યુરોપિયન ચેમ્પિયનશિપ્સની ફાઈનલમાં ઈંગ્લેન્ડની મહિલા ફૂટબોલ ટીમે ઈતિહાસ રચીને જર્મનીને ધૂળ ચાટતું કરી દીધું છે. ઈંગ્લેન્ડવાસીઓએ ટ્રફાલ્ગર સ્ક્વેરમાં ખુશખુશાલ થઈને ઉજવણી કરી છે તેનું કારણ પણ છે. આ વિજય યુકે અને વિશ્વની ફૂટબોલપ્રેમી મહિલાઓ માટે અણમોલ પળ હતી. એક સમયે 1971ના વિમેન્સ વર્લ્ડ કપ ગુમાવીને ‘લોસ્ટ લાયોનેસીસ’નું બિરુદ મેળવનારી ઈંગ્લેન્ડની મહિલા ફૂટબોલ ટીમનો પોતાની જ રાખમાંથી પુનર્જન્મ લેતાં ફિનિક્સ પક્ષીની માફક પુનર્જન્મ થયો છે.
ક્વીને વિજેતા લાયોનેસીસને અભિનંદનનો સંદેશ પાઠવી તેમના ઉત્સાહને વધાર્યો છે. તેમના કહેવા મુજબ આ વિજય વર્તમાનની અને ભાવિ પેઢીની છોકરીઓ અને સ્ત્રીઓ માટે પ્રેરણારુપ ઉદાહરણ બની રહેશે. આ ફૂટબોલ રમતની નિયંત્રક સંસ્થા ફૂટબોલ એસોસિયેશને 1921માં ‘મહિલાઓ માટે અયોગ્ય રમત’ ગણાવીને લગભગ અડધી સદી સુધી પ્રતિબંધિત કરી દીધી હતી. મહિલા ફૂટબોલને ચાર વર્ષ પહેલા જ સંપૂર્ણ પ્રોફેશનલ જાહેર કરાઈ હતી છતાં, 17.4 મિલિયન લોકોએ આ ફાઈનલનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આ વર્ષમાં અત્યાર સુધી સૌથી વધુ જોવાયેલા કાર્યક્રમ તરીકે તેણે પ્રથમ સ્થાન મેળ્યું છે જે અત્યાર સુધી ક્વીન્સ જ્યુબિલી કોન્સર્ટનું હતું.
ઈંગ્લેન્ડની મહિલા ફૂટબોલ ટીમની સફળતાથી વધુ છોકરીઓને આ રમતના મેદાનમાં ઉતરવાની પ્રેરણા અને મહિલાઓની પ્રોફેશનલ ગેમને પ્રોત્સાહન સાંપડશે તે નિશ્ચિત છે. હવે શાળાઓમાં છોકરીઓ પણ ઉત્સાહ સાથે ફૂટબોલ રમવામાં ભાગ લેશે. જોકે, સરકારે ફૂટબોલની પીચ સહિતની યોગ્ય સુવિધાઓ વધારીને તેમને પ્રોત્સાહન આપવા આગળ આવવું પડશે. આપણે જાણી લેવું જોઈએ કે આ કોઈ વધારાનો ખર્ચ નથી પરંતુ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફૂટબોલ સ્પર્ધાઓમાં છોકરીઓ આગળ આવે અને પ્રતિષ્ઠા વધારે તે માટેનું ઈન્વેસ્ટમેન્ટ બની રહેશે. મહિલા ફૂટબોલને કચડવાના ઘણા પ્રયાસો થયા છે પરંતુ, લાયોનેસીસને સારીના વેઈગમાન જેવી કોચ મળી હોય ત્યારે કશું અશક્ય જણાતું નથી. વેઈગમાને હોલેન્ડને 2017માં યુરો કપ અપાવ્યો હતો અને 2022માં ઈંગ્લેન્ડની ‘સિંહણો’ને આ કપ અપાવ્યો છે. ધ લાયોનેસીસે 1966 પછી ઈંગ્લેન્ડ માટે પ્રથમ મહત્ત્વની ટ્રોફી હાંસલ કર્યા પછી તેની નજર આગામી ઓગસ્ટમાં વિમેન્સ વર્લ્ડ કપને ઘરમાં લાવવાની છે. ઈંગ્લેન્ડની ખેલાડી કોલે કેલીએ તો કહી જ દીધું છે કે આ મેડલ તરફ જોવાથી જ ભૂખ વધી જાય છે. એક મેડલથી શું થશે - અમારે તો અઢળક જોઈએ છે અને વર્લ્ડ કપ ક્યાં દૂર છે?
