મેહુલ ચોક્સીની રૂ. 70 કરોડની સ્થાવર મિલકત જપ્ત થશે

Saturday 07th May 2022 10:50 EDT
 
 

મુંબઈ: હીરાના ભાગેડુ વેપારી મેહુલ ચોક્સીની માલિકીની ઈગતપુરીમાં આવેલી રૂ. 70 કરોડથી વધુ કિંમતની 100 એકરમાં પથરાયેલી સ્થાવર મિલકત જપ્ત કરવાનો આદેશ આવકવેરા ખાતાની એડજુડિકેટિંગ ઓથોરિટીએ આપ્યો છે.
આ આદેશ પ્રોહિબિશન ઓફ બેનામી પ્રોપર્ટી ટ્રાન્સેક્શન એક્ટ હેઠળ અપાયો છે. આવો આદેશ ભાગ્યે જ અપાયો હોવાનું સંભળાય છે અને આવકવેરા ખાતાના સૂત્રોને તાજેતરમાં આવો કોઈ આદેશ અપાયાનું સ્મરણ નથી. આવકવેરા ખાતું હવે આ મિલકત લીલામી માટે પોતાના તાબામાં લેશે. 2016માં કાયદામાં સુધારો કરાયો હતો અને આઈટી વિભાગે ઈગતપુરીની મિલકત 2020માં ટાંચમાં લીધી હતી.
ચોક્સી પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) ફ્રોડ કેસમાં ભાગેડુ છે અને આઈટી ઓક્શનને પડકારવા કોઈ આવ્યું નહોતું. આથી બે જ વર્ષમાં આખી પ્રક્રિયા પાર પાડવાનું કામ ઓથોરિટી માટે આસાન થઇ ગયું છે.
નાસિક મલ્ટિ સર્વિસીસ એસઈઝેડ લિ.ના નામે આ મિલકત ખરીદવામાં આવી હતી. મુંડેગાંવ ગામ ખાતે આ મિલકત આવેલી છે અને ચોક્સી કંપની ગીતાંજલિ જેમ્સે તેની ચૂકવણી કરી હતી.
બોગસ લેટર ઓફ અંડરટેકિંગ મારફત પીએનબી સાથે રૂ 6,200 કરોડનું ફ્રોડ કરવા બદલ સીબીઆઈ અને ઈડી ચોક્સી અને તેની કંપનીની તપાસ કરી રહી છે. મુંબઈ આઈટી ડિરેક્ટોરેટ કરચોરીના કેસની તપાસ કરી રહ્યું છે.
 અગાઉ આઈટીએ વિવિધ કેસોમાં કાયદા હેઠળ રોકડ અને અન્ય મિલકત ટાંચમં લીધી છે પણ તે અંતિમ આદેશ બાદ લેવાઈ છે. ૨૦૧૬માં કાયદામાં સુધારો થયા બાદ આ પહેલી વાર સ્થાવર મિલકત સંબંધી જપ્તીનો આદેશ બહાર પડાયો છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.


    comments powered by Disqus