દરેક મહિલાનું એક સપનું હોય છે ‘લગ્નનો શાનદાર ડ્રેસ’. આ ડ્રેસ સાથે સાથે અનેક યાદો સંકળાયેલી હોય છે, જેથી દરેક મહિલા આ સુંદર ડ્રેસને આજીવન સાચવી રાખવા માગતી હોય છે, પરંતુ કેટલીક મહિલાઓ એવી પણ હોય છે, જેઓ તેમની જિંદગીની આ સુંદરતમ ક્ષણો માટે પણ ડ્રેસ ખરીદી શકતા નથી. તો આવી બહેનોનું શું?!
કેરળના નાસરના મનમાં પણ આ જ સવાલ આવ્યો અને પછી તેણે જરૂરિયાતમંદ યુવતીઓને લગ્નનો ડ્રેસ ભેટમાં આપવાનું શરૂ કર્યું. આ પ્રોજેક્ટ દ્વારા તે અત્યાર સુધી 450 દુલ્હનોની મદદ કરી ચૂક્યા છે. આવો, આપણે નાસરની સ્ટોરી તેમના જ શબ્દોમાં જાણીએ...
‘મેં દસ વર્ષ સાઉદી અરબના એક સુપર માર્કેટમાં કામ કર્યું છે. પછી 2013માં મારા હોમ ટાઉન પેરિનતલમણ્ણા (મલપ્પુરમ્ જિલ્લો) પાછો આવ્યો. પાછા આવીને ટેક્સી ચલાવવાનું શરૂ કર્યું. આ દરમિયાન થોડી ચેરીટી કરતો રહેતો હતો. જોકે મનમાં સમાજની ભલાઈ કરવાનો ઈરાદો મજબૂત થતો જતો હતો. બિઝનેસ સંદર્ભે એક મુસાફરીમાં એક વૃદ્ધ મહિલા સાથે મુલાકાત થઈ. તેમણે રડતાં-રડતાં પોતાની મુશ્કેલી જણાવી કે તેમની પુત્રી માટે લગ્નનો ડ્રેસ ખરીદવાના પણ પૈસા નથી.
મારા મનમાં તો સવાલોનો દરિયો ઉમટી પડ્યો. એક તરફ આપણે લગ્નો પાછળ લાખો - કરોડો રૂપિયા ખર્ચ કરીએ છીએ, તો બીજી તરફ એક વર્ગ એવો પણ છે, જેની પાસે લગ્ન માટે સારા કપડાં પણ હોતાં નથી. આ વિચાર સાથે જ મેં એપ્રિલ-2020માં ‘ડ્રેસ બેન્ક’ બનાવવાનું શરૂ કર્યું. પુરુષોની તુલનામાં મહિલાઓને લગ્નના ડ્રેસ મોંઘા હોય છે, એટલે મેં માત્ર બ્રાઈડલ ડ્રેસ પર જ ફોકસ કર્યું.
સૌથી પહેલા પરિચિતો-મિત્રોને દુલ્હનોના ડ્રેસ ડોનેટ કરવા વિનંતી કરી. સોશિયલ મીડિયા દ્વારા લોકો સુધી મારી વાત પહોંચાડવાનો પ્રયાસ કર્યો. થોડા ડ્રેસ ભેગા થયા એટલે જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચ્યો. કેરળ ઉપરાંત પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહાર અને બીજા અન્ય રાજ્યોમાંથી પણ લોકો ડ્રેસ માટે મારો સંપર્ક કરે છે.
આજે ‘ડ્રેસ બેન્ક’માં લગ્નપ્રસંગે પહેરવાના વસ્ત્રોની લગભગ 1000 કરતાં વધુ જોડી છે. જેમની કિંમત રૂ. 5 હજારથી માંડીને રૂ. 50 હજાર સુધીની છે. લોકો મોટા ભાગે બ્રાન્ડ ન્યુ ડ્રેસ જ ડોનેટ કરે છે. કોઈને આપતાં પહેલા અમે તેને સારી રીતે ડ્રાયક્લીન કરાવીએ છીએ.
અમારા આ વેડિંગ કલેક્શનમાં સામેલ એક હજાર કરતાં વધુ ડ્રેસમાં હિન્દુ વિવાહમાં પ્રચલિત લહેંગા ઉપરાંત મુસ્લિમ, ખ્રિસ્તી રીત-રિવાજોમાં વપરાતા વેડિંગ ડ્રેસ પણ છે. લગ્નમાં ઉપયોગ થયા પછી અમે કોઈ પણ પરિવારને તેને પરત આપવાનું કહેતા નથી, પરંતુ મોટા ભાગે લોકો દિલથી આશીર્વાદ સાથે તેને પાછા આપી દે છે.’

