ભારત અને યુકેના ભાવિ વેપારી સંબંધો

Tuesday 04th January 2022 05:12 EST
 

યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળવાના બ્રેક્ઝિટ પછીના સમયગાળામાં યુકેએ વિશ્વના અન્ય દેશો સાથે વેપારી સંબંધોમાં આગળ વધવાની તત્પરતા દર્શાવી છે. યુકેના ઈન્ટરનેશનલ ટ્રેડ સેક્રેટરી એન-મેરી ટ્રેવેલીઆન વેપારી પ્રતિનિધિમંડળ સાથે ભારતની મુલાકાતે જઈ રહ્યા છે. જેમનો મુખ્ય હેતુ ભારત સાથેના વેપારી સંબંધોને નક્કર સ્વરુપ આપવાનો રહેશે. જોકે, જાહેર નહિ કરાયેલા અન્ય હેતુઓ પણ આ મુલાકાતમાં હશે જ તેમાં કોઈ શંકા નથી.
વડા પ્રધાન બોરિસ જ્હોન્સન કોરોનાના કારણે ભારતની મુલાકાત લઈ ન શક્યા પરંતુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વર્ચ્યુઅલ મીટિંગમાં તેમણે ‘રોડમેપ ૨૦૩૦’નો નક્કર પાયો નાખ્યો હતો જે આગળ જતા ભારત અને યુકે વચ્ચે મુક્ત વ્યાપાર સંધિ તરફ દોરી જનારો બની રહે તેવી આશા વ્યક્ત કરાઈ હતી. યુકેના ટ્રેડ સેક્રેટરીની ભારત મુલાકાતમાં આ બીજને વટવૃક્ષમાં રુપાંતરિત કરવાની જહેમત ઉઠાવાશે તે નિશ્ચિત છે.
ભારત વિશ્વમાં મોટું ઉપભોક્તા બજાર છે અને સૌથી વધુ વસ્તી ધરાવતા દેશોમાં એક છે. યુએસ અથવા ઈયુ સાથે દ્વિપક્ષી વેપારસંધિઓ ન હોવાં છતાં ભારતનો GDP આશરે ૨ ટ્રિલિયન પાઉન્ડના આંકડે પહોંચી ગયો છે. ભારત ૨૦૫૦ સુધીમાં વિશ્વના સૌથી મોટા ત્રીજા અર્થતંત્ર તરીકે બહાર આવે તેવી સંપૂર્ણ શક્યતા છે. બ્રિટન પોસ્ટ-બ્રેક્ઝિટના ગાળામાં પોતાની વેપારી ક્ષમતાઓ મજબૂત કરવા ભારતનો સહારો મેળવવા મથે છે. ભારત સાથે કોઈ પણ વેપારસંધિ બ્રિટિશ બિઝનેસીસમાં નવો પ્રાણ ફૂંકનારી બની રહેશે તેમ યુકે પણ સ્વીકારે છે.
ભારતીય નાગરિકોને અને ખાસ કરીને વિદ્યાર્થીઓને યુકેમાં અભ્યાસ ઉપરાંત, રહેવા અને કામ કરવાની તક મળે તે સોનામાં સુગંધ ભળ્યાનું કહી શકાય અને હાલમાં આ જ તરાહ પર નજર દોડાવાઈ રહી છે. યુકે-ભારતની ૨૦૨૨ની વેપારમંત્રણામાં ઈમિગ્રેશનનો મુદ્દો મહત્ત્વનો બની રહેશે. ઉભરતાં બજારનો લાભ લેવા સહુ દોડી આવે અને સલામ પણ કરે, થોડી ઘણી લલચામણી ઓફર્સ પણ આપે પરંતુ, નક્કર કોઈ વાત થાય નહિ ત્યાં સુધી આ નકામું કહી શકાય ભારતે બ્રિટન સાથેની મંત્રણામાં ઘણી સાવચેતી રાખવાની આવશ્યકતા છે.


comments powered by Disqus