નવી દિલ્હી: ભારત સરકારના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઇડી) મની લોન્ડરિંગ કેસમાં બોલિવૂડ અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિઝની 7.27 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. આ કાર્યવાહી કૌભાંડી સુકેશ ચંદ્રશેખર સામે ચાલતા મની લોન્ડરિંગ કેસના સંદર્ભે થઈ છે. સુકેશે આર્થિક ગેરરીતિ આચરીને મેળવેલા નાણાંમાંથી અભિનેત્રી જેકલિનને 5.71 કરોડ રૂપિયાની મૂલ્યવાન ગિફ્ટ્સ આપી હોવાથી ઈડીએ આ કાર્યવાહી કરી હોવાના અહેવાલ છે. તપાસ એજન્સી ઈડીના કહેવા પ્રમાણે સુકેશ ચંદ્રશેખર સામે મની લોન્ડરિંગનો કેસ ચાલી રહ્યો છે. સુકેશ આ કેસમાં જેલમાં છે. તેણે બળજબરીથી વસૂલી કરી હોવાનો આરોપ લાગ્યો હતો. કેસની તપાસમાં ઈડીને જણાયું હતું કે સુકેશે અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિઝને રૂ. 5.71 કરોડની મોંઘી ગિફ્ટ્સ આપી હતી. આ રકમનો સીધો સંબંધ સુકેશના મની લોન્ડરિંગ કેસ સાથે હોવાથી ઈડીએ અભિનેત્રીની સંપત્તિ ટાંચમાં લીધી છે.
જપ્ત થયેલી સંપત્તિમાં 7.12 કરોડ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝીટ અને 15 લાખ રૂપિયાની રોકડનો સમાવેશ થાય છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત આ કાર્યવાહી કરાઇ છે. એજન્સીએ કહ્યું હતું કે આ રકમ સુકેશે ગુનાઈત પ્રવૃત્તિમાં મેળવી હોવાથી એને ટાંચમાં લેવાઈ છે. સુકેશે જેકલિન ફર્નાન્ડિઝ વતી એક વેબસીરિઝની સ્ક્રિપ્ટ લખવાના બદલામાં ૧૫ લાખ રૂપિયાની રકમ આપી હતી. સુકેશે અભિનેત્રીના પરિવારના સભ્યોને પણ મોંઘી ગિફ્ટ્સ આપી છે. જેમાં મોંઘી જ્વેલરી, લક્ઝુરિયસ કાર સહિતની ગિફ્ટની કિંમત અંદાજે 5.71 કરોડ થવા જાય છે. આ કેસ 2019નો છે અને ઈડીના અધિકારીઓ અગાઉ જેકલિનની પૂછપરછ કરી ચૂક્યા છે.
સુકેશ ચંદ્રશેખર અત્યારે દિલ્હીની જેલમાં બંધ છે. તેની સામે 215 કરોડ રૂપિયાની છેતરપિંડી અને મની લોન્ડરિંગનો કેસ ચાલે છે. ઈડીએ કેસના સંદર્ભમાં કહ્યું હતું કે જેકલિન સામે આ પ્રારંભિક કાર્યવાહી છે. આગામી સમયમાં હજુ આકરી કાર્યવાહી થઈ શકે છે. જેકલિનને હજુ સુધી આ કેસમાં આરોપી બનાવાઇ નથી. જોકે, ઈડીએ હજુ જેકલિનને આ કેસમાં સંડોવણી મુદ્દે ક્લીનચિટ પણ આપી નથી.

