ઈસુનું નવું વર્ષ ૨૦૨૨ આવી ગયું છે સાથે કેટલોક આશાવાદ પણ લાવ્યું છે. ગત વર્ષોમાં કોરોના મહામારીના કારણે અસ્તવ્યસ્ત થઈ ગયેલું માનવજીવન ધીમે ધીમે થાળે પડી રહ્યું છે. અનેક ચડઉતર સાથે પસાર થયેલું ૨૦૨૧ અનેક લોકોના ઘરમાં નિરાશા અને કરૂણ સ્થિતિ ઉભી કરીને પસાર થયું છે. ૨૦૨૧માં લોકો આરોગ્ય પ્રત્યે વિશેષ જાગૃતિ બતાવતા થયા હતા. અનેક વિપત્તિ છતાં, માનવી સજીવન છે અને પડકારોનો સામનો કરવા સદા તત્પર રહે છે.
૨૦૨૦ અને ૨૦૨૧માં મોટા ભાગે લોકડાઉન્સના કારણે લોકો વધુ મળતાવડા થયા હતા, ઈન્ડોર એક્ટિવિટીઝની સાથે વધુ વણાવાની સાથોસાથ સેવા અને દાન વિશે પણ વિચારતા થયા હતા. કોરોનાની પકડમાંથી માંડ છૂટેલા લોકો થોડી રાહતનો શ્વાસ લે ત્યાં તો ઓમિક્રોન વેરિએન્ટે દેખા દીધી ત્યારે અમેરિકા જેવા સમૃદ્ધ દેશો પણ લાચાર નજરે પડ્યા છે. યુકે સહિત યુરોપ પણ ઓમિક્રોનની પકડમાં આવી ગયું છે. સંક્રમિતોની સંખ્યા લાખોમાં પહોંચવાથી વિશ્વ ચોંકી ગયું છે પરંતુ, એક આશાએ જન્મ લીધો છે કે અગાઉના જીવલેણ ડેલ્ટા વેરિએન્ટની સરખામણીએ ઓમિક્રોનનું સંક્રમણ જીવલેણ નીવડશે નહિ. લોકોના મૃત્યુમાં ખાસ વધારો થયો નથી. જો વ્યક્તિમાં ઈમ્યુનિટી ઓછી હોય કે ઓછી થાય તો જ પરિસ્થિતિ ગંભીર બની શકે છે. ઈમ્યુનિટી વધારવા વેક્સિન્સનો સહારો પણ મળી ગયો છે તેનું વિશેષ, મહત્ત્વ છે. આમ છતાં, હવે લોકોની ધીરજનો અંત આવી ગયો છે. હવે લોકડાઉન નહિ પરંતુ, આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવાની અને જીવનનિર્વાહને મહત્ત્વ આપવાની વાત લોકહૃદયમાં રમી રહી છે.
આપણે એક કોશેટાની માફક આપણી આસપાસ શોક, ભય અજંપાના વાતાવરણનું આવરણ સર્જીએ છીએ. આ કોશેટામાંથી બહાર નીકળીશું ત્યારે પતંગિયાની માફક મુક્ત હવામાં વિહરી શકાશે. આરોગ્યની તકલીફ છતાં, આશાવાદ પ્રચંડ છે કે આ પડકાર પણ પાર કરી લઈશું. વાસ્તવિકતા એ જ છે કે આપણા આરોગ્ય અને સુખાકારીની ચાવી આપણા જ હાથમાં છે. કોઈ પણ સમસ્યા સમયે સરકાર સામે નજર માંડી રાખવાથી કશું વળતું નથી. સરકારની સાથે જ વ્યક્તિ એટલે કે આપણી જવાબદારી પણ બને છે. ગયા વર્ષે ઘણી બેજવાબદારી દાખવી, વેક્સિન લેવાનો અને ફેસ માસ્ક પહેરવાનો વિરોધ પણ કર્યો, પ્રદર્શનો કર્યા અને ટોળાંશાહીને ઉત્તેજન આપ્યું. હવે સમજદારી દાખવીએ. કોરોના નિયંત્રણોનું પાલન કરીએ.
