આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નવાં સમીકરણો

Tuesday 04th January 2022 05:11 EST
 

સમય વેગથી વહેતો રહે છે પરંતુ, પરિસ્થિતિઓને આકાર લેતાં પણ સમય લાગે છે. વૈશ્વિક પરિસ્થિતિઓ અને સંજોગો પણ સમયના વહેણને અનુસરી રહ્યા છે. જે બાબતો થોડાં વર્ષો પહેલા અકલ્પનીય અને અશક્ય જણાતી હતી તે હવે નજરની સામે આવી રહી છે. આવી જ એક બાબત આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતના વધી રહેલા મહત્ત્વ અને દબદબાને સંબંધિત છે.
ચીનના લશ્કરી વિસ્તારવાદની વિરુદ્ધ વિશ્વમાં એકમત સર્જાઈ રહ્યો છે અને પહેલી વખત યુએસ અને યુકે સહિત પશ્ચિમી રાષ્ટ્રો ભારતની પડખે આવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા, યુએસ. જાપાન અને યુકેની ધરીમાં ભારતનો પણ સમાવેશ કરાયો છે. ચીન અને પાકિસ્તાને ભારતની વિરુદ્ધ વિષકારી ધરી રચી છે પરંતુ, તેને તોડવા ભારત અને મિત્રરાષ્ટ્રો સક્ષમ હોવાનું દેખાતા જ ચીને ઉશ્કેરણીના નવાં ગતકડાં શરૂ કર્યા છે. ભારત પોતાની લશ્કરી તાકાત પણ વધારી રહ્યું છે. બ્રિટિશ ડિફેન્સ નિષ્ણાતોના રિપોર્ટ કહે છે તેમ ભારતે તાજેતરમાં જ S4 કક્ષાની નવી અણુ સબમરીન લોન્ચ કરી છે જેનાથી ચીનના પેટમાં તેલ રેડાયું છે. આ સબમરીન ઈન્ડો- પાસિફિક વિસ્તારમાં ભારતનું પ્રભુત્વ વધારી દેશે તેમાં કોઈ શંકા નથી.
બીજી તરફ પણ ઈતિહાસ કરવટ લઈ રહ્યો છે. એકબીજાના કટ્ટર દુશ્મન દેશો પણ નિકટ આવી રહ્યા છે. મિડલ ઈસ્ટ ક્ષેત્રની વાત લઈએ તો શિયા (ઈરાન) અને સુન્ની (સાઉદી અરેબિયા) દેશોના સંબંધો રક્તરંજિત રહ્યા છે. જોકે, હવે આ દેશો પણ નિકટ સરકી રહ્યા છે. સાઉદી અરેબિયાના કિંગ સલમાને ઈરાનને નકારાત્મક વલણ છોડી સહકારની દિશામાં આગળ વધવા અનુરોધ કર્યો છે. આ ઘણી સારી નિશાની છે. સાઉદી કિંગે પોતાના રાજ્યમાં જ માનવ અને સ્ત્રી અધિકારોલક્ષી સુધારા દાખલ કરવા માંડ્યા છે તે પણ આવકારદાયક કહી શકાય.
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના સંબંધો પણ સુધરે તેવા એંધાણ મળી રહ્યા છે. પેલેસ્ટિની પ્રેસિડેન્ટ મહમૂદ અબ્બાસે પહેલી વખત ઈઝરાયેલની સત્તાવાર મુલાકાત લીધા પછી ૯૫૦૦ પેલેસ્ટિનીઓને રેસિડેન્સી સ્ટેટસ, બિઝનેસ પર્સન્સ માટે ટ્રાવેલ પરમિટ્સ સહિત સંબંધોના વિશ્વાસનિર્માણના કેટલાક પગલાં જાહેર કરવામાં આવ્યા છે. દરમિયાન ત્રાસવાદી સંગઠન હમાસ અને ઈઝરાયેલ વચ્ચે વધી રહેલી તંગદીલીને ઠારવા વાતચીતો શરૂ કરવામાં ઈજિપ્તે પણ મધ્યસ્થી કરી છે. આ સઘળાં આશાવાદના સમીકરણો છે જે મધ્ય-પૂર્વ અને વિશ્વને શાંતિ તરફ દોરી જઈ શકે છે.


comments powered by Disqus