લંડનઃ બ્રિટનના અર્થતંત્રમાં વ્યાપેલી અધાધૂંધી માટે ટોરી સાંસદો નવા વડાંપ્રધાન લિઝ ટ્રસ અને તેમની આર્થિક નીતિઓને જવાબદાર માની રહ્યા છે. તેમને ભય છે કે લિઝ ટ્રસ દેશના અર્થતંત્રને કચરાપેટીમાં ધકેલી રહ્યા છે. તેના કારણે દેશમાં ટોરી પાર્ટીની લોકપ્રિયતામાં મોટું ધોવાણ થઇ રહ્યું હોવાથી હવે 70 જેટલાં ટોરી સાંસદો લિઝ ટ્રસને ઉથલાવી દેવાની તૈયારીમાં લાગી ગયાં છે. વરિષ્ઠ કન્ઝર્વેટિવ સાંસદોનું કહેવું છે કે સર ગ્રેહામ બ્રેડી વડાંપ્રધાન લિઝ ટ્રસનું રાજીનામુ માગી શકે તે માટે તેમની પાસે 70 સાંસદોનું સમર્થન જરૂરી છે. એક સાંસદે જણાવ્યું હતું કે, સર ગ્રેહામ બ્રેડીને ઢગલાબંધ અવિશ્વાસ પ્રસ્તાવો મળી ચૂક્યા છે. જે તેમને લિઝ ટ્રસનુ રાજીનામુ માગવા મજબૂર કરી શકે છે. અમે જાણીએ છીએ કે તાજેતરમાં જ લીડરશિપની ચૂંટણી યોજાઇ ગઇ તેથી આ સૌથી છેલ્લો વિકલ્પ છે પરંતુ અમે માનીએ છીએ કે તે દેશના અર્થતંત્રના શ્રેષ્ઠ હિતમાં છે.
એક અખબારી અહેવાલ અનુસાર 1922 કમિટીના ચેરમેન સર ગ્રેહામ બ્રેડીને લિઝ ટ્રસ વડાંપ્રધાન બન્યાં તેના 27 દિવસમાં જ 12 જેટલાં અવિશ્વાસ પ્રસ્તાવ મળી ચૂક્યાં છે. પરંતુ નિયમ પ્રમાણે અવિશ્વાસ મત માટે જરૂરી 54 જેટલાં પ્રસ્તાવ મળે તો પણ એક વર્ષ સુધી લિઝ ટ્રસને અવિશ્વાસ મતનો સામનો કરવો પડશે નહીં. પરંતુ જો અવિશ્વાસ પ્રસ્તાવોની સંખ્યા 70 પર પહોંચી જાય તો સર ગ્રેહામ બ્રેડીને લિઝ ટ્રસને ચેતવણી જારી કરવી પડશે કે તેમને નિયમોમાં બદલાવ માટે એક્ઝિક્યુટિવ કમિટીની બેઠક બોલાવવી પડશે. જોકે 18 ઓકટોબર સુધી તેઓ તેમ કરી શકતા નથી. 18મી ઓક્ટોબરે નવી એક્ઝિક્યુટિવ કમિટીની રચના કરાશે.
બોરિસ જ્હોન્સનના પૂર્વ સહાયક ડોમિનિક કમિંગ્સે જણાવ્યું હતું કે, ટ્રસ કોઇ રીતે સફળ થવાના નથી. તેમના માટે એક સારી વાત એ છે કે તેમને બરાક ઓબામા કે બિલ ક્લિન્ટન જેવા પીઢ નેતાઓનો સામનો કરવાનો નથી. પરંતુ તેમણે એટલી ખરાબ કામગીરી કરી છે કે કીર સ્ટાર્મર જેવા બકવાસ નેતા પણ તેમની સામે જીતી શકે છે.
ટોરી સાંસદોને ભયાનક પરાજયનો ભય
ટોરી સાંસદોને આગામી ચૂંટણીમા લેબર પાર્ટી સામે ભયાનક પરાજયનો ભય સતાવી રહ્યો છે. એક ટોરી સાંસદે જણાવ્યું હતું કે, નવા વડાપ્રધાન અંગેની મતદારો પર પડેલી પહેલી છાપમાંથી ક્યારેય મુક્ત થઇ શકાશે નહીં. ટ્રસની નીતિઓ મોટી હોનારત છે અને આગામી ચૂટણીઓમાં તેના ગંભીર પરિણામ ભોગવવા પડશે.
બર્મિંગહામમાં કન્ઝર્વેટિવ કોન્ફરન્સનો સાંસદો અને સભ્યો દ્વારા બહિષ્કાર
રવિવારથી બર્મિંગહામ ખાતે શરૂ થયેલી કન્ઝર્વેટિવ પાર્ટીની કોન્ફરન્સમાં મોટી સંખ્યામાં સાંસદો ગેરહાજર રહ્યાં હતાં. પૂર્વ ચાન્સેલરો રિશી સુનાક અને સાજિદ જાવિદે આ કોન્ફરન્સમાં હાજરી આપી નહોતી. ડેવિડ ડેવિસે પણ આ બેઠકનો બહિષ્કાર કર્યો હતો. રેહમાન ચિશ્તીએ જણાવ્યુ હતું કે, હું લિઝ ટ્રસ અને તેમની પસંદગીની ટીમને જંપીને બેસવા દઇશ નહીં. હું આ કોન્ફરન્સમાં હાજરી આપવાનો નથી. ઘણા બેકબેન્ચર સાંસદોએ જણાવ્યું હતું કે, અમે કોન્ફરન્સમાં હાજરી આપવા માટે હજુ કોઇ નિર્ણય લીધો નથી. મેલ સ્ટ્રાઇડે જણાવ્યું હતું કે, હું કોન્ફરન્સમાં હાજરી આપવાનો નથી.

