રાષ્ટ્રવિરોધી PFI પર પ્રતિબંધનો ગાળિયો

Wednesday 05th October 2022 06:13 EDT
 

આખરે ભારત સરકારે દેશદ્રોહી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) અને તેના 8 સહયોગી સંગઠનો પર પાંચ વર્ષનો પ્રતિબંધ લાદી દીધો છે. PFI અને સહયોગી સંગઠનો કટ્ટરવાદ, આતંકવાદ અને સંબંધિત પ્રવૃત્તિઓને ટેરર ફંડિંગ કે નાણાકીય સહાય, લક્ષ્યાંકિત હત્યાઓ, તેમજ કાયદા-વ્યવસ્થામાં અવરોધો સર્જવાના સહિતની પ્રવૃત્તિમાં સંડોવણની સતત રજૂઆતો થતી રહી છે. પીએફઆઇના સ્થાપકો પ્રતિબંધિત સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા (SIMI)ના નેતા  તરીકે કામગીરી કરતા રહે છે અને આઈએસઆઈએસ જેવાં કટ્ટર વૈશ્વિક સંગઠનો તેમજ બાંગલાદેશના જમાત-ઉલ-મુજાહિદ્દીન (JMB) સંગઠન સાથે તેમનો ઘરોબો પણ જાહેર છે. બેન્કિંગ ચેનલ, હવાલા અને વિદેશી સ્રોતો પાસેથી દાન મેળવી આતંકવાદને સમર્થન કરતી અને ગેરકાયદે પ્રવૃત્તિઓમાં તેનો ઉપયોગ કરવા માટે પીએફઆઈ નામચીન હતી. હિજાબના મુદ્દે કર્ણાટકમાં ધાર્મિક લાગણીની ઉશ્કેરણીના પગલે ભડકેલી હિંસા તેમજ પટણામાં વડા પ્રધાનમોદીની હત્યાના કાવતરા પાછળ પણ પીએફઆઈનો હાથ હોવાની શંકા દર્શાવાય છે. મુસ્લિમ લીગ અને દક્ષિણ ભારતમાં સુન્ની અને શિયા મુસ્લિમોનાં સંગઠનો પણ પીએફઆઇને કટ્ટરવાદી કહેવા સાથે દેશની એકતા માટે ખતરો ગણાવે છે. દેશની અખંડિતા અને સાર્વભૌમત્વને નુકસાન પહોંચાડતી કોઈ પણ સંસ્થા સામે પગલાં આવશ્યક જ ગણાય. દેશના આવા દુશ્મનો સામે કડક પગલાં લેવામાં ખચકાટ રાખવો ન જોઈએ. જોકે, સરકારે તેના પર ગાળિયો ફાંસતા પહેલા નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ દ્વારા તપાસ કરાવી 13 રાજ્યોમાં સાગમટે દરોડાઓ પડાવી કટ્ટરવાદી તત્વોની ધરપકડો કરાવી તે આવકારદાયક છે. આવા દેશદ્રોહી સંગઠનોની તાસીર એ રહી છે કે પ્રતિબંધ પછી નવા નામે કામ શરૂ કરી દે છે એટલે સરકારે પણ સતત ચાંપતી નજર રાખવી પડે છે.


comments powered by Disqus