેરે છે. એના કારણોમાં ડાયાબીટીસ, કેટલીક દવાઓની આડ અસર, હાઇ બ્લડ પ્રેશર, કાર્ડીયો વેસ્ક્યુલર રોગ, મોટાપો, ધૂમ્રપાન, ફેમીલી હીસ્ટ્રી વગેરે છે.
દર વર્ષે કિડની બરાબર ફંકશન કરે છે કે કેમ તેની તપાસ દરેકે કરાવવી જોઇએ.
દર વર્ષે કિડની રોગને કારણે ૧.૪ મિલિયન પાઉન્ડનો ખર્ચ NHSને થાય છે.
લાઇવ કિડની દાતાઓએ પોતપોતાના અનુભવ અને સંવેદનાસભર રજુઆત કરી ત્યારે ઉપસ્થિત સૌના હૈયામાં એમના પ્રત્યે ભારોભાર માન ઉપજ્યું સાથોસાથ માનવતાનું ઝરણું સાક્ષાત વહી રહ્યાની અનુભૂતિ થઇ.
કિડની દાતાઓની પ્રેરક કહાની અને એમનું સન્માન
ઉષાબહેન સૂરેન્દ્રભાઇ મહેતાએ ૨૦૦૮માં એમના પતિને કિડની દાન કર્યું હતું. એમણે જણાવ્યું કે, કિડની દાન આપ્યાથી એમના જીવનની દૈનિક ગતિ-વિધિમાં કોઇ અવરોધ આવ્યા નથી. હું નિયમિત યોગા કરું છું. વિદેશ પ્રવાસ કરું છું.
*શ્વેતલે એની સખી ગીતાને કિડની દાન કર્યું એની રોમાંચક વિગતો સાંભળી થયું કે, “મિત્ર હો તો ઐસા હો". ૨૦૧૭માં એમનું કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું અને ગીતાને નવજીવન મળ્યું.
*દક્ષા વરસાણીએ અજાનબી એવા રવિ સિંઘને કિડની દાન કર્યું. રવિ સિંઘે પોતાની આપવીતિમાં જણાવ્યું કે, જ્યારે મારું જીવન કટોકટીભર્યા સંજોગોમાં હતું ત્યારે એક ચમત્કાર થયો! જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતો હતો ત્યારે દક્ષા મારા માટે એન્જલ બનીને આવી. એ મારી બીજી મા છે. વિશ્વમાં માનવ ધર્મથી મોટો કોઇ ધર્મ નથી.
ત્યારબાદ ડોક્ટરો અને અનુભવીઓની પેનલ સાથે પ્રશ્નોત્તરી થઇ. અનુપ મહેતાએ આ કોન્ફરન્સની સફળતાનો સર્વે કર્યો. કેટલાને આ હકીકતો જાણી કિડની દાન કરવાની પ્રેરણા થઇ?
કાર્યક્રમના આરંભે વણિક કાઉન્સિલના વિજયભાઇ શેઠે નવકાર મંત્ર અને ગાયત્રી મંત્રના ગાનથી કર્યો. સ્વાગત પૂર્ણિમાબહેને કર્યું. વિવિધ સમાજના અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્ય થયું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હર્ષાબહેન કોઠારી અને જ્યોત્સનાબહેન શાહે કર્યું. આભાર વિધિ અનુપભાઇ મહેતા અને વિજયભાઇ શેઠે કરી હતી. લગભગ ૩૦૦ જેટલા ભાઇ બહેનોની હાજરી વચ્ચે યોજાયેલ કાર્યક્રમ સફળતાને વર્યો. મનહરભાઇની આગેવાની હેઠળ સૌ કમિટી સભ્યોએ સખત જહેમત ઉઠાવી એ સૌને અભિનંદન.


comments powered by Disqus