વિશ્વમાં મંદીના સંકેતો સામે અડીખમ ભારત

Wednesday 03rd August 2022 06:23 EDT
 

યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ 160 દિવસ વીતી જવાં છતાં અટકવાની સંભાવના જણાતી નથી પરંતુ, વિશ્વના સમૃદ્ધ, વિકસિત, વિકાસશીલ અને ગરીબ દેશો પર તેની વિષમ અસરો જોવા મળે છે. યુદ્ધના કારણે વૈશ્વિક અર્થતંત્રમાં વેપારમુદ્દે અસમાનતા સર્જાઈ છે અને સર્વત્ર મંદીનો ખતરો તોળાઈ રહ્યો છે. યુએસ, યુકે, યુરોપ અને ચીનના વિકસિત અર્થતંત્રો ઈન્ફ્લેશન અને બેરોજગારીમાં વધારા અને જીવનનિર્વાહ કટોકટી સાથે મંદીના સંકેતોની ગંભીર સ્થિતિનો સામનો કરી રહ્યાં છે. આનાથી વિપરીત, પડકારો હોવાં છતાં, ભારતનું અર્થતંત્ર મજબૂતી દર્શાવવા સાથે 5 ટ્રિલિયન ઈકોનોમીના લક્ષ્ય તરફ સ્થિરપણે આગળ વધી રહ્યું છે. પશ્ચિમ જે સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે અને ભારત જે અનુભવી રહ્યું છે તેના વચ્ચે નોંધપાત્ર તફાવત છે.
મંદીના સંકેતો કોઈ નવી બાબત નથી. વિશ્વના મોટા ભાગના દેશો પર કોવિડ મહામારીએ બે વર્ષ સુધી આર્થિક નીતિઓ પર મજબૂત અંકુશ જમાવ્યો હતો. જો વૈશ્વિક સપ્લાય ચેઈનને જાળવી રાખી શકાઈ હોત તો આટલી ગંભીર પરિસ્થિતિનો સામનો કરવાનો આવ્યો ન હોત. હવે મહામારીનું સ્થાન યુક્રેનયુદ્ધે લીધું છે જેની વિષમ અસરો અગ્રણી અર્થતંત્રો પર પડી છે. એનર્જીની કિંમતો આસમાને પહોંચી છે અને ફૂગાવાના દરને વધતો રોકવાનું જાણે સરકારોના હાથમાં રહ્યું જ નથી. રશિયા સામે પશ્ચિમી દેશોએ 8000થી વધુ પ્રતિબંધો લાદ્યા છે જે રશિયા માટે નવું નથી. જોકે, રશિયાના બદલે ખુદ પશ્ચિમી દેશોને જ અવળી અસર થઈ રહી છે. વિકાસશીલ અને ગરીબ દેશો માટે ખાદ્યાન્ન સંકટ હાથવેંતમાં તોળાઈ રહ્યું છે.
બ્લૂમબર્ગના સર્વેક્ષણો મુજબ યુરોપ આગામી વર્ષ સુધીમાં મંદીમાં સરકી જાય તેનું 55 ટકા જોખમ છે જ્યારે યુએસએ માટે 40 ટકા, ચીન, તાઈવાન અને ઓસ્ટ્રેલિયા માટે આ જોખમ 20 ટકા અને ન્યૂ ઝીલેન્ડ માટે 33 ટકાનું છે. બ્લૂમબર્ગના સર્વેમાં ભારતની આર્થિક આબોહવા માટે પોઝિટિવ નીરિક્ષણ કરાયું છે અને ભારતમાં મંદી આવે તેની શક્યતા શૂન્ય ટકા દર્શાવી છે. સંશોધકો કહે છે કે ભારતીય ચલણ રુપિયો પ્રતિ ડોલર 80ની કિંમતે પહોંચી જવા છતાં ભારતમાં મંદીની શક્યતા ઘણી જ ઓછી છે.
એ હકીકત છે કે IMF દ્વારા વર્તમાન નાણાવર્ષ માટે ભારતના આર્થિક વૃદ્ધિ દરની આગાહી 8.2 ટકાથી ઘટાડી 7.4 ટકા કરવામાં આવી હોવાં છતાં, 2022-23 તેમજ 2023-24ના ગાળામાં વિશ્વમાં સૌથી ઝડપે વિકસતા અર્થતંત્રોમાં ભારતનું પણ સ્થાન રહેશે. ભારતના ઉત્પાદન સેક્ટરે નાણાંકીય વર્ષ 2021-22 દરમિયાન 21.34 બિલિયન ડોલરનું સીધુ વિદેશી રોકાણ (FDI) આકર્ષ્યું છે, જે વાર્ષિક ધોરણે 76 ટકાનો વધારો દર્શાવે છે. કુલ FDIમાં સિંગાપોર અને અમેરિકાનો અનુક્રમે 27 ટકા અને 17.94 ટકાનો ફાળો છે જેમના પછી મોરેશિયસ (15.98 ટકા), નેધરલેન્ડ્સ (7.86 ટકા) અને સ્વિટ્ઝર્લેન્ડ (7.31 ટકા)નો હિસ્સો હતો.
ભારતનું સ્વપ્ન 5 ટ્રિલિયન ડોલર ઈકોનોમીનું લક્ષ્ય હાંસલ કરવાનું છે જેના માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘આત્મનિર્ભર ભારત’ના મંત્રની સાથોસાથ પ્રત્યેક ભારતીયની મદદ મળી રહે તે માટે હાકલ કરી છે. IMFના જણાવ્યા અનુસાર ભારતના અર્થતંત્રનું કદ 2024માં વધીને 4.7 ટ્રિલિયન ડોલરે પહોંચી જશે. વડા પ્રધાન મોદીએ પણ આ જ વર્ષમાં 5 ટ્રિલિયન ડોલરનું લક્ષ્ય હાંસલ કરી લેવાશે તેમ કહ્યું હતું. દેખીતી રીતે જ ભારત તેના વર્તમાન ઈતિહાસમાં સૌથી મહત્ત્વના લક્ષ્યાંકોમાંથી એકને પાર પાડવાની ફિનિશ લાઈન સુધી ઝડપથી પહોંચી રહ્યું છે. બીજી તરફ, ભારતીય અર્થતંત્રનું કદ 2026 સુધીમાં વધીને 5.1 ટ્રિલિયન ડોલરે પહોંચી જવાની
આશા છે.
વિશ્વભરમાં યુએસએ, યુરોપ અને ચીન સહિતના અર્થતંત્રો સંકોચાઈ રહ્યાં છે ત્યારે ભારતીય અર્થતંત્ર મજબૂતપણે વિકસી રહ્યું છે. એત તરફ, પતન અને નિરાશાનો વિષાદ છે તો બીજી તરફ, આશા, આશાવાદ અને અપાર સંભાવનાઓનું વિશ્વ છે. પશ્ચિમી દેશો નૈતિક, રાજકીય, સામાજિક અને સૌથી મહત્ત્વપૂર્ણ આર્થિક ક્ષેત્રે અવનતિનું પ્રતીક બની રહ્યા છે ત્યારે ભારત જુસ્સા, મજબૂતી અને નૈતિકતાના માર્ગે ચાલીને પોઝિટિવ આર્થિક પરિણામોનું પ્રતીક બની રહ્યું છે.


comments powered by Disqus