લંડન: 17મી સપ્ટેમ્બરના રોજ લેસ્ટરમાં બે સમુદાયો વચ્ચે તણાવ ચરમસીમા પર પહોંચ્યો ત્યારે અમદાવાદના વસંત-રજબની જેમ અજય નાગલા અને ઇમામ એહમદે તણાવ ઘટાડવામાં મહત્વની ભુમિકા ભજવવાનો પ્રયાસ કર્યો હબતો. બંને સમુદાયના ટોળાં પોલીસની હાજરી મધ્યે પણ એકબીજા પર બોટલોનો મારો ચલાવી રહ્યાં હતાં ત્યારે લેસ્ટરના હાઇફિલ્ડ વિસ્તારમાં બાળપણથી સાથે ઉછરેલા અજય નાગલા અને ઇમામ એહમદે કટ્ટરવાદીઓની અફવાઓથી ગેરમાર્ગે દોરાવાના બદલે બંને સમુદાયના લોકોને સમજાવીને તણાવ ઘટાડવાના પ્રયાસો કર્યાં હતા. ઇમામ એહમદ કહે છે કે હું તણાવ ઘટાડવા અને મારા મુસ્લિમ સાથીઓને સમજાવવા બેલગ્રેવ રોડ પહોંચ્યો હતો. ધીમે ધીમે ટોળું વધી રહ્યું હતું તેની સાથે તણાવ પણ વધવા લાગ્યો હતો. એક મુસ્લિમે મારી પાસે આવીને કહ્યું હતું કે કેટલાક લોકો ધાર્મિક ધ્વજ સળગાવવાનો કારસો ઘડી રહ્યા છે. તેથી હુ તે સ્થળે પહોંચ્યો હતો અને તેમને અટકાવ્યા હતા. મેં તેમને ચેતવણી આપી હતી કે તેઓ કરી રહ્યાં છે તે બિનઇસ્લામિક કૃત્ય છે. મેં ધાર્મિક સ્થળોની સુરક્ષાનો આદેશ આપતી કુરાનની આયાતો તેમને સંભળાવી હતી. આ ઘટનામાં સડોવાયેલા લોકો મૂર્ખ હતાં અને મને કાયર કહી રહ્યાં હતાં.
અજય નાગલા કહે છે કે ટોળાંમાં કેટલાક લોકો જ એવા હતા જેઓ ધજાઓને નુકસાન પહોંચાડી રહ્યાં હતા અને તેમાંથી એકે તો ધજાને આગ પણ લગાવી હતી. ઇમામ એહમદ આ જ સ્થળે તણાવ ઘટાડવા અને લોકોને સમજાવવાના પ્રયાસ કરી રહ્યો હતો. હું પણ ત્યાં પહોંચ્યો અને મેં ત્યાં ફસાયેલા લોકોને તેમની કાર અને ઘર સુધી પહોંચાડવામાં મદદ શરૂ કરી હતી. રેસ્ટોરન્ટના માલિકોએ કેટલાકને તેમને ત્યાં સંતાડી દીધાં હતાં. પરંતુ મેં અને ઇમામે તેમને ખાતરી આપી હતી કે અમે તેમને સુરક્ષિત રીતે તેમના સ્થાનો પર પહોંચાડીશું.
વસંત અને રજબે કોમી શાંતિ માટે પ્રાણોની આહૂતિ આપી હતી
1 જુલાઈ, 1946ને રોજ અમદાવાદમાં રથયાત્રા પ્રસંગે કોમી રમખાણ ફાટી નીકળ્યું. બંને ભાઈબંધો સવારથી જ દોડાદોડી કરતા હતા અને સાંજના જમાલપુરમાં ધમાલના સમાચાર સાંભળી કોઈની પણ રાહ જોયા વિના નીકળી પડયા. જમાલપુરમાં ઉશ્કેરાટથી ભાન ભૂલેલા હિંસક ટોળાંને શાંત કરવા માટે વસંતરાવ હેગિષ્ટે અને રજબઅલી લાખાણીએ અનેક વિનવણીઓ અને સમજાવટના પ્રયાસો કર્યા પછી ' જાનથી મારવા જ હોય તો પહેલાં અમને મારી નાખો...' એવો ખૂલ્લો પડકાર કર્યો. એ પછી હિંસક ટોળાંએ શાંત થવાને બદલે આવેશમાં આવીને સાચે જ એ બંનેને પથ્થર, ચાકુ અને ખંજરના ઘા ઝીંકીને જાનથી મારી નાખ્યા. વસંતરાવ અને રજબઅલીએ હિંસા અટકાવવા માટે, પોતાની જાતને બચાવવાને બદલે લોકોના જીવ બચાવવાઅડીખમ ઊભા રહી પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા.

