વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2022માં પહેલી વિદેશયાત્રાનો આરંભ યુરોપના ત્રણ દેશ જર્મની, ડેનમાર્ક અને ફ્રાન્સની મુલાકાત સાથે કર્યો છે. યુરોપના ત્રણ દેશની મુલાકાત દરમિયાન વડાપ્રધાન કુલ 65 કલાકમાં 25 મીટિંગ્સમાં સામેલ થયા છે તેમજ 8 વૈશ્વિક નેતાઓ સાથે મુલાકાતો પણ યોજી છે. ભારતમાં આ સમય આગઝરતી ગરમીનો છે ત્યારે ડેનમાર્કમાં દ્વિતીય ઈન્ડિયા-નોર્ડિક સમિટનું આયોજન કરાયું હતું જેનો મુખ્ય સૂર ક્લાઈમેટ ચેઈન્જના વૈશ્વિક પડકારો સામે એકસંપ થઈને લડવાનો હતો. ડેનમાર્ક, સ્વીડન, ફિનલેન્ડ અને આઈસલેન્ડ સહિતના નોર્ડિક રાષ્ટ્રો ગ્રીન એનર્જી તરફની પ્રતિબદ્ધતા માટે જાણીતા છે અને ભારત તેમની સાથે સહકાર સાધી રહ્યું છે. આ સમિટમાં આર્થિક સુધારા, જળવાયુ પરિવર્તન, ઈનોવેશન, ટેક્નોલોજી, રિન્યુએબલ એનર્જી સહિતના મુદ્દાઓ પર ફોકસ રહ્યું છે. આમ, ભારત અને યુરોપીય દેશોની નજર હરિયાળાં ભાવિ તરફની રહી છે.
જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે મુલાકાત પછી ભારત અને જર્મની વચ્ચે ગ્રીન ઊર્જા સંબંધિત મહત્ત્વપૂર્ણ કરાર થયા છે. ભારત અને જર્મની સાથે મળીને ગ્રીન હાઈડ્રોજન ટાસ્કફોર્સની રચના કરવાના છે. જર્મની સાથે દ્વિપક્ષી કરાર અન્વયે ભારતને 2030 સુધીમાં સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપવા માટે 10.5 બિલિયન ડોલરની નાણાકીય સહાય પણ ઉપલબ્ધ થશે. મોદી સાથે વાતચીત પછી જર્મન ચાન્સેલરે ભારતને અર્થતંત્ર, ડિફેન્સ અને ક્લાઈમેટ પોલિસીના સંદર્ભે એશિયામાં જર્મનીનું મુખ્ય પાર્ટનર ગણાવ્યું છે.
જર્મન ચાન્સેલર યુક્રેન પર રશિયાના આક્રમણ સંદર્ભે યુએસ અને ઈયુ દ્વારા અપનાવાયેલા કડક વલણને ભારતનો સાથ મળે તે માટે આતુર હતા પરંતુ, મોદી અત્યાર સુધી મોસ્કો વિરુદ્ધ કોઈ પણ ટીકા કરવાથી અળગા રહ્યા છે. તેમણે બર્લિનમાં પણ રશિયા અને યુક્રેનને યુદ્ધનો અંત લાવવા અનુરોધ કરવા સાથે સ્પષ્ટ કહ્યું છે કે આ યુદ્ધમાં કોઈ પક્ષ વિજેતા નહિ બને. ડેનમાર્કમાં પણ વડા પ્રધાન મોદીએ ભારતના જાણીતા તટસ્થ વલણનો પુનરુચ્ચાર જ કર્યો છે.
જર્મન ચાન્સેલરે ભારતના રશિયા સાથેના સુદીર્ઘ સંબંધોમાં ફાચર મારવાના પ્રયાસરુપે વડા પ્રધાન મોદીને G7 રાષ્ટ્રજૂથના નેતાગણની જૂન મહિનાના અંતે યોજાનારી શિખર પરિષદમાં વિશેષ મહેમાન તરીકે આમંત્રિત કર્યા છે. G7નું વર્તમાન પ્રમુખપદ ધરાવતા જર્મનીએ આ શિખર પરિષદમાં ઈન્ડોનેશિયા, સાઉથ આફ્રિકા અને સેનેગલને પણ આમંત્રણ આપ્યું છે.
ફ્રાન્સમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રમુખ ઈમાન્યુએલ મેક્રોં વચ્ચેની મુલાકાત અગાઉ જ ભારતના સબમરીન પ્રોજેક્ટમાં જોડાવા ફ્રાન્સના નેવલ ગ્રુપે અસમર્થતા જાહેર કરી હોવાથી ભારતે પોતાના માટે જરૂરી નવી ટેકનોલોજીની શોધ કરવી પડશે. ફ્રાન્સના સહયોગથી છ સબમરીનના સ્થાનિક નિર્માણનો 43,000 કરોડ રૂપિયાનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ઘોંચમાં આવી પડ્યો છે. જોકે, આના કારણે ભારત-ફ્રાન્સના સંબંધોને કોઈ અસર પડવાની શક્યતા નથી.
તાજેતરમાં જ યુરોપના બે અગ્રણી નેતા-યુકેના પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જ્હોન્સન અને યુરોપિયન કમિશનના પ્રેસિડેન્ટ ઉર્સુલા વોન ડેર લેયેને ભારતની મુલાકાત લીધી છે. ઈયુ અને યુકેને ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવાની ઉતાવળ છે. જ્હોન્સને દીવાળી એટલે કે ઓક્ટોબર સુધીમાં વાટાઘાટો આટોપી લેવા પોતાના મંત્રણાકારોને સૂચના પણ આપી દીધી છે. બીજી તરફ, ઈયુ અને ભારત 2024ની ભારતીય સામાન્ય ચૂંટણીઓ પહેલા જ આ કામકાજ પરિપૂર્ણ કરવા સંમત થયા છે. ભારત અને ઈયુ વચ્ચે સંયુક્ત ટ્રેડ એન્ડ ટેકનોલોજી કાઉન્સિલની સ્થાપના કરવાની સંમતિ પણ સધાઈ છે. ભારત સાથે સંયુક્ત લશ્કરી સાહસો સ્થાપવાની તૈયારી અને સંભાવના પણ દર્શાવાઈ છે તેને સૂચક ગણાવી શકાય.
વડા પ્રધાન મોદીએ શાસનના સૂત્રો સંભાળ્યા પછી ભારતની વિદેશનીતિમાં ભારે પરિવર્તન આવી ગયું છે. આ બાબતે લોકો અને રાજદ્વારીઓ ‘મોદી પહેલા અને મોદી પછી’નો શબ્દપ્રયોગ કરવા લાગ્યા છે. અગાઉ પણ ભારતની વિદેશનીતિ તટસ્થ અથવા તો બિનજોડાણવાદી હતી પરંતુ, તેનો ઝૂકાવ સ્પષ્ટ દેખાતો હતો કારણકે પરિસ્થિતિ ‘ગરીબની ગાયને સહુ ડફણાં મારે’ તેવી હતી પરંતુ, હવે પરિસ્થિતિ બદલાઈ છે. આ સંદર્ભે એક હકીકત જોઈ શકાય છે કે અમેરિકાએ ભારતમાં માનવાધિકાર વિશે ચિંતા દર્શાવી તો ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે પણ અમેરિકામાં શીખો પર કરાયેલા હુમલા તરફ ધ્યાન દોરતા રોકડું પરખાવ્યું હતું કે ભારતને પણ અમેરિકામાં માનવાધિકાર હનન મુદ્દે ચિંતા છે. આજે ભારતનો અવાજ વિશ્વની મહાસત્તાઓ સહિત બધા દેશોએ સાંભળવો પડે છે.
