આર્થિક અંધાધૂંધી અંગે રિશી સુનાકે આપેલી ચેતવણીઓ સાચી પડી રહી છે

લીડરશિપ રેસ સમયે સુનાકે ટ્રસના આર્થિક પ્રસ્તાવોનો ઉગ્ર વિરોધ કર્યો હતો

Wednesday 05th October 2022 10:20 EDT
 
 

લંડન: કરવેરામાં જંગી કાપ મૂકતા લિઝ ટ્રસ સરકારના મિની બજેટ બાદ બ્રિટનમાં સર્જાયેલી આર્થિક અંધાધૂંધી માટે લિઝ ટ્રસ જ જવાબદાર ગણાય તે માટે પૂર્વ ચાન્સેલર રિશી સુનાક આ વર્ષે યોજાનારી કન્ઝર્વેટિવ પાર્ટીની કોન્ફરન્સમાં હાજરી આપવાના નથી. કન્ઝર્વેટિવ પાર્ટીની લીડરશિપ રેસના પ્રચાર દરમિયાન રિશી સુનાકે લિઝ ટ્રસે રજૂ કરેલી આર્થિક નીતિઓનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને આજે રિશી સુનાકે આપેલી ચેતવણીઓ સાચી પડી રહી છે. સુનાકે વારંવાર જણાવ્યું હતું કે, લિઝ ટ્રસની આર્થિક વ્યૂહરચના દેશ માટે યોગ્ય નથી. હવે આઇએમએફ અને બેન્ક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા પણ આજ પ્રકારની ચેતવણીઓ જારી કરવામાં આવી રહી છે. ટોરી લીડરશિપની રેસ જીતવા માટે લિઝ ટ્રસે મોટાપાયે કરવેરામાં કાપ મૂકવાના વચનો આપ્યાં હતાં ત્યારે સુનાકે ચેતવણી આપી હતી કે આ પ્રકારે કરવેરામાં કાપ મૂકવાથી અર્થતંત્રને મોટું નુકસાન થશે.
લિઝ ટ્રસ સાથે યોજાયેલી ડિબેટોમાં સુનાકે ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, લિઝ આપણે પ્રામાણિક બનવું જોઇએ. મોંઘવારીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે દેવું કરવું તે એક યોજના નહીં પરંતુ પરીકલ્પના છે. સુનાકની કેમ્પેન ટીમે ચેતવણી આપી હતી કે ટ્રસની ઇકોનોમિક પોલિસી મોંઘવારીને વધુ ભડકાવશે. લિઝ ટ્રસ એકસાથે 50 બિલિયન પાઉન્ડની કરવેરા રાહત આપીને સપોર્ટ પેકેજ આપી શકશે નહીં. તેના કારણે બ્રિટને ઐતિહાસિક દેવું કરવું પડશે જે અર્થતંત્ર માટે ભયજનક નીવડશે. તેના કારણે જાહેર નાણા વ્યવસ્થા ગંભીર જોખમમાં મૂકાઇ જશે.


comments powered by Disqus