પરિવારના વિભાજનની સમસ્યા

Wednesday 04th May 2022 05:59 EDT
 

ભારતીય પુરાણોમાં કહેવાયું છે કે સમગ્ર વિશ્વ અથવા વસુધા (પૃથ્વી) એક પરિવાર છે પરંતુ, વાસ્તવમાં તેનો અમલ કરાતો નથી. માનવજાત સ્વરુપે આપણો વિશાળ પરિવાર કહી શકાય છે. આખરે તો સમાજનું સૌથી નાનું એકમ વ્યક્તિ છે અને આ વ્યક્તિઓ સંબંધથી એકરુપ થાય ત્યારે પરિવાર બને છે. પરિવારના નિર્માણમાં અનેક મુશ્કેલી અથવા અવરોધોનો સામનો કરવાનો થાય છે. આમ છતાં, માંડ માંડ બનાવેલો માળો વીંખાઈ જાય તો કોને દોષ આપવો? સમગ્ર વિશ્વમાં ભારતીયો સંયુક્ત પરિવારમાં રહેવાનું પસંદ કરે છે કારણકે આ તેમનો સાંસ્કૃતિક વારસો-ધરોહર છે. વિશ્વમાં કોઈ સ્વરુપ સ્થાયી નથી અને આ ધોરણે પરિવાર પણ સ્થાયી રહ્યો નથી. તેમાં બદલાવ આવતા રહ્યા છે. સંયુક્ત પરિવારના સ્થાને વિભક્ત પરિવાર અને હવે ન્યુક્લીઅર અથવા તો એકલ પરિવારનો યુગ આવ્યો છે.
પરિવારમાં વિભાજન શા માટે થાય છે તેનો ઉત્તર ઘણો પેચીદો બની રહેશે. સામાન્ય હાલતમાં પરિવારના સભ્યોને દૂર દૂરના સ્થળે નોકરીઓ કરવા જવાની ફરજ પડે ત્યારે પારિવારિક વિભાજનની શરૂઆત થાય છે. નિષ્ણાતોનું માનવું છે કે આર્થિક વિકાસ, શહેરીકરણ, શિક્ષણ અને સાંસ્કૃતિક બદલાવોની સાથોસાથ પરિવારોમાં વિઘટન થતું રહે છે. એક વર્ગ એમ કહે છે કે સંયુક્ત પરિવાર વિખરાઈ જશે પરંતુ, સંશોધનો કહે છે કે સંયુક્ત પરિવારની પ્રથા કે પરંપરામાં ખાસ બદલાવ આવ્યો નથી.
કોઈ પણ પરિવારમાં સાથે રહેતા હોઈએ ત્યારે અલગ અલગ માનસિકતા હોવાના કારણે અને લગ્નો પછી પરિવારમાં નવા સભ્યોનું આગમન થતું હોય ત્યારે વાસણો ખખડે તે સ્વાભાવિક મનાય છે પરંતુ, તે વિબાજન તરફ દોરી જનાર પરિબળ નથી. પરિવારના મોભી હોય ત્યાં સુધી પરિવારમાં સંપ રહે છે અને તે પછી સભ્યો અલગ રહેવા જતાં હોય છે પરંતુ, તેમના વચ્ચે કટુતા કે દુશ્મનાવટ સર્જાતી નથી.
સામાન્યપણે પશ્ચિમી દેશોમાં માતાપિતા અને સંતાનો અલગ રહેતા જોવા મળે છે. સંતાનો વયસ્ક થવા સાથે જ માતાપિતાનો સાથ છોડી જાય છે અને પોતાનો નવો પરિવાર વસાવે છે. આ સ્વાભાવિક છે. પક્ષીઓનાં માળા જોઈશું તો ત્યાં પણ આ જ પ્રક્રિયા જોવા મળે છે. આમ છતાં, મુશ્કેલીના સમયમાં બધા સાથે થઈ જાય છે. કોરોના મહામારીનું ઉદાહરણ લઈએ તો બ્રિટનમાં પણ વયસ્ક સંતાનો પેરન્ટ્સ સાથે રહેવા પાછા ફર્યા હતા.
સમસ્યાઓ થતી હોય ત્યારે તેના ઉકેલમાં ‘મન ચંગા તો કઠોતીમે ગંગા’ જેવી રચનાત્મકતા દાખવવી આવશ્યક છે. પારિવારિક બિઝનેસીસમાં પણ નાણા, સંપત્તિ કે વારસાના કારણે સમસ્યાનો ઉદ્ભવ થતો હોય તો સાથે મળીને તેનો ઉકેલ લાવવો જોઈએ.


comments powered by Disqus