બ્રિટનની મેડિસીન એન્ડ હેલ્થકેર એજન્સી (MHRA)એ કોવિડ વિરુદ્ધ સારવારમાં બીજી એન્ટિવાઈરલ પિલને ઘરઆંગણે વપરાશ માટે બહાલી આપી છે. ફાઈઝરની પેક્સ્લોવિડ હોસ્પિૉલમાં સારવારનું જોખમ ૯૦ ટકા સુધી ઘટાડી શકે છે તેમ ટ્રાયલમાં જણાયા પછી આ મંજૂરી અપાઈ છે. અગાઉ, મેરેકની મોલ્નુપિરાવિર- લેગેવરીઓ પિલ્સને મંજૂરી અપાઈ છે. પેક્સ્લોવિડ આ શિયાળામાં મળતી થશે જ્યારે મોલ્નુપિરાવિરનું વિતરણ શરૂ કરી દેવાયું છે. જોખમ હેઠળના ૭૦૦ પેશન્ટને પોઝિટિવ ટેસ્ટિંગના ત્રણ દિવસની અંદર એન્ટિવાઈરલ પિલ પેક્સ્લોવિડ અપાઈ હતી. જે લોકોને આ પબિલ અપાઈ ન હતી તેવા સાત ટકાને તીવ્ર બીમારી લાગુ પડી હતી જેની સરખામણીએ પેક્સ્લોવિડ અપાયેલા પેશન્ટના એક ટકાથી પણ ઓછાને તીવ્ર બીમારી લાગી હતી. બંને એન્ટિવાઈરલ પિલ્સ મૂળભૂત વાઈરલ પ્રોસેસીસ પર હુમલો કરતી હોવાથી નવા વેરિએન્ટની તેના પર અસર થવાની ઓછી શક્યતા છે.
• ટોની બ્લેરને નાઈટહૂડનો સ્પીકર દ્વારા બચાવઃ
પૂર્વ લેબર વડા પ્રધાન ટોની બ્લેરને નાઈટહૂડનું સન્માન અપાયા બદલ વિરોધ થઈ રહ્યો છે ત્યારે હાઉસ ઓફ કોમન્સના સ્પીકર સર લિન્ડરે હોઈલે તેમનો બચાવ કર્યો છે. બલેરને ડાઉનિંગ સ્ટ્રીટ છોડ્યાના ૧૪ વર્ષ પછી નાઈટ કમ્પેનિયન ઓફ ધ મોસ્ટ નોબલ ઓર્ડર ઓફ ધ ગાર્ટરનું સન્માન અપાયું છે. જોકે, ૨૦૦૩માં ઈરાક પર હુમલાનો આદેશ આપવાના પરિણામે બ્લેર અળખામણા બન્યા છે. સ્પીકરે કહ્યું હતું કે આ સન્માન યોગ્ય છે કારણકે તે રાજકીય નિર્ણય નથી. દેશના વડા પ્રધાને જે સેવા આપી હોય તેની કદર કરાવી જોઈએ. વડા પ્રધાનની કામગીરી ખરેખર મુશ્કેલ હોય છે. વડા પ્રધાન હોદ્દો છોડે તે પછી દરેકને નાઈટહૂડ અપાવું જોઈએ. ઉલ્લેખનીય છે કે બ્લેરના પુરોગામી સર જ્હોન મેજરને પણ આ ઈલકાબ અપાયો હતો.
• લેસ્ટરની હોસ્પિટલોના સેંકડો કર્મચારી બીમારઃ
એક તરફ કોવિડના કેસીસ વધી રહ્યા છે ત્યારે લેસ્ટરની હોસ્પિટલો બેવડી મુશ્કેલી અનુભવી રહી છે. હોસ્પિટલોમાં કાર્યરત ૫૨૨ કર્મચારી બીમાર છે જે દેશમાં સૌથી વધુ પાંચમા ક્રમની ગેરહાજરી છે. દેશભરમાં બોક્સિંગ ડેના દિવસે ૨૮,૦૦૦ કર્મચારી કામ પર ન હતા. દેશમાં સૌથી મોટા ટ્રસ્ટ્સમાં એક યુનિવર્સિટી ઓફ લેસ્ટર હોસ્પિટલ્સ NHS ટ્રસ્ટનો ૨.૯ ટકા સ્ટાફ બીમાર છે અથવા બોક્સિંગ ડેથી સેલ્ફ-આઈસોલેશન હેઠળ છે. શેફિલ્ડ હોસ્પિટલ ટ્રસ્ટના ૬.૪ ટકા કર્મચારી ૨૬ ડિસેમ્બરથી કામ પર નથી આવતા. સરકારે સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા પછી ૧૦ દિવસના આઈસોલેશન પીરિયડને ઘટાડી સાત દિવસનો કરી નાખ્યો છે. લેસ્ટરશાયરમાં દર ૧૦૦ રહેવાસીએ એક વ્યક્તિ કોવિડના સકંજામાં છે.
• નકામા પ્રોજેક્ટ્સમાં જાહેર નાણાનો ભારે દુર્વ્યયઃ
બોરિસ જ્હોન્સન વડા પ્રધાન બન્યા પછીના અઢી વર્ષમાં સરકાર અથવા ટોરી પાર્ટી સાથે સંકળાયેલાઓને નકામા પ્રોજેક્ટ્સના કોન્ટ્રાક્ટ્સ આપવા પાછળ બિલિયન્સ પાઉન્ડ વેડફી નખાયા હોવાનું એક વિશ્લેષણમાં બહાર આવ્યું છે. સરકારે ૧૪.૭ બિલિયન પાઉન્ડના જાહેર નાણા નકામા પ્રોજેક્ટ્સ, મળતિયાઓને કોન્ટ્રાક્ટ્સ અને નકામા સોદાઓ પાછળ ગુમાવ્યા હોવાનું બેસ્ટ ફોર બ્રિટન કેમ્પેઈન ગ્રૂપના અભ્યાસે જણાવ્યું છે. આમાં કોવિડ ટેસ્ટ વાયલ્સ, મેડિકલ ગાઉન્સ, વાઈનનો સંગ્રહ, વડા પ્રધાનના વિમાનના પેઈન્ટ, ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટની સજાવટ, કાનૂની ફી સહિતનો સમાવેશ થાય છે. આ નાણામાંથી ૬૦,૦૦૦ નર્સીસ, ૬૫,૦૦૦ શિક્ષકો અને ૭૭,૦૦૦ પબોલીસ કર્મચારીનો પગાર ચૂકવી શકાયો હોત તેમ કેમ્પેઈન ગ્રૂપના વિશ્લેષણમાં જણાવાયું છે.
• લંડનની સૌથી ખરાબ હોટેલઃ
રાજધાનીના બ્લમ્સબરી વિસ્તારમાં આવેલી ગૂડવૂડ હોટેલને ગ્રાહકોએ તદ્દન ખરાબ સ્થળ કહીને પોતાના અભિપ્રાયો જાહેર કર્યા છે. હોટેલના ગેસ્ટ્સનું કહેવું છે કે સ્ટાફ ખુલ્લા પગે હરેફરે છે અને મેટલ સ્પ્રિંગ પર ચાદર પાથરી બેડ્સ બનાવી દેવાય છે જે પાર્કની બેન્ચ કરતાં થોડું જ સારું કહેવાય. એક મહેમાને ટીકા કરી છે કે વાળના મોટા ગુચ્છાઓથી ડ્રેઈન ઉભરાય છે અને આખો વિસ્તાર જીવજંતુઓથી ભરેલો છે. વિચિત્રતા તો એ છે કે આ હોટેલ પોતાની જાહેરાતમાં મૂલ્યો, આરામ અને સવલતોનું સંમિશ્રણ હોવાનું જણાવે છે પરંતુ, હકીકત ઉલટી જ હોવાનું મહેમાનો ટ્રીપએડવાઈઝર પર લખતા કહે છે. તેઓ આ હોટેલને ગંદી, ધૂળથી ભરેલી, મેલી, દુર્ગંધપૂર્ણ અને બિનઆરામપ્રદ ગણાવે છે જેની સીડીઓ પર હાઉસકીપિંગનો સામાન ઠલવાયેલો રહે છે.
• તમામ સેકન્ડરી સ્કૂલ વિદ્યાર્થીઓનું ટેસ્ટિંગઃ
એજ્યુકેશન સેક્રેટરી નધિમ ઝાહાવીએ સ્પષ્ટ કર્યું છે કે ઈંગલેન્ડની સેકન્ડરી સ્કૂલ્સના બધા વિદ્યાર્થીઓ નવી ટર્મ માટે સ્કૂલ્સમાં પાછા ફરે તે પહેલા તેમનું ટેસ્ટિંગ કરી લેવાશે. ઝાહાવીએ જણાવ્યું હતું કે સરકાર સ્કૂલોને બંધ રાખવાના અગાઉના અનુભવોમાંથી શીખીને હવે શિક્ષણને ખુલ્લું રાખવા કટિબદ્ધ છે. ઓમિક્રોનના કેસીસ વધી રહ્યા છે ત્યારે વર્ગખંડમાં વિદ્યાર્થીઓએ માસ્ક પહેરી રાખવાની જરૂરિયાતનો તેમણે બચાવ કર્યો હતો. રેપિડ ટેસ્ટ્સના અપૂરતા સપ્લાયના દિવસો પછી એજ્યુકેશન સેક્રેટરીએ ખાતરી આપી હતી કે શાળાઓને જરૂરી રેપિડ કિટ્સ પૂરી પડાશે અને તેમણે વિદ્યાર્થીઓને સપ્તાહમાં બે વખત ટેસ્ટ કરાવવા અનુરોધ કર્યો હતો.
• પ્રિઝન ગવર્નરની લાંચના આક્ષેપોમાં ધરપકડઃ
લાંચ અને ડ્રગ્સના આક્ષેપોમાં કેટેગરી બી વેસ્ટ લંડનની પુરુષોની વોર્મવૂડ સ્કર્બસ પ્રિઝન્સના ગવર્નરની પોલીસે ધરપકડ કરી હતી. જેલ સત્તાવાળાઓએ સંબંધિત ગવર્નરને પોલીસ તપાસ સુધી સસ્પેન્ડ કરી દીધા હતા. મિનિસ્ટ્રી ઓફ જસ્ટિસના પ્રવક્તાએ જણાવ્યા અનુસાર પ્રિઝન એન્ડ પ્રોબેશન સર્વિસના મેનેજરની ગેરવર્તણૂક અને ડ્રગ્સની શંકાના આક્ષેપો બદલ ૧૪ ડિસેમ્બરે ધરપકડ કરાયા પછી તેની પૂછપરછ કરી પોલીસ તપાસ સુધી છોડી દેવાયો હતો. સ્ટાફના બે સભ્યને સસ્પેન્ડ કરાયા હોવાનું પણ પ્રવક્તાએ જણાવ્યું હતું.
• જાન્યુઆરીના અંત સુધી ક્રિસમસ ટ્રી રહેશેઃ
લાખો લોકો જાન્યુઆરીના અંત સુધી પણ લાઈટ્સ અને બોબલ્સથી છવાયેલા ક્રિસમસ ટ્રીને ઘરના શણગાર તરીકે જાળવી રાખશે તેમ એક સર્વેમાં બહાર આવ્યું છે. ૨૦માંથી એક વ્યક્તિ ક્રિસમસ ટ્રીને લાંબો સમય સુધી રાખવા ઈચ્છે છે કારણકે તેનાથી સુંદરતા વધે છે. બ્રિટિશરો ઉત્સવનું વાતાવરણ લાંબો સમય જળવાય તેમ ઈચ્છતા હોવાથી ચાર મિલિયનથી વધુ ક્રિસમસ ટ્રી ૩૧ જાન્યુઆરી ઘરના આંગણે સુધી રહેશે. સામાન્ય પરંપરા મુજબ છઠ્ઠી જાન્યુઆરી સુધીમાં ક્રિસમસ ટ્રી અને તેના ડેકોરેશન્સ દૂર કરી દેવાય છે. બ્રિન્ગ ક્રિસમસ હોમ સ્પર્ધાના ભાગરુપે ક્રિસમસ ઉજવતા ૨૦૦૦ લોકોનો સર્વે કરાયો તેમાં જણાયું હતું કે ૮૮ ટકા લોકોએ આ વર્ષે પોતાના ઘરમાં બે ટ્રી મૂક્યા હતા આનો અર્થ એ છે કે દેશમાં ૪,૧૭૬,૩૭૭ ક્રિસમસ ટ્રી ઉભા રહેશે.
• કરદાતાના પૈસે લીલાલહેર કરતા લિઝ ટ્રસઃ
ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસે ટોરી દાતાની માલિકીની પ્રાઈવેટ ક્લબમાં કરદાતાઓના નાણાથી ૧૪૦૦ પાઉન્ડના ખર્ચે લંચ કરવાનો દુરાગ્રહ રાખ્યો હતો. યોગ્ય સ્થળે જમવા જવાની સલાહકારોની રજૂઆત તેમણે સાંભળી ન હતી અને મિલિયોનેર એરિસ્ટ્રોકેટ રોબિન બિર્લેની માલિકીની અત્યંત મોંઘી પ્રાઈવેટ ક્લબમાં લંચ રાખવા જણાવ્યું હતું. ટ્રસ ટ્રેડ સેક્રેટરી હતાં ત્યારે યુએસ પ્રમુખના ટ્રેડ રીપ્રેઝન્ટેટિવ સાથે મુલાકાત યોજી હતી અને તેમની સાથે ૧૦ વ્યક્તિએ લંચ લીધું હતું. આ લંચનું બિલ ૩,૦૦૦ પાઉન્ડ આવ્યું હતું અને ક્લબ દ્વારા તત્કાળ પેમેન્ટની શરત સાથે બિલ ઘટાડી ૧૪૦૦ પાઉન્ડ કરાયું હતું.
