ઓન્ટારિયો (કેનેડા)ઃ ગુજરાત રાજ્યના 62મા સ્થાપનાદિને કેનેડામાં ઓન્ટોરિયોના મારખમ ખાતે સનાતન મંદિર અને કલ્ચરલ સેન્ટરની ભૂમિ પર ભારતના લોહપુરુષ-ભારતરત્ન સરદાર શ્રી વલ્લભભાઈ પટેલની આદમકદ પ્રતિમાનું રવિવાર 1 મેના રોજ અનાવરણ કરવામાં આવ્યું છે. ભારતના કેનેડાસ્થિત હાઈ કમિશનર શ્રી અજય બિસારિયાના હસ્તે અનાવરણવિધિ યોજાયો હતો. વિદ્યા ફૂડ ઈન્ક.ના પરિવાર તેમજ શ્રીમતી કમુબહેન ચીમનભાઈ પરિવાર આ પ્રતિમા અનાવરણના મુખ્ય દાતાઓ હતાં.
ભારતના મહાન સપૂત, સ્વતંત્ર દેશના પ્રથમ નાયબ પ્રાઈમ મિનિસ્ટર, ગૃહપ્રધાન સરદાર શ્રી વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ ખરેખર તેમના માટે સાચી શ્રદ્ધાંજલિ બની રહેલ છે જેમણે અદ્ભૂત રાજકીય કુશળતા દાખવી ભારતના 562 રજવાડાંઓને ભારતીય સંઘમાં વિલિન કરી દીધાં હતાં. આ પ્રસંગે મંદિર દ્વારા ઉત્સાહપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પાઠવેલો વીડિયો મેસેજ અને આશીર્વાદ મોટા સ્ક્રીન પર દર્શાવાયા હતા.
આ પછી, ગુજરાતના મુખ્ય પ્રધાન અને મારખમ સિટીના મેયરના મેસેજ પણ પ્રદર્શિત કરાયા હતા. સરદાર પટેલની પ્રતિમા માટે અલાયદો પ્રોજેક્ટ ઉભો કરાયો હતો અને નાના-મોટા ઉદાર દાન તેમજ સ્પોન્સર્સ અને આ નિમિત્તે પ્રકાશિત સોવિનીઅરમાં વિજ્ઞાપનો થકી ખર્ચને આવરી લેવાયો હતો. મહામારીના કારણે પ્રતિમાનું અનાવરણ લગભગ બે વર્ષ ઠેલાયું હતું. સનાતન મંદિરના ટ્રસ્ટીઓ, કમિટી સભ્યો અને સમર્પિત સ્વયંસેવકોએ આ પ્રોજેક્ટને મૂર્તિમંત કરવા ભારે જહેમત ઉઠાવી છે.
ફેડરલ ગવર્મેન્ટ, પ્રાંતિય સરકાર અને મ્યુનિસિપલ ગવર્મેન્ટના પદાધિકારીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કેનેડામાં સમૃદ્ધ ભારતીય સંસ્કૃતિ અને વારસાને જીવંત બનાવી રહેલી બીજી અને ત્રીજી પેઢીની ઈન્ડો-કેનેડિયન બાળાઓ સહિત વિવિધ ગ્રૂપ્સ દ્વારા ભારતીય પરંપરાના સંસ્કૃતિક નૃત્યોની રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે 600થી વધુ ઈન્ડો-કેનેડિયન્સ અને ભાવિકો સરદાર પટેલ પ્રતિ સન્માન સાથે શ્રદ્ધાંજલિ દર્શાવવા ઉપસ્થિત રહ્યા હતા. સનાતન મંદિરની કમિટીના સભ્યો અને અન્ય મહાનુભાવોએ માતૃભૂમિ ભારતના ચરણોમાં સરદાર પટેલની નિઃસ્વાર્થ સેવા, યોગદાન અને તેમના જીવનના પ્રસંગોને યાદ કર્યા હતા. પ્રતિમાના અનાવરણવિધિ પછી ઈશ્વરીય આશીર્વાદ સ્વરુપે વરસાદે સહુંને ભીંજવ્યા હતા.
આ પ્રસંગે મહાપ્રસાદમાં 600થી વધુ લોકોએ શીરો, પૂરી, ફૂલવડી, રાયતું, સ્વાદિષ્ટ શાક, દાળ અને ભાતની પરંપરાગત ભારતીય વાનગીઓનો આસ્વાદ માણ્યો હતો.
થોડા વર્ષ અગાઉ, શ્રી સી.બી. પટેલ પ્રથમ ગ્લોબલ ગુજરાતી એવોર્ડ સ્વીકારવા કેનેડાની મુલાકાતે આવ્યા હતા ત્યારે અમે તેમને સનાતન મંદિરમાં તમામ દેવીદેવતાઓના દર્શન કરાવવા લઈ ગયા હતા. તેઓ આ મંદિર નિહાળીને તેમજ વિવિધ ઉત્સવો અને પ્રસંગોએ મંદિર દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓથી પ્રભાવિત થયા હતા.

